રાજકોટ
News of Monday, 16th April 2018

પ્રેમ સભર શિક્ષણ પધ્ધતીથી વિદ્યાર્થીનો અભિગમ બદલી શકેઃ પૂ. અપૂર્વમુનિ સ્વામી

રાજકોટ તા. ૧૬: વિશ્વવંદનીય સંતવિભૂતિ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત પૂર્વ કાર્યક્રમ ગત શનિવારે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 'ફીચર્સ ઓફ ફેકલ્ટી' વિષય પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (FDP) નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, અપૂર્વમુનિ સ્વામી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત ઉદ્દબોધન સૌ. યુનિ. સિન્ડીકેટ મેમ્બર ડો. મેહુલભાઇ રૂપાણી અને વાઇસ ચાન્સેલર ડો. કમલભાઇ ડોડિયાએ કર્યા બાદ પ્રેરક વિડિયો શો અને થીમને અનુરૂપ વાસ્તવિકતા રજૂ કરવામાં આવી હતી.

પૂ. અપૂર્વમુનિ સ્વામીએ 'ફીચર્સ ઓફ ફેકલ્ટી' વિષય પર ચોટદાર અને જોમસભર વકતવ્યનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ છાત્ર સંવાદ, આત્મ સંવાદ અને પરમાત્મા સંવાદ વિષય પર હાજર રહેલ સૌ કોઇ પ્રોફેસર્સને શિક્ષણલક્ષી મુલ્યોને જીવનમાં દ્રઢ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવેલ કે ટીચ વેલ એટલે કે વિદ્યાર્થીને સારૃં શીખવો, એકસપર્ટ ઇન ચોર ફિલ્ડ એટલે કે તમારા વિભાગમાં નિષ્ણાત બનો, એપ્રીશીએટ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીને બીરદાવો. પ્રેમ સભર પદ્ધતિ વિદ્યાર્થીનો અભિગમ બદલી શકે છે. વિદ્યાર્થી સાથે પ્રોફેસરના વાણી, વર્તન અને વ્યવહારના વિચારો કેવા હોવા જોઇએ તેના પર વિવિધ દ્રષ્ટાંતો તેમજ પ્રેરક વિડીઓ શો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૌ. યુનિ.ના એકિંટગ વાઇસ ચાન્સલર ડો. કમલભાઇ ડોડિયા, સિન્ડીકેટ મેમ્બર્સ, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. ગિરીશભાઇ ભિમાણી, ડો. વિજયભાઇ પટેલ, ડો. અમિતભાઇ હાપાણી, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. રમેશભાઇ વાઘાણી, આર. કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી શિવલાલ રામાણી, મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશભાઇ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેલ. (૭.૩ર)

(4:24 pm IST)