રાજકોટ
News of Monday, 16th April 2018

RTO કચેરી સામે ટ્રાન્સપોર્ટરોનો મોરચોઃ RTO દ્વારા બધી માંગ સ્વીકારી લેવાતા આંદોલન પુરૂ...

આજથી બીલ નહી હોય તો પણ આજીવન ટેક્ષ સ્વીકારી લેવાશેઃ બે કલાક કચેરી સૂમસામ બની ગઇઃ ગુલાબ આપી ગાંધીગીરીઃ રાજયમાં બધે સ્વીકારાય છે તો રાજકોટમાં કેમ નહિ?!

આરટીઓ કચેરીએ ટ્રાન્સપોર્ટરોએ મુખ્ય ગેઇટ આડે ઉભા રહી જઇ કામકાજ થંભાવી દિધુ તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે, બીજી તસ્વીરમાં સૂમસામ કચેરી, ત્રીજી તસ્વીરમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ગુલાબ આપી ગાંધીગીરી : લોકોની લાઇનો અને ટ્રાન્સપોર્ટરો-આરટીઓ વચ્ચે મંત્રણા થઇ તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૬ :... રાજકોટ શહેર - જીલ્લાના પ૦૦ થી વધુ ટ્રાન્સપોર્ટરોએ આજે આરટીઓ કચેરીએ મોરચો માંડી દોડી ગયા હતાં, અને ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ શ્રી હસુભાઇ ભગદે અને અન્ય આગેવાનોની આગેવાની હેઠળ આજીવન ટેક્ષ મામલે આરટીઓ કચેરીના મુખ્ય દરવાજે આડે ગોઠવાઇ જઇ દેખાવો- ધરણા-સુત્રોચ્ચાર યોજી આરટીઓ કચેરીનું કામ અટકાવી દેતા - ઠપ્પ કરી દેતા દેકારો મચી ગયો હતો, નવા લાયસન્સ, લર્નીંગ લાયસન્સ તથા અન્ય કામગીરી માટે આવનાર સેંકડો લોકોને ધરમધક્કા થયા હતાં.

આ પછી આરટીઓ શ્રી મોજીયા અન્ય ઇન્સ્પેકટરો તથા ટ્રાન્સપોર્ટ એસો. ની અગ્રણીઓ વચ્ચે મંત્રણા થઇ હતી અને તેમાં આજીવન ટેક્ષ સ્વીકારવા સહિતની તમામ માંગણી સ્વીકારી લેવાતા આરટીઓ કચેરીનું કામકાજ ફરી શરૂ થયું હતું, જો કે, બે કલાક કામગીરી ખોરંભે પડી ગઇ હતી.

આ અંગે વિગતો આપતા હસુભાઇ ભગદેએ 'અકિલા' ને ઉમેર્યુ હતું કે રાજકોટના ર હજાર સહિત જીલ્લાના ૭ હજારથી વધુ ટ્રક માલીકો આરટીઓ કચેરીની આવી નીતિથી હેરાન-પરેશાન થઇ ગયા છે.

રાજયની બીજી આરટીઓ કચેરી આજીવન ટેક્ષ સ્વીકારે છે, તો રાજકોટના આરટીઓને શું વાંધો છે, તે સમજાતું નથી, ટ્રક માલીકો પાસેથી ઓરીજીનલ બીલ મંગાય છે, હવે જૂના વાહનોના બીલ કયાંથી હોય, ઘણા કિસ્સામાં વાહન ઉતરોતર વેચાયું હોય, તો બીલ ન હોય, આથી શું આજીવન ટેક્ષ નહી સ્વીકારવાનો તે કયાંનો ન્યાય.

તેમણે ઉમેર્યુ હતું કે જયારે વાહન રજીસ્ટ્રેશન થયું હોય ત્યારે બીલ તો આરટીઓને અપાયું જ હતું, એટલુ તો ઠીક  ઓરીજીનલ બીલની ઝેરોક્ષ પણ નથી ચલાવતા આ લોકો.

શ્રી હસુભાઇએ ઉમેર્યુ હતું કે, રાજકોટ  આરટીઓ કચેરી વન ટાઇમ લાઇફ ટાઇમ ટેકસ સ્વીકારતુ ન હોય. જૂના વાહન માલીકોને હજારો રૂ. ની નુકશાની છે, એક વર્ષનો ટેક્ષ ૧૦ હજાર આસપાસ થાય, અને આજીવન ટેક્ષ ર૧ હજાર આસપાસ થાય, પરંતુ રાજકોટ  આરટીઓ કચેરી સ્વીકારતી ન હોવાની વિગતો તેમણે આપી હતી, એટલુ જ નહી ર૦૧૯ પછી દેશભરમાં આજીવન ટેક્ષ ફરજીયાત બનવાનું છે, તો પછી આમ કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.

હસુભાઇએ ઉમેર્યુ હતું કે બધી માંગણીઓ સ્વીકારી લેવાઇ છે, આજથી બીલ વગર પણ જૂના વાહન માલીકો આજીવન ટેક્ષ ભરી શકશે.

(4:22 pm IST)