રાજકોટ
News of Tuesday, 17th April 2018

અમદાવાદ કરતા રાજકોટમાં દારૂ મોંઘોઃ ‘રંગમાં ભંગ' !!

શહેરના ‘સરકાર માન્‍ય' દારૂ પિનારાઓ ઉપર ચોતરફી ‘તવાઈ' અંતે પરમિટ હોલ્‍ડર એસોસીએશનની રચના ! : દારૂની એક બોટલે ૧૦૦૦થી ૫૦૦૦નો ભાવ વધારો : સામુહિક દારૂ ખરીદી માટે ચાલી રહેલી વિચારણા !! : પરમીટ હોલ્‍ડરો સ્‍પે. બસ કરી અમદાવાદથી દારૂ ખરીદવા જાય તો પણ લાખેણા ફાયદા !!

રાજકોટ, તા. ૧૭ :  રંગીલા રાજકોટના ‘રંગીલા' દારૂ પરમીટ હોલ્‍ડરો માટે હમણા ઉપરાછાપરી માઠા સમાચારોની તડાપીટ બોલી રહી છે. પરમીટ રીન્‍યુ કરવાની બંધ થતા કેટલાયની બોટલો બંધ થઈ ગઈ છે તો બીજી તરફ જેમની પરમીટ ચાલુ છે તેઓનો દારૂ ખરીદવા જતા પગ ઉપડે નહી તેવો ભાવ વધારો ઝીંકાયો છે. આટલે પણ અટકતુ ન હોય તેમ રાજકોટના સરકાર માન્‍ય દારૂ પરમીટ ધારકોને રાજ્‍યમાં સૌથી વધુ મોંઘો દારૂ મળે છે. ચોતરફથી ઘેરાયેલા પરમીટ ધારકોએ એક એસોસીએશનની રચના કરી છે અને તૂર્તમાં નવતર આંદોલન ઝીંકાય તો નવાઈ નહીં.

કમ્‍મરતોડ ભાવવધારાનો ભોગ બનેલા અમુક મોજીલા પરમીટ હોલ્‍ડરોના કહેવા મુજબ રાજકોટના વાઈનશોપ માલિકોની સીન્‍ડીકેટથી રાજયના તમામ શહેરો રાજકોટમાં કાયદેસરનો દારૂ અતિ મોંઘો બન્‍યો છે.

હેલ્‍થ પરમીટ હોલ્‍ડરો આ અસહ્ય ભાવવધારા તથા પરમીટ રીન્‍યુ માટેના અંતરાયો સામે સંગઠીત થઈ રહ્યાનું અને નવતર પ્રકારના વિરોધનું આયોજન કરી રહ્યાના વાવડ મળી રહ્યા છે.

પરમીટ હોલ્‍ડરો સંગઠીત થઈ રહ્યાનું અને શહેરની પાંચેય વાઈનશોપની કહેવાતી સિન્‍ડીકેટ કે વધુ ભાવ લેવા બાબતે લડી લેવાનું નક્કી કરી રહ્યા છે.

એમ કહેવાય છે કે, અમદાવાદ કરતા રાજકોટમાં વ્‍હીસ્‍કી કે સ્‍કોચની એક બોટલે રૂા. ૧૦૦૦થી ૫૦૦૦નો વધારે ભાવ લેવાય છે.

આવુ કેમ બને તે જાણવા અકિલાએ પ્રયાસ કરતા એવુ જાણવા મળ્‍યુ છે કે, સરકારે વાઇનશોપ માલિકોને મીનીમમ અને મેકસીમમ ભાવ લેવા માટેની ગાઈડલાઈન આપી હોય છે તેના અર્થઘટન દ્વારા રાજકોટના પરમીટ શોપ માલિકો વધુ ભાવ લઈ રહ્યાનું કહેવાય છે.

સરકારે ત્રણ કેટેગરીમાં ગાઈડલાઈન આપ્‍યાનું મનાય છે. જેના આધારે રાજકોટમાં સમગ્ર રાજ્‍યમાં સૌથી ભાવ હોવાનું મનાય છે.

દરમિયાન પરમીટ હોલ્‍ડરો રીન્‍યુઅલ, નવી પરમીટ તથા ભાવ વધારા સામે લડી લેવા બાંયો ચડાવી છે. અમુક એવુ સંગઠન કરી રહ્યાનું મનાય છે કે, રાજકોટથી એક ખાસ લકઝરી બાંધીને અમદાવાદથી સસ્‍તો દારૂ વહેંચતા હોય કે શહેરમાં જઈને સામુહિક દારૂની ખરીદી કરવી જો આવુ કરે તો સરવાળે ફાયદો લાખ રૂપિયા ઉપર જઈ શકે છે (જો કે આ તો ચર્ચાતી વાત છે.

 

જાગૃત અગ્રણી તખુભા રાઠોડે આરટીઆઈ હેઠળ માહિતી માંગી

રાજકોટ, તા. ૧૭ :. એક તરફ પરમીટ હોલ્‍ડરો સંગઠીત થયાનું જાણવા મળે છે ત્‍યારે બીજી તરફ શહેરના જાગૃત નાગરીક અને અવનવા પ્રશ્નો અંગે હંમેશા જાગૃતિ દાખવનાર પૂર્વ બેંક અધિકારી શ્રી તખુભા રાઠોડે શહેરના નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીનો સંપર્ક કરીને આ અંગે સ્‍પષ્‍ટતા માંગી હતી પરંતુ સંતોષકારક જવાબ ના મળતા અંતે તેમણે રાઈટ ટુ ઈન્‍ફોર્મેશન હેઠળ બે દિવસ પહેલા માહિતી માંગ્‍યાનું જાણવા મળે છે.

અકિલા સાથેની વાતચીતમાં તખુભા રાઠોડે એવું જણાવ્‍યુ હતુ કે, મેં શહેરના સંબંધીત અધિકારી સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી પરંતુ રીન્‍યુઅલ સહિતની બાબતો તથા અન્‍ય શહેરોની સરખામણીએ રાજકોટમાં ભાવ અંગેના તફાવત અંગે મીનીમમ તથા મેકસીમમ ભાવો બાબતે કરેલી વાત યોગ્‍ય ન લાગતા વિગતવાર જવાબ મેળવવા મેં રાઈટ ટુ ઈન્‍ફોર્મેશનના અધિકાર અન્‍વયે મેં માહિતી માંગી છે.

 

હુઇ મહેંગી બહોત હી શરાબ...(પણ ખાલી રાજકોટમાં જ!!!)

ગાંધીબાપુના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ હેલ્‍થ પરમીટ ધારકો શહેરના માન્‍ય લિકર શોપ (દારૂ વેંચવાનો પરવાનો ધરાવતી દૂકાનો) પરથી બીયર-વ્‍હીસ્‍કી કે પોતાને મનગમતી બ્રાન્‍ડ ખરીદીને હોંશે-હોંશે ગળા ભીના કરતાં હોય છે. શહેરમાં પાંચ સ્‍થળેથી હેલ્‍થ પરમીટ ધારકો દારૂ ખરીદી શકે છે. પરંતુ હાલમાં પરમીટધારકોની હાલત કફોડી થઇ ગઇ છે. પરમીટ હોવા છતાં દારૂ ખરીદવો કે નહિ તેનો વિચાર કરવો પડે તેવા દિવસો આવી ગયા છે. ખુબ જાણીતી ગઝલ ‘હુઇ મહેંગી બહોત હી શરાબ...કી થોડી-થોડી પીયા કરો...'હવે રાજકોટના પરમીટ ધારકોને બરાબર બંધ બેસતી થઇ ગઇ છે. કારણ કે છેલ્લા પખવાડીયાથી દારૂ-બીયરના ભાવ બમણા કે ત્રણ ગણા થઇ ગયા છે!! લિકરશોપના સંચાલકોએ ‘સિન્‍ડીકેટ' કરી બીજા શહેર કરતાં વધુ ભાવ લેવાનું શરૂ કરી દીધુ છે. તેનો પુરાવો ઉપરના બે બીલમાં મળે છે. એક જ બ્રાન્‍ડની વ્‍હીસ્‍કીના અમદાવાદ અને રાજકોટમાં જુદા-જુદા ભાવ જોઇ શકાય છે. ૧૩-૪-૧૮ના રોજ અમદાવાદથી ખરીદાયેલી હન્‍ડ્રેડ પાઇપર્સ બ્‍લેન્‍ડેડની ૭૫૦ મીલી બોટલના રૂા. ૨૨૫૦ વસુલાયા છે. તો આ જ બ્રાન્‍ડની બોટલના તા. ૬-૪-૧૮ના રોજ રાજકોટમાં રૂા. ૩૨૦૦ વસુલાયા છે. બંને બિલની પ્રત ઉપરોક્‍ત તસ્‍વીરમાં જોઇ શકાય છે. બમણા ભાવ વસુલવાને કારણે પરમીટ ધારકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.

(4:01 pm IST)