રાજકોટ
News of Tuesday, 17th April 2018

રાજકોટમાં ૪ શખ્સોએ એસટી બસના કાચ ફોડ્યા

કઠુઆ પિડીતાને ન્યાય આપો...એવા સુત્રોચ્ચાર કરી પથ્થરમારો-કાચની બોટલો ફેંકીઃ દ્વારકાથી ભાવનગર જઇ રહેલી સ્લીપર કોચને રાત્રે દોઢેક વાગ્યે ૮૦ ફુટ રોડ પર ચાર શખ્સોએ આંતરીઃ ડ્રાઇવર સુલતાનભાઇ અને કંડકટર વિજયભાઇ નીચે ઉતર્યા ત્યાં ચારેય ભાગી ગયા

મોડી રાત્રે જેના પર પથ્થરમારો અને કાચની બોટલોના ઘા થયા તે એસટી બસ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૭: કઠુઆ ગેંગરેપમાં ભોગ બનેલી બાળાને ન્યાય અપાવવાની માંગણી સાથે દેશભરમાં દેખાવો થઇ રહ્યા છે. રાજકોટમાં પણ ગઇકાલે મહિલા આગેવાનો કાર્યકરોએ મિણબત્તીઓ પ્રગટાવી દિકરીઓને ન્યાય આપો...જેવા બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. તો બીજી તરફ મોડી રાત્રે દોઢેક વાગ્યે ૮૦ ફુટ રોડ પર ડો. બાબા સાહેબ આંબેડકર ગેઇટ પાસે ચાર શખ્સોએ દ્વારકા-ભાવનગર રૂટની સ્લીપર કોચ એસ.ટી. બસને આંતરી કઠુઆ પિડીતાને ન્યાય આપો....એવા સુત્રોચ્ચાર કરી બસ ઉપર પથ્થરમારો કરી તેમજ કાચની બોટલ ફેંકી 'બધા નીચે ઉતરો બસ સળગાવી દેવી છે....' તેવા હાકલા પડકારા કર્યા હતાં. ડ્રાઇવર-કંડકટર નીચે ઉતરતાં ચારેય શખ્સો ભાગી ગયા હતાં. અચાનક બસ પર હુમલો થતાં અંદર રહેલા ૪૨ મુસાફરો ફફડી ઉઠ્યા હતાં. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની જાણ થતાં થોરાળાના પી.એસ.આઇ. જે. જી. ચોૈધરી અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે દ્વારકાના આરંભડા ગામે રહેતાં અને દ્વારકા એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે છ મહિનાથી નોકરી કરતાં સુલતાનભાઇ ઇશાકભાઇ બુખારી (ઉ.૩૧)ની ફરિયાદ પરથી ૨૦ થી ૨૨ વર્ષના ચાર શખ્સો સામે ધી પ્રિવેન્શન એકટ ઓફ ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ની કલમ ૩ (૨) ઇ તથા આઇપીસી ૧૧૩૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડ્રાઇવર સુલતાનભાઇના કહેવા મુજબ ગઇકાલે સાંજે હું તથા કંડકટર અનિલભાઇ વિજયભાઇ પરમાર દ્વારકા-ભાવનગર રૂ૭ની એસ.ટી. બસ જીજે૧૮ઝેડ-૩૧૦૨માં ૪૨ જેટલા મુસાફરો બેસાડી રાજકોટ આવ્યા હતાં. રાત્રે એકાદ વાગ્યે શાસ્ત્રી મેદાન એસ.ટી. ડેપોથી બસ ઉપાડી ભાવનગર જવા રવાના થયા હતાં. ભકિતનગર સર્કલ,  સોરઠીયાવાડી સર્કલથી આગળ ૮૦ ફુટ રોડ અમુલ ચોકડી તરફ રાત્રે દોઢેક વાગ્યે પહોંચ્યા ત્યારે ડો. બાબા સાહેબ આંબેડકર ગેઇટ નજીક સ્પીડ બ્રેકર આવતાં બસ ધીમી પાડતાં સામેની સાઇડમાં ચાર શખ્સો હાથમાં પથ્થરો અને કાચની ખાલી બોટલો લઇને આવ્યા હતાં.

બસ ધીમી પડતાં જ એક શખ્સે કાચની બોટલ આગળના કાચ પર ફટકારી હતી. બીજા શખ્સોએ પથ્થરોના ત્રણેક ઘા કર્યા હતાં. એ પછી આ ચારેય જણાએ 'બધા નીચે ઉતરો બસ સળગાવી દેવી છે' તેમ કહેતાં હું તથા કંડકટર અનિલભાઇ નીચે ઉતરતાં આ ચારેય ભાગી ગયા હતાં. તોડફોડથી બસમાં રૂ. બારેક હજારનું નુકસાન થયું હોઇ મેં ડેપો મેનેજર વિમલભાઇ મકવાણાને જાણ કરી બાદમાં પોલીસને ફોન કર્યો હતો. પોલીસ સત્વરે પહોંચી હતી અને આસપાસમાં તપાસ કરી હતી પણ કોઇ હાથમાં આવ્યું નહોતું.

અજાણ્યા શખ્સોએ કઠુઆ પિડીતાને ન્યાય અપાવો તેમ કહી પથ્થરમારો કરી કાચની બોટલો ફેંકી હતી. તેમ ડ્રાઇવર સુલતાનભાઇએ વધુમાં જણાવ્યું હતું.

બધા નીચે ઉતરો બસ સળગાવી દેવી છે... એવી બૂમો પડતાં  ૪૨ મુસાફરો ફફડી ઉઠ્યા

દ્વારકા-ભાવનગર રૂટની જે સ્લીપર કોચ એસટી બસ પર ચાર શખ્સોએ પથ્થરમારો કરી કાચની બોટલોના ઘા કર્યા એ બસમાં ૪૨ મુસાફરો હતો. રાત્રે દોઢ વાગ્યે અચાનક બસ પર પથ્થરમારો અને કાચની બાટલોના ઘા થતાં દેકારો મચી ગયો હતો. વળી અજાણ્યા શખ્સોએ 'નીચે ઉતરો બસ સળગાવી દેવી છે...' તેવી બૂમો પાડતાં મુસાફરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ડ્રાઇવર-કંડકટર નીચે ઉતરતાં ચારેય શખ્સો નાશી ગયા હતાં. બોટલનો ઘા કર્યા તેમાં દારૂની ખાલી બોટલ હોવાનું અને હુમલાખોરો નશો કરેલા હોવાની પણ ચર્ચા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ન્યાય માંગવાની આ તે કેવી રીત?

કોઇપણ પ્રશ્ને અન્યાયની પરિસ્થિતિ પેદા થાય ત્યારે કોઇને કોઇ સમાજ કે સંગઠનો ન્યાયની માંગણી સાથે રોડ પર આવી જાય છે અને પોતાનો આક્રોશ વ્યકત કરવા સોૈથી પહેલા એસટી બસને 'નિશાન' બનાવે છે. રાજકોટમાં એક તરફ કેટલીક જાગૃત મહિલાઓએ શાંતિથી મિણબત્તીઓ સળગાવી પિડીતાને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી તો બીજી તરફ મોડી રાત્રે ચાર શખ્સોએ મુસાફરોથી ભરેલી એસટી બસને નિશાન બનાવી પથ્થરમારો કરી કાચની બોટલો ફેંકી હતી. આ કારણે સરકારી બસને નુકસાન થયું હતું તો નિર્દોષ મુસાફરો નાહકમાં ભયમાં મુકાઇ ગયા હતાં. ન્યાય માંગવાનો આ તે કેવો રસ્તો? કેવી રીત?

(11:35 am IST)