રાજકોટ
News of Wednesday, 17th February 2021

જી.એસ.ટી.ના ગુનામાં ૩૦૪ કરોડના ખોટા બીલો બતાવી ૧૫ કરોડની કરચોરીના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૭ :. જીએસટીના ગુનામાં રૂપિયા ૩૦૪ કરોડના ખોટા બીલો અને વ્યવહારો બતાવી કુલ રૂ. ૧૫ કરોડથી વધુની કરચોરી કરવાના ગુનામાં મુખ્ય આરોપીનો જામીન પર છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટ જીલ્લાના સહાયક રાજ્ય વેરા કમિશ્નરશ્રી દ્વારા સંજય બાલુભાઈ મશરૂ રહે. જૂનાગઢવાળાની સામે એસ.જી.એસ.ટી. કેસ નં. ૧/૨૦થી ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદના કામે સંજયભાઈને તા. ૧૯-૮-૨૦૨૦ના રોજ અટક કરી કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતા.

આ કેસની હકીકત એવી છે કે, અધિક રાજ્ય વેરા કમિશ્નરશ્રી અન્વેષણ અમદાવાદના તથા અન્વેષણ વિભાગ-૧૧ રાજકોટ દ્વારા સર્ચ અને સીઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારે મુખ્ય આરોપી સંજય બાલુભાઈ મશરૂના રહેણાક અને તેમની જલારામ ટ્રેડીંગ કંપનીના સરનામે સર્ચ કરતા આરોપી સંજય બાલુભાઈ મશરૂના સસરા પ્રવિણભાઈ ભગવાનજીભાઈ તન્ના રહેતા હતા અને આ કાર્યવાહી દરમ્યાન સદરહુ રહેણાકના સરનામેથી અલગ અલગ પેઢીઓની ચેકબુકો અને અન્ય દસ્તાવેજો મળી આવેલ હતા અને તે અધિક રાજ્ય વેરા કમિશ્નરશ્રીએ કબ્જે કરેલ હતા.

ત્યાર બાદ જીએસટીના અધિકારીઓએ બોગસ ઉપજાવી કાઢેલ કુલ આઠેક કંપનીઓની તપાસણી કરતા અને અલગ અલગ સાહેદોના નિવેદનો નોંધતા એવુ જણાય આવેલ કે મુખ્ય આરોપી સંજયભાઈ તથા તેમના સસરા પ્રવિણ ભગવાનજીભાઈ તન્નાએ મળીને કુલ રૂ. ૩૦૪.૧૭ કરોડના બીલ વગરના માલ વેચાણના વ્યવહારો કરી અને ખોટી વેરાશાખા દ્વારા વેરો ભરપાઈ કર્યાનું દર્શાવી રૂ. ૧૫.૨૦ કરોડના વેરાની ચોરી કરેલ છે તે અંગેની ફરીયાદ આરોપી સંજયભાઈ બાલુભાઈ મશરૂ વિરૂદ્ધ સહાયક રાજ્ય વેરા કમિશ્નરશ્રી (૨) અન્વેષણ વિભાગ-૧૧ રાજકોટના એ.એમ. ચેતરીયા તા. ૨૦-૮-૨૦૨૦ના રોજ ફરીયાદ નોંધી આરોપી સંજયભાઈ બાલુભાઈ મશરૂને અટક કરી ફરીયાદ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતા અને ત્યાર બાદ તેમના રીમાન્ડ માંગવામા આવેલ હતા અને હાલના આરોપીએ ચાર્જશીટ પહેલા જામીન અરજી કરતા જે જામીન અરજી રદ થયેલ હતી. ત્યાર બાદ તેમની સામેનુ ચાર્જશીટ રજુ થઈ જતા ચાર્જશીટ બાદની પણ જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં નામંજુર થયેલ હતી.

સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજુર કરતા તે હુકમ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ હતી. આ સમયગાળા દરમ્યાન આરોપી સંજય મશરૂના જામીન મંજુર ન થતા જેલ કસ્ટડીમાં આશરે ત્રણેક વખત આપઘાત કરવાનો પ્રયત્ન પણ કરેલ હતો. જેલ કસ્ટડીમાં આરોપીએ સેનેટાઈઝર પી. ગયેલ અને એક વખત ચશ્માના કાચ ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ હતો અને તાત્કાલીક હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતો.

ગુજરાત હાઈકોર્ટમાં અન્ય આરોપી કે જેને હાલના ગુનામાં પણ સહઆરોપી તરીકે પ્રથમથી જ આ ફરીયાદમાં દર્શાવવામાં આવેલ હતા તે પ્રવિણભાઈ ભગવાનજીભાઈ તન્નાને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુકત કરેલ હતા અને ત્યાર બાદ હાલના આરોપીએ જામીન પર છૂટવા માટે જામીન અરજી કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે રૂ. ૧૦,૦૦૦ ના અમુક શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત મુખ્ય આરોપી સંજયભાઈ બાલુભાઈ મશરૂ તરફે ગુજરાત હાઈકોર્ટમાં યોગેશભાઈ લાખાણી અને રાજકોટમાં અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના શ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉધરેજા, ચેતન પુરોહીત, શ્રેયસ શુકલ, યોગી ત્રિવેદી, અનીતા રાજવંશી રોકાયા હતા.

(3:57 pm IST)