રાજકોટ
News of Wednesday, 17th February 2021

તમે કાં ટોળામાં ફરો છો ? મતદારોના સવાલો સામે ઉમેદવારો મૂંગા !

ચૂંટણી સમયે કોરોના ગાઈડલાઈન કાગળિયામાં: કેસ વધે છે, ચોપડે નથી લેવાતા... : સભામાં ગમે તેટલા ભેગા થઈ શકેઃ લગ્ન સમારંભોમાં મર્યાદા ! : ઉમેદવારો-નેતાઓ માસ્ક વગર ફરી શકે નાગરિકોને દંડ ! : ભૂગર્ભગટર અને ૨૪ કલાક પાણીના વચનો પુરા નથી થયા : નવા વિસ્તારોમાં બેનરો લાગ્યા

રાજકોટ, તા. ૧૭ :. મ.ન.પા.ની ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસો રહ્યા છે અને ઉમેદવારો મત વિસ્તારમાં લોકસંપર્કમાં સોશ્યલ ડીસ્ટન્સ - માસ્ક સહિતના કોરોના ગાઈડલાઈનના નિયમોમાં છોતરા ઉડાડી રહ્યા છે, ત્યારે મતદારો ઉમેદવારોને સૌથી મોટો સવાલ એ પૂછી રહ્યા છે કે 'તમે કાં ટોળામાં ફરો છો ?...' આ સવાલો સામે ઉમેદવારો મૂંગા થઈ જાય છે.

હાલ ઉમેદવારોને પ્રચાર દરમિયાન મતદારોના અણિયાળા સવાલો ભારે ખૂંચી રહ્યા છે.... મોટાભાગના ઉમેદવારો માટે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા હોવાના આક્ષેપો સાવ સામાન્ય બની ગયા છે.

લોકો સીધુ જ પૂછે છે કે તમે માસ્ક નથી પહેરતા છતાં દંડ થતો નથી અને સામાન્ય નાગરિક ન પહેરે તો હજારનો દંડ લઈ લેવાય છે. રાજકીય પક્ષને સભામાં ગમે તેટલા વ્યકિતઓની છૂટ અને સામાન્ય નાગરીકના પ્રસંગમાં મર્યાદા નક્કી કરાય છે.

આ બધુ હાલની ચૂંટણીના માહોલમાં દરેક મતદાર ખુલ્લી આંખે જોઈ રહ્યા છે.

એટલું જ નહિ નવા રાજકોટમા ભેળવાયેલા વિસ્તારના રહેવાસીઓએ તો વિસ્તારમાં બેનરો લગાડયા છે કે 'ભૂગર્ભગટર અને ૨૪ કલાક પાણીની સુવિધાના વચનો પુરા નથી થયા.

આમ આવા કડવા અનુભવો ઉમેદવારોને પ્રચાર દરમિયાન થઈ રહ્યા છે. સાથો સાથ ટોળામાં ફરતા કાર્યકરો-ઉમેદવારો પર કોરોનાનુ જોખમ પણ ઝળુંબી રહ્યુ છે.

હાલના આ સંજોગોને કારણે કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે પરંતુ તંત્રના ચોપડે નોંધવામાં નહીં આવતા હોવાથી કોરોના કંટ્રોલમાં હોવાની ભ્રાંતિ સર્જાઈ છે.

(3:57 pm IST)