રાજકોટ
News of Friday, 17th January 2020

મેનેજર ભરત હાપલીયા ભાન ભૂલ્યોઃ એકવાર કર્મચારી સગીરાને બથ ભરી લીધી, બીજી વાર બકી ભરી લીધી!

મોરબી રોડ પર પલ્લવી ઇમિટેશનમાં ૧૧મીએ સવારે અને સાંજે બે વખત થઇ જાતિય સતામણીઃ હેબતાઇ ગયેલી સગીરા રડતી-રડતી ઘરે પહોંચી, માતાને વાત કરીઃ પહેલા તો આબરૂ જવાની બીકે વાત છાની રખાઇ, પણ બીજા કોઇ સાથે આવું ન બને એટલે ફરિયાદ નોંધાવાઇઃ આરોપીની શોધખોળ

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર ઇમિટેશનના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતાં પટેલ શખ્સે કર્મચારી સગીરાને ઓફિસમાં કામ માટે બોલાવ્યા બાદ અચાનક બથ ભરી લઇ હાથ પકડી લઇ જાતીય સતામણી કરી શારીરિક છેડતી કરતાં તેમજ એ જ દિવસે સાંજે સગીરા ચા દેવા ઓફિસમાં જતાં ફરીથી તેણીને ખેંચી લઇ ગાલ પર બકી ભરી લેતાં સગીરા હેબતાઇ ગઇ હતી અને હીબકે ચડી ગઇ હતી. તેણી રડતી-રડતી ઘરે જતાં પરિવારજનોએ વિતક સાંભળી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી સંત કબીર રોડ પર આર્યનગરમાં રહેતાં અને ઇમિટેશનનના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતાં પટેલ શખ્સ  ભૂપત હાપલીયા સામે આઇપીસી ૩૫૪ (ક) તથા બાળકોને રક્ષણ આપતા કાયદાની કલમ ૭ મુજબ ગુનો નોંધ્યો છે.

ભોગ બનેલી બાળાના માતાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પતિ અને સંતાનો સાથે રહુ છું. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. દિકરી  સગીરવયની છે. તે છેલ્લા ચારેક વર્ષથી મોરબી રોડ પર રોઝ મેટલ પાછળ આવેલા પલ્લવી ઇમિટેશન નામના કારખાનામાં પેકીંંગનું કામ કરવા જાય છે. તેણી આઠમા ધોરણ સુધી ભણેલી છે. ૧૧મીએ સાંજે સવા છએક વાગ્યે મારી દિકરી કારખાનેથી છુટીને ઘરે આવી હતી અને રડવા માંડી હતી. મેં તેને શું કામ રડે છે, મજા નથી કે શું? તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે મારી તબિયત સારી છે પણ હું જ્યાં કામે જાવ છું એ કારખાનાનો મેનેજર ભૂપત હાપલીયા સારો નથી, એ ખરાબ છે. મારી ઉપર તેની ખરાબ નજર છે.

દિકરીએ આગળ જણાવ્યું હતું કે ૧૧મીએ બપોરે બે વાગ્યા આસપાસ તે કારખાનામાં ચોથા માળે હતી ત્યારે મેનેજર ભૂપતે નીચે ઓફિસમાં પેકીંગની ટેપના મશીન લેવા માટે બોલાવતાં તેણી ત્યાં જતાં ભૂપત  ખુરશીમાં બેઠો હોઇ તેણે બાજુમાં બોલાવી એકદમ બથ ભરી લીધી હતી અને હાથ પકડી લેતાં તેણી ગભરાઇ ગઇ હતી. આવું થતાં તેણી તુરત જ ભૂપતની ઓફિસમાથી ગભરાઇને બહાર દોડી ગઇ હતી. ભૂપતે કોઇને વાત ન કરતી તેવી પણ ચિમકી આપી હતી. એ પછી મારી દિકરી રડતી-રડતી ચોથા માળે જતી રહી હતી અને પોતાનું કામ કરવા માંડી હતી.

ત્યારબાદ સાંજે ચારેક વાગ્યે ફરીથી મેનેજર ભૂપત હાપલીયાની ઓફિસમાં ચા દેવા માટે મારી દિકરી જતાં તેણે ફરીથી પોતાની પાસે ખેંચી લઇ મારી દિકરીના ગાલ પર બકી ભરી લીધી હતી. આ પછી તે તેની ઓફિસમાંથી નીકળી ગઇ હતી. આમ ભૂપત ખરબા નજર કરતો હોવાથી અને અડપલા કરતો હોવાથી પોતે રડી રહી હોવાનું મારી દિકરીએ મને કહ્યું હતું. તેમજ તેણીએ હવે કામે નથી જાવું તેવી વાત પણ કરી હતી.

મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારી દિકરીએ જણાવેલી વાતની મેં કે તેણીએ કોઇને ત્યારે વાત કરી નહોતી. એ પછી ૧૨મીએ મેં મારા ઘરના સભ્યોને, કુટુંબીજનોને બોલાવી આ વાત કરી હતી. આબરૂ જવાની બીકે અમે ફરિયાદ કરી નહોતી. પણ બીજી વખત કોઇની સાથે આવું ન બને તેથી હિમ્મત કરીને અમે ફરિયાદ કરી છે.

પોલીસે સગીરાની જાતીય સતામણી-શારીરિક છેડતી કરવા સબબ ભૂપત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એન. જે. જાડેજાએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(11:27 am IST)