રાજકોટ
News of Monday, 16th December 2019

ગીર - આલેચ - બરડા વિસ્તારના માલધારીઓને થયેલ અન્યાય દૂર કરોઃ અનુસુચિત જાતિમાં સમાવો

સરકારે ઘોર અન્યાય કર્યો છેઃ કલેકટરને આવેદન પાઠવતું રાજકોટ માલધારી સમાજ : સમસ્ત માલધારી સમાજ-રાજકોટે કલેકટરને આવેદન પાઠવી સરકાર દ્વારા થયેલ અન્યાય અંગે રજુઆતો કરી હતી.

રાજકોટ તા. ૧૬: સમસ્ત માલધારી સમાજે કલેકટરને આવેદન પાઠવી ગીર આલેચ, બરડા વિસ્તારના માલધારીઓને ન્યાય આપવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ભરવાડ-રબારી-ચારણ સમાજ વર્ષોથી પોતાના માલઢોર, ઘેટા-બકરા સાથે વન વગડામાં રખડતું ભટકતું જીવન જીવે છે. ગીર-બરડા આલેચ વિસ્તારના માલધારીઓનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરાયો છે છતાં તાજેતરમાં લેવાયેલી એલઆરડીની પરીક્ષામાં રબારી-ભરવાડ-ચારણ જ્ઞાતિના દિકરા-દિકરીઓની અનુસુચિત જાતિમાં ગણતરી ન કરી તેઓની ઉંચી ટકાવારી હોવા છતાં તેમનઅી બાદબાકી કરી તેઓની મળતા લાભોમાંથી વંચિત રાખવામાં આવ્યા છે.

માલધારી સમાજના જે વિદ્યાર્થીઓ ઉમેદવારોને અન્યાય થયેલ છે. તેઓને તાત્કાલિક ન્યાય આપવાની અમો સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ. જો તાત્કાલિક આ બાબતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહિં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. માત્ર ગીર-બરડા-આલેચના જ નહિં પરંતુ રખડતું ભટકતું જીવન જીવતા સમગ્ર ગુજરાતની માલધારીઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવો જોઇએ. એવી સમસ્ત માલધારી સમાજ દ્વારા અરજ કરવામાં આવે છે. આવેદન દેવામાં સર્વશ્રી ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, રણજીત મુંધવા, કે. વી. હણરાયકા, કરણભાઇ ગમારા, મેરૂભાઇ ધાંધલ, રામભાઇ વિગેરે જોડાયા હતા.

(3:48 pm IST)