રાજકોટ
News of Thursday, 17th January 2019

ચેમ્બર ચૂંટણી જંગ

વીપીનું વાવાઝોડુ ફુંકાયું: 'વાઈબ્રન્ટ' પેનલનો પ્રચંડ વિજય

ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની ચૂંટણીમાં વર્ષો બાદ ઈતિહાસ રચાયોઃ વીપીની પેનલના તમામ ૨૪ સભ્યોનો ભવ્ય વિજયઃ હરીફ પેનલના સુપડા સાફઃ વેપાર ઉદ્યોગના વિકાસના નવા દ્વાર ખુલશેઃ અગાઉથી વિજય નિશ્ચિત હતોઃ વિજયના યશભાગી શિવલાલભાઈ બારસીયા અને પાર્થ ગણાત્રાઃ વિજય બાદ વીપીની પત્રકારો સાથે વાતચીત

વી ફોર વિકટરી... ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં વી.પી. વૈષ્ણવના નેતૃત્વ હેઠળની વાયબ્રન્ટ પેનલનો ભવ્ય વિજય થયો છે. આ વિજય બાદ વી.પી. વૈષ્ણવ અને તેમની ટીમ વિજયની મુદ્રા સાથે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ :. ૬૫ વર્ષ જૂની મહાજનોની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં વી.પી. વૈષ્ણવના નેતૃત્વ હેઠળની વાયબ્રન્ટ પેનલનુ વાવાઝોડુ ફુંકાયુ છે જેમાં હરીફ મહાજન પેનલના સુપડા સાફ થઈ ગયા છે. વાયબ્રન્ટ પેનલનો તોતીંગ વિજય થયો છે અને તમામ ૨૪ બેઠક આપ પેનલના ફાળે ગઈ છે. કારોબારીની ચૂંટણીમાં વર્ષો બાદ ઈતિહાસ રચાયો હોવાનું જાણવા મળે છે. આ સાથે વેપાર ઉદ્યોગના વિકાસ અને વાચા માટેના નવા દ્વાર ખુલ્યા છે. વિજય સાથે વી.પી.એ આગામી દિવસોમાં સૌને સાથે લઈને રાજકોટના વેપાર અને ઉદ્યોગના પ્રાણપ્રશ્નોના ઉકેલ તરફ સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરાશે અને પરિણામલક્ષી કામગીરી કરાશે તેવો કોલ આપ્યો હતો.

ચેમ્બરની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ ૬૭ ટકા જેટલુ મતદાન થવા પામ્યુ હતુ. કુલ ૪૫૯૨ મતદારોમાંથી ૩૦૭૨ મતદારોએ મતદાન કર્યુ હતુ અને ૧૫૨૦ વેપારીઓ મતદાનથી દૂર રહ્યા હતા. આ ચૂંટણીમાં કુલ ૩૫ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ૨૪ વાયબ્રન્ટ પેનલના અને ૧૧ મહાજન પેનલના ઉમેદવારો હતા. આજે સવારે ૯ વાગ્યે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડથી જ વી.પી. વૈષ્ણવના નેતૃત્વવાળી વાયબ્રન્ટ પેનલના ઉમેદવારોએ લીડ મેળવી લીધી હતી. બીજા રાઉન્ડમાં પણ લીડ વધી ગઈ હતી. આ લખાય છે ત્યારે ત્રીજો રાઉન્ડ પુરો થવામા છે અને વાયબ્રન્ટ પેનલના જે ૨૪ ઉમેદવારોને મત મળ્યા છે તે હરીફો કાપી શકે તેમ ન હોવાથી વાયબ્રન્ટ પેનલને ચોવીસેચોવીસ બેઠકો મળી ગયાનું માનવામાં આવે છે. બપોર બાદ કોને કેટલા મત મળ્યા ? વગેરે આંકડાઓ બહાર આવશે.

આ ચૂંટણીમાં થોડાઘણા અંશે ક્રોસ વોટીંગ થયાનું પણ કહેવાય છે. આજે પરિણામનો ટ્રેન્ડ પોતાની તરફેણમાં આવી ગયા બાદ વી.પી. વૈષ્ણવની ટીમે ઉજવણી શરૂ કરી દીધી હતી અને વંદે માતરમ તથા વાયબ્રન્ટ પેનલ આગે બઢો..ના નારા લાગ્યા હતા. ઉપસ્થિત વાયબ્રન્ટ પેનલના ટેકેદારોએ એકબીજાના મીઠા મોઢા કરાવી વિજયને વધાવ્યો હતો. આ વિજયનો ટ્રેન્ડ મળ્યા બાદ વી.પી. વૈષ્ણવે પત્રકારોને જણાવ્યુ હતુ કે, વિજયનો યશ હું મારા સેનાપતિ એવા શિવલાલભાઈ બારસીયા અને પાર્થ ગણાત્રાને આપુ છું. તેમણે કહ્યુ હતુ કે, અગાઉથી જ નક્કી હતુ કે અમારી ટીમ મજબુત છે અને અમારો વિજય નિશ્ચિત છે. ચૂંટણી માત્ર ફોર્માલીટી સમી રહી ગઈ હતી. તેમણે કહ્યુ હતુ કે સૌના સાથ અને સહકારથી અમારે ચાલવુ છે અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલો છુ અને તેના પ્રશ્નોનો કઈ રીતે ઉકેલ લાવી શકાય ? તે હું સારી રીતે જાણુ છું. મારૂ એક જ ધ્યેય રહેશે કે વેપારીઓ અને ઉદ્યોગોનો વિકાસ થાય. જાણવા મળ્યા મુજબ વી.પી. વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલને લેઉ વા પટેલ અને લોહાણા સમાજે ખોબલે ખોબલે મત આપ્યા છે. પેનલ ટુ પેનલ મતદાન થયુ છે અને હરીફોના સુપડા સાફ થઈ ગયા છે. મહાજન પેનલમાંથી એક પણ ઉમેદવાર ચૂંટાયો નથી. આજે ઉજવણી સમયે કાશ્મીરાબેન નથવાણી, નીતિન નથવાણી, હસમુખ બલદેવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વાઈબ્રન્ટ પેનલના વિજેતા ઉમેદવારો

વી.પી. વૈષ્ણવ,

શિવલાલભાઈ બારસીયા

પાર્થ ગણાત્રા

ભાષ્કરભાઈ જોષી

દીપકભાઈ પોબારૂ

કિશોરભાઈ રૂપાપરા

મનોજભાઈ ઉનડકટ

મયુરભાઈ આડેસરા

નૌતમભાઈ બારસીયા

નીલેષ ભાલાણી

રાજેશ કોટક

સમીર વેકરીયા

ઉત્સવ દોશી

વિનોદભાઈ કાછડીયા

અમૃતભાઈ ગડીયા

અતુલભાઈ જોષી

ચીરાગભાઈ ગાદેશા

ધીરેનભાઈ સંખાવરા

ગીરીશભાઈ પરમાર

હીતેનભાઈ જસાણી

જગદીશભાઈ અકબરી

કુમનલાલ વરસાણી

મયુરભાઈ આડેસરા

નરેશભાઈ શેઠ

અંતિમ પરિણામઃ સૌથી વધુ મત અમૃતભાઇ ગઢીયાને અને સૌથી ઓછા મત રાજુભાઇ ઝુંઝાને

(4:04 pm IST)