રાજકોટ
News of Monday, 16th December 2019

શાપર-વેરાવળના ગૂમ થયેલ બે બાળકોને રૂરલ પોલીસે ગણત્રીના કલાકોમાં જ શોધી કાઢયા

ગૂમ થયેલ લવકુશ (ઉ.વ.૧૩) અને રાહુલ (ઉ.વ.૧૩) ચાલીને ગોંડલ ચોકડીએ પહોંચી ગયા'તાઃ શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ તથા ટીમની મહેનત લેખે લાગી : રાહુલને પિતાએ ઠપકો આપતા બાજુમાં રહેતા લવકુશ સાથે ઘરેથી નિકળી ગયા હતા

તસ્વીરમાં ગૂમ થયેલ બંન્ને બાળકોના પરીવારજનો અને શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ તથા સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૬: શાપર-વેરાવળમાંથી   ગૂમ થયેલ બે બાળકોને રૂરલ પોલીસે ગણત્રીના કલાકોમાં જ શોધી કાઢતા પરીવારજનોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં રહેતા સંજયસિંહ દિનેશચંદ્ર ચંદ્રવંશીનો પુત્ર લવકુશ (ઉ.વ.૧૩) તથા તેની બાજુમાં રહેતા સુધીરામ શ્રીરામ પાસવાનનો પુત્ર રાહુલ (ઉ.વ.૧૩) ઘરેથી કયાંક જતા રહેતા  બંન્નેના પરીવારજનોએ શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.  રૂરલ એસપી બલરામ મીણાએ આ બંન્ને બાળકોને તાકીદે શોધી કાઢવા સુચના કરતા  શાપર-વેરાવળ પોલીસ તથા રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી બંન્ને બાળકોની શોધખોળ હાથ ધરાઇ હતી.

દરમિયાન શાપર-વેરાવળના પોલીસ  હેડ કોન્સ્ટેબલ રોહીતભાઇ બકોત્રા તથા રવુભા ગીડાને ગોંડલ ચોકડીએ બે બાળકો ચાલીને જતા હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ સહીતનો સ્ટાફ તુર્ત જ ત્યાં ધસી ગયો હતો અને તપાસ કરતા શાપર-વેરાવળના ગૂમ થયેલ બંન્ને બાળકો જ હોવાનું ખુલતા રાહતનો દમ લીધો હતો અને ગુમ થયેલ બંને બાળકો મળી આવતા પરીવારજનોમાં આનંદ વ્યાપી ગયો હતો.

પોલીસ તપાસમાં ગુમ થયેલ બંન્ને બાળકો પૈકી રાહુલને તેના પિતાએ ઠપકો આપતા તેની બાજુમાં રહેતા લવકુશને લઇ ઘરેથી નિકળી ગયાનુ઼ ખુલ્યુું હતું.

આ કામગીરીમાં શાપર-વેરાવળના એએસઆઇ કે.એન.જાડેજા, જે.બી.રાણા, વી.બી.ચાવડા, દિલીપભાઇ કલોત્રા, બીજલભાઇ, માવજીભાઇ, વિપુલભાઇ, મેરૂભાઇ, નરેશભાઇ લીંબોલા તથા ગણેશભાઇ સહીતનો સ્ટાફ જોડાયો હતો. એસપી બલરામ મીણાએ બંને બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢનાર શાપર-વેરાવળ પોલીસની ટીમને અભિનંદન આપ્યા હતા.

(3:50 pm IST)