શ્રી કોલોનીમાં હિતેષભાઇ રૂપારેલીયાના ઘરમાં ઘુસી પૂર્વ મિત્ર પરેશ પટેલનો હુમલોઃ ધમકી
અગાઉના શેરના ધંધાના હિસાબ બાબતે ગાળો દઇ ડખ્ખો કર્યાની ફરિયાદ
રાજકોટ તા. ૧૬: માલવીયાનગર પોલીસ મથક હેઠળની શ્રી કોલોનીમાં મેઇન રોડ પર રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ સામે જન્નત નામના મકાનમાં રહેતાં અને શેર બજારનું કામ કરવા ઉપરાંત ટાગોર રોડ પર વેરોનિકા નામે મૂવી બનાવવાનું કામ કરતાં હિતેષભાઇ કુરજીભાઇ રૂપારેલીયા (ઉ.૪૦) નામના લેઉવા પટેલ યુવાનના ઘરમાં ઘુસી તેના જ પૂર્વ મિત્ર અતિથી ચોકમાં રહેતાં પરેશ પટેલે મારકુટ કરી ગાળો દઇ ખૂનની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
માલવીયાનગરના પી.એસ.આઇ. એચ. એમ. જાડેજાએ હિતેષભાઇ રૂપારેલીયાની ફરિયાદ પરથી પરેશ પટેલ સામે આઇપીસી ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. હિતેષભાઇના કહેવા મુજબ અગાઉ પાંચ છ વર્ષ પહેલા પોતે પરેશ પટેલ મારફત શેરબજારમાં રોકાણ કરાવતાં હોઇ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. હાલમાં પોતે અલગ અને પોતાની રીતે કામ કરે છે. જે પરેશને ગમતું ન હોઇ જુનો હિસાબ ચોખ્ખો થઇ ગયો હોવા છતાં જુના હિસાબ બાકી છે તેમ કહી ઘરે આવી દસ લાખની ઉઘરાણી કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૭)