રાજકોટ
News of Friday, 17th January 2020

હુ...હુ...હુ...

રાજકોટ થરથર ધ્રુજ્યુઃ ૭.૬ ડિગ્રી

હજુ આવતા ત્રણેક દિવસ કાતિલ ઠંડીનો દોર જારી રહેશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં કાતિલ ઠંડીનો વેવ છવાયો છે. હાડ ધ્રુજાવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે સીઝનનું નીચામાં નીચું ૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. છેલ્લા ત્રણેક દિવસોથી ન્યુનતમ તાપમાનનો પારો સતત ૧૦  ડિગ્રીની નીચે જ ફરી રહ્યો છે. હજુ આવતા ત્રણેક દિવસ તો ઠંડીનો દોર જારી રહેશે તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં આજે ૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીના પગલે શહેરીજનો ધ્રુજી ઉઠ્યા છે. લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે. ઠંડીથી બચવા ગરમ પીણાનો સહારો લઈ રહ્યા છે. તાપણાની મોસમ પણ પૂર બહાર ખીલી છે. કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું છે કે ઉત્તર ભારતમાં થઈ રહેલ ભારે હિમવર્ષાના પગલે તેના પવનો સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર આવી રહ્યા હોય ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે. જેથી આગામી દિવસોમાં પણ ઠંડીનો રાઉન્ડ ચાલુ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.

(3:31 pm IST)