રાજકોટ
News of Wednesday, 17th February 2021

ભાજપે કહ્યું તેના કરતા સવાયુ કરી દેખાડયુ

પાંચ વર્ષ પૂર્વે આપેલા વચનો આજે વાસ્તવિક બનતા જોઇ શકાય છે : ભંડેરી, ભારદ્વાજ, મિરાણી કહે છે એઇમ્સ, એરપોર્ટ, સ્માર્ટસિટી, બસપોર્ટ, ઓવર-અંડર બ્રીજ, નવી જીઆઇડીસી, નવા કોર્ટ બિલ્ડીંગ...વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં વિકાસનો ધોધ વહાવ્યોઃ સંકલ્પ પત્રમાં અપાયેલા વચનો પાંચ વર્ષમાં આયોજનબધ્ધ પૂર્ણ થશેઃ ભંડેરી, ભારદ્વાજ, મિરાણી

રાજકોટ તા. ૧૭: વિકાસની દૃષ્ટિએ રાજકોટ વિશ્વનું હરીફ બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઇ રૂપાણીએ જે રીતેર ાજકોટની વિકાસયાત્રા આગળ વધારી છે તે જોઇએ તો લાગે કે આ શહેરને આગામી પંદર વર્ષના વિઝનથી વિકસાવવામાં આવી રહ્યું છે. કોઇને કલ્પના પણ ન આવે એવી હકીકત એ છે કે રાજકોટની વસતી દર વર્ષે ૩ ટકા વધે છે. આખા દેશમાં વસતીની દ્રષ્ટિએ વિકસતા શહેરમાં રાજકોટ ૭માં ક્રમે છે અને વસતીની દ્રષ્ટિએ વિશ્વનું વિકસતું આ રરમું શહેર છે. તેમ ભાજપના નેતાઓ શિવલાલ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી જણાવે છે.

આવું શા માટે, રાજકોટની વસતી વધે છે એનો અર્થ એ નથી કે અહીં જન્મદર વધારે છે. પરંતુ સૌરાષ્ટ્રમાંથી અહીં લોકો રોજગારી માટે આવે છે. વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવે છે. સૌરાષ્ટ્રના લોકોનું સ્થળાંતર અહીં થાય છે. રાજકોટની વસતી એટલા માટે વધે છે કે અહીં આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો વધી રહી છે. આરોગ્ય, પરિવહન સહિતના ક્ષેત્રે રાજકોટનો અપૂર્વ વિકાસ થઇ રહ્યો છે અને એ વિકાસ આભારી છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની દુરંદેશીને.

ભંડેરી, ભારદ્વાજ, મિરાણી કહે છે કે, મુખ્ય સેવક વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વમાં રાજકોટ સ્માર્ટ સિટી, ગ્રીન સિટી, કલીન સિટી, મેટ્રો સિટી, મેગા સિટી, વાઇ-ફાઇ સિટી.

હાઇ-ફાઇ સિટી બની રહ્યું છે. રાજકોટ એક વાઇબ્રન્ટ સિટી તરીકેની ઓળખ પરસ્થાપિત કરી રહ્યું છે. રાજકોટ ભૂમિ પરથી જ પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી જીતી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી સુધીની સફર ખેડી છે તો રાજકોટમાંથી મેયર બની વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી સુધીની યાત્રા ચાલું છે.

નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણીનાં શાસનમાં જાણે મોસાળે જમણ અને મા પીરસનાર છે એવો સંગમ રાજકોટમાં સર્જાયો છે. પાલિકાથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોવાથી વિકાસ કામોને વેગ મળ્યો છે. એમાં પણ ગુજરાતનાં મુખ્યમંત્રી રાજકોટનાં હોવાથી રાજકોટ વાસીઓની પાંચે આંગળીઓ ઘીમાં છે. છેલ્લા પાંચ દાયકામાં રાજકોટનો જેટલો વિકાસ થતો ન હતો એટલો રાજકોટનો વિકાસ વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં શાસનમાં રાજકોટને એરપોર્ટ જેવું આલિશાન બસપોર્ટ મળ્યું છે. ૧૧૧૭૮ ચોરસ મીટર જગ્યામાં ૧પ૬ કરોડનાં ખર્ચે બનાવાયેલું રાજકોટનું વર્લ્ડકલાસ બસપોર્ટ આજે શહેરની શાન વધારી રહ્યું છે. વિજયભાઇ રૂપાણીનાં પ્રયત્નોથી જ સૌની યોજના થકી આજી, ન્યારી જેવા ડેમ બારેમાસમાં નર્મદાનાં નીરથી છલકાય છે ને નપાણીયુ કહેવાતું ગામ ચોગવીસે કલાક પાણીની સુવિધાયુકત થયું છે. આજીડેમ ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૧૪પ કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થપાઇ છે અને ન્યારી ડેમની ઊંચાઇ વધારાઇ છે. પાણીની સમસ્યામાંથી કાયમી મુકત અને નલ સે જલ યોજનાનાં અમલમાં હાલ રાજકોટ અવ્વલ છે.

રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોનેઅ ાશરે પ૪ર કરોડ રૂપિયાનાં ખર્ચે ૮૬૦પ અને મધ્યમ વર્ગીય લોકોને આશરે રરર કરોડ રૂપિયાનાં ખર્ચે ર૧૪ર આવાસોની સોંપણી કરવામાં આવી છે. ૬ કરોડનાં ખર્ચે સિન્થેટિક એથ્લેટીક ગેટ, પ.પ૦ કરોડનાં ખર્ચે હોકી ગ્રાઉન્ડ, ૪ લાખનાં ખર્ચે સ્કેટિંગ રીંગ સહિત રેસકોર્ષ સંકુલમાં ઇન્ડોર સ્ટેડીયમ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલપોર્ટ, ૬ ટેનીસ કોર્ટ, જીમ્નેશીયમ, યોગા સેન્ટર વિગેરે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવાસ યોજનાનાં સ્માર્ટ ઘર, એ.સી. કોમ્યુનિટી હોલ, શોપિંગ સેન્ટર સાથે શહેરની શાન ગણાતા કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ અને ૧પ૦ ફુટ રીંગ રોડ પર અત્યાધુનિક લાઇબ્રેરી, મહિલા સ્વીમીંગ પુલ, જિલ્લા ગાર્ડન ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન અને પુસ્તકાલય, શહેરનાં વિવિધ સ્થળે હરિયાણા બાગબગીચા બનાવવા આવ્યા છે. એટલું જ નહીં પરંતુ લોકોને ઘર હોય પણ ઘરનું ઘર ન હોય, સૂચિત મકાન હોય તો એવા મહત્તમ સૂચિત મકાનો અને સોસાયટીઓમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સનદ વિતરણ કરી લોકોનાં ઘરનાં ઘરનું સપનું સાકાર કર્યું છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બન્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરની મધ્યમાં મળ્યું છે દુનિયામાં કયાંય પણ ન હોય એવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ગાંધી મ્યુઝિયમ, શહેરની ભાગોળે લાલપરી તળાવ પાસે મળ્યું છે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, અને રાજકોટનાં સીમાડે મળ્યું રેસકોર્ષ-ર, અટલ સરોવર. આ સાથે રૈયા સ્માર્ટસિટી, લોધિકા જીઆઇડીસી, સુરેન્દ્રનગર-રાજકોટ-સુરેન્દ્રનગર રેલ્વે ટ્રેક, રાજકોટ-અમદાવાદ ૬ લેન હાઇવે, રાજકોટ-મોરબી ૪ લેન હાઇવે, નવી સ્કીમ, રૂડાનો નવો ઉદ્યોગ રેલ્વેની બોગી બનાવવાનું કારખાનું, સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, નવી જનાના હોસ્પિટલ, ૬ નવા બ્રીજ, અર્બન ફોરેસ્ટ, રામ વન, નવું કોર્ટ બિલ્ડીંગ, નવી મામલતદાર કચેરી, નવા પોલીસ સ્ટેશનો વગેરે.. વગેરેે કેટકેટલું. અઢળક લોકાર્પણ-ખાતમુહુર્તની વણજાર કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કરી રહ્યાં છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં પ્રયાસો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રેમથી આ શહેરને મળ્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એરપોર્ટ અને હોસ્પિટલ. જામનગર રોડ પર પરાપીપળીયા અને ખંઢેરીની ર૦૦ એકર જમીનમાં અંદાજીત ૧ર૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે આશરે ર વર્ષનાં સમયગાળામાં એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવશે તો રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ગામ પાસે બનશે રપ૦૦ એકરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ...મતલબ કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપતી હોસ્પિટલ અને એરપોર્ટથી દુનિયાનાં નકશામાં રાજકોટનું નામ રોશન થવાનું શરૂ થઇ ચૂકયું છે.

રાજકોટ મનપામાં ભાજપ શાસન દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ સ્માર્ટ સિટી રેન્કિંગ અગ્રતા ક્રમ મેળવતું આવ્યું છે. મહાનગરપાલિકામાં ભાજપ સરકારની ઉત્કૃષ્ટ કામગીરીથી રાજકોટને આઇવે પ્રોજકેટ, હાઉસિંગ પ્રોજેકટ, સાયકલ શેરિશ્રંગ પ્રોજેકટ, સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત મિશન, વગેરે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એવોર્ડ મળી ચૂકયા છે.

રાજકોટનાં મેયરથી લઇ ગુજરાતનાં મુખ્યમંત્રી બનેલા વિજયભાઇ રૂપાણી અને તેમની ભાજપ સરકાર લોકકલ્યાણકારી, પ્રજાહિતનાં કાર્યોથી રાજકોટને સતત ધબકતું, વિકસતું, ગતિશીલ, પ્રગતીશીલ રાખી રહી છે અને એટલે જ આજે દરેક રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે, રાજકોટ છે મક્કમ...ભાજપ સાથે અડીખમ. તા. ર૧ ફેબ્રુઆરીએ, રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીનાં મતદાન દિવસે ભારતીય જનતા પક્ષને ફરી એકવાર મનપામાં વિજયી બનાવવા ઉત્સુક છે. તેમ ભંડેરી, ભારદ્વાજ, મિરાણીએ જણાવ્યું હતું.

રાજકોટમાં ભૂમાફિયા ભોમા ભંડારાઇ ગયા : વિજયભાઇ રૂપાણી સરકારે અમલી બનાવેલા લેન્ડ ગ્રેબિંગ કાયદાની અસર  : ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી કહે છે કે ભૂ-માફિયા ભૂતકાળ બન્યા

રાજકોટ, તા. ૧૭ :  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં સરકારી, સામાન્ય ખેડૂતોની ખાનગી વ્યકિતની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરીને પ્રજાની મિલ્કતોની સુરક્ષિત કરી છે. રાજય સરકારે લીધેલા આ પગલાને કારણે રાજકોટમાં અનેક ભૂમાફિયાઓ ભોંભીતર થઇ ગયા છે અને જમીન-મકાન પચાવી પાડવાની પ્રવૃત્તિ ઉપર પણ બ્રેક લાગી ગઇ છે. તેમ ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠિયાએ જણાવ્યું હતું.

આ કાયદાનો અમલ રાજકોટમાં કડક રીતે શરૂ થઇ ગયો છે અને લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરીયાદ પણ નોંધવામાં આવી છે.

આ કાયદો મંજુર કરતી વખતે જ મુખ્યમંત્રી વિજયભાઇએ કહ્યું હતું કે ગુજરાતની પારદર્શી, સંવદશીલ અને ગરીબ-ખેડૂત-સામાન્ય માનવીની ચિંતા કરનારી આ સરકારે ઐતિહાસિક નિર્ણય લઇને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ની કાયદાકીય કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરીયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી.

જેને અનુલક્ષી રાજયના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભુમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગાર-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મકકમ ઇરાદા સાથે રાજય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.

ગેરકાદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગુનાહિત પ્રવૃતિઓ કરતા ભુમાફિયા કે કોઇપણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. રાજયમાં જમીન પચાવી પાડવાની પ્રવૃતિઓ ડામી દેવા રાજય સરકાર સંકલ્પબદ્ધ છે. તેવા સ્પષ્ટ સંકેત સાથે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટની અમલ નવું સિમાચિન્હરૂપ બની રહેશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

એક વિશેષ જોગવાઇ એવી પણ કરવામાં આવી છે કે, સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજય સરકારને આપમેળે-સુઓમોટો પગલા લેવાની સતા આપવામાં આવી છે.

આના પરિણામે રાજયમાં ભૂમાફિયાઓ સામે કોઇની પણ શેહશરમ કે દબાણમાં આવ્યા વગર પગલા ભરી શકાશે. એટલું જ નહિ ફરીયાદ નોંધાય તેના ૩૦ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટે ખાસ અદાલત-સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે.

શ્રી પટેલ, શ્રી રૈયાણી શ્રી સાગઠિયા કહે છે કે વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોનો વધુમાં વધુ ૬ મહિનામાં નિકાલ કરવાનો રહેશે.

વિશેષ અદાલતોને દિવાની અને ફોજદારી બેય અદાલતોની સતા આપવામાં આવી હોવાથી ભૂમાફિયાઓ સામે કડક શિક્ષાપાત્ર કાર્યવાહી થઇ શકે. તેની સાથે જ જે નિર્દોષ વ્યકિત, ખેડુત, ગ્રામીણ નાગરિકની જમીન હડપ કરી લેવામાં આવી છે તેને વળતર તેમજ ઝડપી ન્યાય પણ મળશે.

આવી કડક જોગવાઇના કારણે જમીન પચાવી પાડનાર ગુનેગારને તેના આવા કૃત્ય બદલ ભારે સજા તો થશે જ, સાથે સાથે સમાજમાં આવા પ્રકારના લેન્ડ ગ્રેબીંગના ગુનાઓ જો આચરવામાં આવશે તો ગુનેગારોની ખેર નથી તેવો સ્પષ્ટ મેસેજ પણ પહોંચશે.

આ કાયદાની જોગવાઇઓ તાત્કાલિક ધોરણથી અમલમાં આવતાં અસરકારક અમલીકરણ થવાથી જમીનોનો ગેરકાયદેસર કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાકધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યકિતઓ જમીન પચાવી પાડનાર વ્યકિતની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે. તેમ ધારાસભ્યોએ અંતમાં જણાવ્યું હતું.

(4:03 pm IST)