રાજકોટ
News of Tuesday, 17th April 2018

મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા ત્રણ માસમાં ૨૨૮૧ કરોડ ગ્રાન્ટની ફાળવણી

રાજયની મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે તળાવ બ્યુટીફીકેશન, રંગાઈ કાંસનું નવીનીકરણ કામ, સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ, યોગા કમ જીમ કેન્દ્ર અંતર્ગત નગરપાલિકાઓની આગવી ઓળખ અંતર્ગત ગ્રાન્ટ ફાળવાઈ : ધનસુખભાઈ ભંડેરી

રાજકોટ, તા. ૧૭ : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગુજરાતનો ચોતરફથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકામાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી છેલ્લા ત્રણ માસમાં એટલે કે તા.૧-૧-૧૮ થી ૩૧-૩-૧૮ સુધીમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૨૨૮૧.૧૨ કરોડની ગ્રાન્ટની મંજૂરી અને ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરી સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઠ મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂ.૩૧૭.૮૭ કરોડ તથા નગરપાલિકાઓને રૂ.૧૧૮.૫૨ કરોડની રકમ મંજૂર કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજયની આઠ નગરપાલિકાઓને આગવી ઓળખના કામ માટે ૧૧.૧૪૪૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, જેમાં વાપી નગરપાલિકાને તળાવ બ્યુટીફીકેશનના કામ માટે રૂ.૨.૫૦ કરોડ, સાવલી નગરપાલિકાને રંગાઈ કાંસનું નવીનીકરણ માટે રૂ.૦.૫૦ કરોડ બારેજા નગરપાલિકાને તળાવ બ્યુટીફીકેશનના કામ માટે રૂ.૧ કરોડ, નડીયાદ નગરપાલિકાને સ્પોટ્ર્સ કોમ્પલેક્ષના કામ માટે રૂ.૨ કરોડ, માંડવી નગરપાલિકાને તાપી રીવરફ્રન્ટના કામ માટે રૂ.૧ કરોડ, બોરીઆવી નગરપાલિકાને તળાવ બ્યુટીફીકેશનના કામ માટે રૂ.૦.૨૭૮૮ કરોડ, ઉના નગરપાલિકાને યોગા કમ જીમ કેન્દ્રના કામ માટે રૂ.૦.૯૮૬૦ કરોડ, ખંભાત નગરપાલિકાને તળાવ બ્યુટીફીકેશનના કામ માટે રૂ.૨ કરોડ તેમજ નાણાપંચની યોજના અંતર્ગત બેઝીક ઘટક હેઠળ મહાનગરપાલિકાઓને ૧૫૪.૪૩ કરોડની ગ્રાન્ટ અને નગરપાલિકાઓને ૩૩૭.૪૫ કરોડ તેમજ મનોરંજન ગ્રાન્ટ વ્યવસાયવેરા ગ્રાન્ટ અંતર્ગત રાજયની મહાનગરપાલિકાઓને ૩૯.૦૭ કરોડ તથા નગરપાલિકાઓને ૫૨.૫૨ કરોડ તેમજ શિક્ષણ ઉપકર ગ્રાન્ટ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ૨૨૩.૬૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તેમજ ઓકટ્રોય વળતર અંતર્ગત મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને ૯૫૪.૮૫ કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવેલ છે.

આમ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ૨૨.૮૧.૧૨ કરોડની ગ્રાન્ટ નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓના વિકાસ માટે ફાળવવામાં આવેલ છે.

અંતમાં શ્રી ધનસુખભાઈ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧)એ જણાવ્યુ હતું કે ભાજપ હંમેશા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ મળે અને અંત્યોદયની ભાવના સાકાર થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. ભાજપ સરકાર એટલે એવી સરકાર - વ્યવસ્થાતંત્ર કે જે નાગરીકોના સુખ - દુઃખની ચિંતા કરે છે, નાગરીકોની સમસ્યા, સંવેદનશીલતાથી હલ કરે છે, જનકલ્યાણના હેતુથી કાર્ય - યોજનાઓ ઘડે છે અને અમલમાં મૂકે છે અને છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડે છે ત્યારે લોકોની સુખાકારી જળવાય તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શક સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકાર સતત કાર્યરત છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે.(૩૭.૨)

 

(11:39 am IST)