રાજકોટ
News of Wednesday, 17th February 2021

કાર ચેક કરવા આવેલા પોલીસમેન પર પથ્થરમારોઃ પોલીસની ઝડપી કાર્યવાહી-આરોપી જામીન મુકત

ન્યારી ડેમ પાસે બનાવઃ એસ્ટ્રોન સોસાયટી પાસે તંતી પાર્કમાં રહેતાં ધવલ ભારડીયાએ ગુસ્સે થઇ પીસીઆર વેનમાં ઢીકા મારી માથુ પછાડી કાચ પણ ફોડ્યા

રાજકોટ તા. ૧૭: શહેરના ન્યારી ડેમ રોડ પર લગૂન રેજન્સી રિસોર્ટ જવાના રસ્તા પર લોકરક્ષક પીસીઆર લઇને પેટ્રોલીંગમાં નીકળતાં એક કાર શંકાસ્પદ જણાતાં ચાલક પાસે જઇ અહિ કેમ બેઠા છો? ગાડી ચેક કરવી પડશે તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ લોકરક્ષકને ગાળો દઇ કાંઠલો પકડી ધક્કો દઇ દૂર ખસેડી પથ્થરમારો કરતાં તેમજ પીસીઆર વેનના કાચમાં ઢીકા મારી માથુ પછાડી કાચ ફોડી નાંખતા  ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસે ગુનો દાખલ કરી ઝડપી કાર્યવાહી કરી રાતે જ કાર ચાલકને જામીન મુકત કર્યો હતો.

બનાવ અંગે તાલુકા પોલીસ મથકના લોક રક્ષક જયદિપ બળદેવભાઇ ગોંડલીયાની ફરિયાદ પરથી એસ્ટ્રોન સોસાયટી પાસે તંતી પાર્ક-૩ પ્લોટ નં. ૨૨માં રહેતાં ધવલ શાંતિલાલ ભારડીયા (ઉ.૨૮) સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૪૨૭ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદમાં જયદિપ ગોંડલીયાએ જણાવ્યું છે કે તે તથા એસઆરપી કોન્સ. છગનભાઇ ચોૈહાણ સાંજે પીસીઆર વેન લઇ ન્યારી ડેમ રોડ પર પેટ્રોલીંગમાં નીકળતાં આઇ-૨૦ કાર જીજે૦૩એલઆર-૦૫૭૬ ન્યારી ડેમથી લગૂન રિજેન્સી જવાના રોડ પર શંકાસ્પદ ઉભેલી જણાતાં નજીક જઇ ચાલક અંદર બેઠો હોઇ તેને અહિ શુંકામ બેઠા છો? ગાડી ચેક કરવી પડશે તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી હતી.

એ પછી તેણે બહાર નીકળી ધક્કો દઇ પોતાને દૂર હડસેલી પથ્થરો પડ્યા હોઇ તે ફેંકવા માંડી તેમજ પીસીઆર વેનના કાચમાં ઢીકા મારી માથુ ભટકાડી કાચ ફોડી નાંખી પોતાને ઇજા પણ પહોંચાડી હતી. એ પછી તેને પોલીસ મથકે લાવી પુછતાછ કરતાં પોતાનું નામ સરનામુ જણાવ્યા હતાં. કાર ચેક કરવા ન દઇ ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી કાચમાં નુકસાન કર્યુ હોઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી જામીન મુકત કરાયો હતો.

(12:52 pm IST)