રાજકોટ
News of Tuesday, 17th April 2018

ચંદ્રેશનગરના કોળી યુવાન કાનજીએ ટ્રેન હેઠળ કપાઇ જઇ 'જિંદગીની સફર'નો અંત આણ્યો

યુવાન દિકરાના મોતથી સ્વજનોમાં કલ્પાંતઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૧૭: મવડી પ્લોટ ચંદ્રેશનગરના કોળી યુવાને મોરબી રોડ ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ મોબી રોડ ફાટક પાસે રાત્રીના સાડા નવેક વાગ્યા આસપાસ એક યુવાન ટ્રેન હેઠળ કપાઇ ગયાની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ કયાબેન આર. ચોટલીયા અને રાઇટર ધર્મેશભાઇએ ત્યાં પહોંચી તપાસ કરી હતી. મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોન અને ડ્રાઇવીંગ લાયસન્સને આધારે ઓળખ થઇ હતી. આ યુવાન મવડી પ્લોટ ચંદ્રેશનગર મેઇન રોડ પર રહેતો કાનજી રણછોડભાઇ પલાળીયા (કોળી) (ઉ.૨૩) હોવાનું ખુલ્યું હતું.

કાનજી બે ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તે કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત સાંજે છએક વાગ્યે ઘરેથી આટો મારવા નીકળ્યો હતો. એ પછી તેણે મોરબી રોડ પર આવી રાત્રીના સમયે ટ્રેન હેઠળ ઝંપલાવી દીધુ હતું. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રાખવામાં આવી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

આપઘાત પૂર્વે ઘરે ફોન કરી 'હું મોડો આવીશ' તેમ કહ્યું

. આ યુવાન સાંજે ઘરેથી છએક વાગ્યે આપઘાત કરવાનો નિર્ણય કરીને જ નીકળ્યો હોય તેમ ઘરેથી બહાર નીકળ્યા પછી ફોન કરીને 'હું મોડો આવીશ' તેમ કહ્યું હતું. પરિવારજનો તેની રાહ જોતાં હતાં ત્યાં તેના મૃત્યુના વાવડ આવતાં કલ્પાંત સર્જાયો હતો.

(1:00 pm IST)