રાજકોટ
News of Monday, 16th April 2018

અખાત્રીજ પહેલા સોનાના ભાવે ૩૨ હજારની સપાટી કુદાવી

વૈશ્વિક બજારમાં જિયો - પોલિટિકલ ટેન્શનથી સોનાના ભાવમાં ઉછાળોઃ વેપારીઓની સીઝનલ ખરીદી વધતા ભાવને સપોર્ટ

રાજકોટ તા. ૧૬ : અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવમાં ભડકો થયો છે સિરીયા પર અમેરિકા, બ્રિટેન અને ફ્રાન્સની સંયુકત કાર્યવાહીથી સોનાની ચમક વધી ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૩૪૫ ડોલરની ઉપર પહોંચી ગયું છે બુધવારે અખાત્રીજ પૂર્વે ઘરઆંગણે સોનાનાં ભાવ હાજરમાં ૩ર૩પ૦-૩ર૪૦૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળે છે.

શહેરમાં જવેલર્સના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જિયો-પોલિટીકલ ટેન્શનનાં કારણે સોનાનાં ભાવમાં મજબૂત સુધારો નોંધાયો છે.બીજીતરફ અખાત્રીજના પગલે હોલસેલર અને સેમી હોલસેલરની ખરીદી વધતાં સોનાનાં ભાવમાં ઉછાળો નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં સોનાનાં ભાવમાં ૭૦૦નો ઉછાળો નોંધાઇ ચૂકયો છે. બુલિયન બજારમાં જણાવ્યા પ્રમાણે ભાવ ૧૩પ૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયા છે.જયારે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ તથા રૂપિયામાં જોવા મળેલા ઘટાડાની અસરથી સોનાના ભાવ હજારમાં બિલ સાથે સર્વોચ્ચ ૩૨,૪૦૦ની સપાટીએ જોવા મળ્યો છે.

છેલ્લા એક વર્ષમાં સોનાના કિંમતમાં ૨૮૦૦નો વધારોઃ ૧૦ ટકાનો ઉછાળો

રાજકોટ : છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો જોવાયો છે ગયા વર્ષે અખાત્રીજના દિવસે જોવા મળેલા ભાવની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાનાં ભાવનો ર૮૦૦થી વધુનો ઉછાળો જોવાયો છે. ગત વર્ષે અખાત્રીજના દિવસ ૧૦ ગ્રામ સોનાનાં ભાવ ર૯પ૦૦ની આસપાસ જોવા મળતો હતો. જેમાં ૧૦ ટકાનો વધારો નોંધાઇ ચાલુ વર્ષે સોનાનાં ભાવ ૩ર૪૦૦ની આસપાસ ભાવ જોવા મળી રહ્યો છે.

(4:33 pm IST)