રાજકોટ
News of Monday, 17th February 2020

રૈયાધારમાં ચારિત્ર્ય પર શંકા કરી પતિએ વાળ પકડી પત્નિનું માથું ટ્રેકટરમાં અથડાવ્યું

વાલ્મિકી પરિણીતા બબુબેન પરમાર સારવાર હેઠળઃ પતિ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭: રૈયાધારમાં રહેતી વાલ્મિકી પરિણીતાને પતિએ ચારિત્ર્ય પર શંકા કરી ઢીકા-પાટુનો માર મારી વાળ પકડી માથુ ટ્રેકટરમાં અથડાવતાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે યુનિવર્સિટીના હેડકોન્સ. બી.આર. ભરવાડે હોસ્પિટલમાં દાખલ બબુબેન હરજી પરમાર (ઉ.૨૬) નામની પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ હરજી જીવાભાઇ પરમાર સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.

બબુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ૭ વર્ષની દિકરી પૂનમ અને ૩ વર્ષની દિકરી અંકિતા છે. તેનો પતિ રૈયા ચોકડીએ આવેલી સેફટી ટેન્કની દૂકાને ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. લગ્નના અઢી વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ એ પછી પોતે કામે જતી હોઇ પતિ ચારિત્ર્ય પર શંકા કુશંકા કરવા માંડ્યો હતો. ઘરસંસાર ચાલ્યા કરે એ માટે પોતે સહન કરતી હતી. માતા ગોૈરીબેન અને પિતા ભીખભાઇ સોલંકી રૈયાધારમાં જ રહેતાં હોઇ પોતે તેને પણ વાત કરતી હતી. છેલ્લા એક વર્ષથી પતિ વધુને વધુ શંકા કુશંકા કરી ત્રાસ ગુજારી મારકુટ કરે છે.

રવિવારે રાતે સાડા દસેક વાગ્યે પોતે ધર્મના ભાઇ હરેશ ઉર્ફ જાડાના ઘર પાસે કે જે તેના ઘરની બાજુમાં જ રહે છે ત્યાં બેઠી હતી ત્યાં પતિ આવ્યો હતો અને ગાળ દઇ સીધો જ ઢીકા-પાટુનો માર મારવા માંડ્યો હતો. તેમજ વાળ પકડી ટ્રેકટર ઉભુ હોઇ તેમાં મોઢુ અથડાવતાં હોઠમાંથી લોહી નીકળવા માંડતા સારવાર માટે દાખલ થઇ હતી. આ ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં દાખલ કરાવવામાં આવતાં એએસઆઇ નિતાબેને વધુ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)