રાજકોટ
News of Monday, 16th December 2019

૫૪ હજારની નોટો સાથે રાજકોટ આજીડેમ પોલીસે ઝડપેલા ઝાંઝમેર-જેતપુરના શખ્સો અજયસિંહ અને રાજ અગાઉ પણ નોટો વટાવી ગયાની શકયતાઃ પાંચ દિ'ના રિમાન્ડ

જેતપુર-ધોરાજીમાં ૧૦૦ની નકલી નોટો છાપવા-વટાવવાનું જબરૂ કારસ્તાન : સપ્લાયર મુળ જેતપુરના હાલ ધોરાજી રહેતાં હદપાર કપિલ ઉર્ફ ટીનો બાવાજીએ કલર પ્રિન્ટરમાં માત્ર ૧૦૦ વાળી (જુની) નોટો છાપી અજયસિંહ અને રાજને રાજકોટ પહોંચાડવા, વટાવવા આપી હતીઃ ડી. સ્ટાફના હેડકોન્સ. કનકસિંહ સોલંકી અને શૈલેષભાઇ નેચડાની બાતમી પરથી દબોચાયાઃ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં કપિલને પકડવા જેતપુર-ધોરાજીમાં દરોડા : થોડા દિવસ પહેલા જેતપુર પોલીસે પણ જાલીનોટોના જથ્થા સાથે શખ્સોને પકડ્યા હતાં: એ નોટો પણ ૧૦૦ના દરની જ હતીઃ તપાસમાં એક જ ટોળકીની લિંક ખુલે તેવી શકયતા

આજીડેમ પોલીસે રૂ. ૧૦૦ના દરની ૫૪૦ જાલી નોટો સાથે જેને પકડી લીધા એ ધોરાજીના ઝાંઝમેરનો અજયસિંહ મકવાણા (રજપૂત) અને જેતપુરનો રાજ જયસ્વાલ (પટેલ-મુળ યુ.પી.) તથા કબ્જે થયેલી નોટોનો જથ્થો

રાજકોટ તા. ૧૬: અવાર-નવાર કેટલાક તત્વો અર્થતંત્રને ખોખલુ બનાવવાના ઇરાદે નકલી ચલણી નોટો જથ્થાબંધ છાપી તેની સપ્લાય મળતીયાઓ મારફત કરતાં રહે છે. અગાઉ આવા અનેક કારસ્તાન પોલીસે ઉઘાડા પાડ્યા છે. દરમિયાન આજીડેમ પોલીસે ધોરાજીના ઝાંઝમેરના રજપૂત શખ્સ અને જેતપુરના મુળ યુ.પી.ના પટેલ શખ્સને રૂ. ૫૪ હજારની ૧૦૦ના દરની ૫૪૦ (જૂની) જાલીનોટો સાથે ઝડપી લેતાં ચકચાર જાગી છે. આ બંને શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મળતાં પોલીસે જાલીનોટો સપ્લાય કરનાર મુળ જેતપુરના અને હાલ ધોરાજી મકાન રાખી રહેતાં હદપાર શખ્સ કપિલ ઉર્ફ ટીનો બાવાજીને પકડી લેવા ત્યાં દરોડા પાડ્યા હતાં. જો કે તે હાથમાં આવ્યો નથી. થોડા દિવસ પહેલા જેતપુર પોલીસે પણ જાલીનોટોના જથ્થા સાથે શખ્સોને પકડયા હતાં. એ નકલી નોટો પણ ૧૦૦ના દરની જ હતી. જેતપુર-ધોરાજી પંથકમાં માત્ર ૧૦૦ના દરની જ નકલી નોટો છાપી, વટાવવાનું જબરૂ કારસ્તાન ચાલતું હોવાની શંકાએ રાજકોટ પોલીસે ઉંડી તપાસ શરૂ કરી છે. સપ્લાયર કપિલ ઝડપાયા બાદ જાલીનોટો છાપનારા, વટાવનારાઓની આખી લિંક ઉઘાડી પડે તેવી શકયતા છે.

આજીડેમ પોલીસે ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં રજપૂત અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા (ઉ.૨૩) અને તેના મિત્ર જેતપુર ચાણકય સ્કૂલ પાછળ નમ્રતા પાર્કમાં રહેતાં મુળ યુ.પી.ના અને અહિ રહી પેકેજીંગનું કામ કરતાં રાજ રામકુપાલ જયસ્વાલ (પટેલ) (ઉ.૨૩)ને હેડકોન્સ. કનકસિંહ સોલંકી અને કોન્સ. શૈલેષભાઇ નેચડાને મળેલી બાતમી પરથી કોઠારીયા ગામ પહેલા રોકડીયા લાઇટ ડેકોરેશન પાસેથી ૫૪૦ નંગ જાલી ચલણી નોટ (૧૦૦ના દરની) સાથે દબોચી લઇ બંને સામે આઇપીસી ૪૮૯ ક, ગ, ઘ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસના રિમાન્ડ મળતાં પોલીસે વિશેષ પુછતાછ કરતાં બંનેએ એવું કહ્યું હતું કે મુળ જેતપુરના અને હાલ હદપાર હોઇ ધોરાજી રહેતાં કપિલ ઉર્ફ ટીનો બાવાજીએ બંનેને આ જાલીનોટો શનિવારે સાંજે આપી હતી અને રાજકોટ પહોંચાડી દેવાનું કહ્યું હતું. આ કામના બદલામાં બંનેને વાપરવા માટે પાંચ-સાત હજારની રકમ કપિલ આપવાનો હતો.

પોલીસે બંનેને સાથે રાખી જેતપુર અને ધોરાજીમાં દરોડા પાડ્યા હતાં. પણ કપિલ હાથમાં આવ્યો નહોતો. કપિલ બુટલેગર છે અને અગાઉ તેના વિરૂધ્ધ એક કરોડની ખંડણી માંગવાનો ગુનો પણ નોંધાયો હતો. જેમાં કપિલ સહિત ત્રણને જે તે વખતે જેતપુર પોલીસે પકડ્યો હતો. હવે તેણે જાલીનોટો અને એ પણ માત્ર ૧૦૦ના દરની અને જૂની ચલણમાં છે એવી નોટો છાપી સોૈરાષ્ટ્રભરમાં સપ્લાય કરવાનું શરૂ કર્યુ હોવાની શકયતા છે.

અજયસિંહ અને રાજે પોતાને કપિલે પહેલી જ વખત કામ સોંપ્યાનું રટણ કર્યુ છે. પણ પોલીસને દ્રઢ શંકા છે કે બંને અગાઉ પણ આવી નોટો વટાવી ગયા અથવા કોઇને સપ્લાય કરી ગયા હશે. કપિલ દારૂનો ધંધો કરતો હોઇ એ કારણે અજયસિંહ તેના સંપર્કમાં આવ્યો હતો અને તેણે અજયસિંહને તથા તેના મિત્ર રાજને જાલીનોટો રાજકોટ પહોંચાડવા આપી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ આજીડેમના પી.આઇ. એ. એસ. ચાવડા, પીએસઆઇ જી.એન. વાઘેલા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહેન્દ્રભાઇ પરમાર, શૈલેષભાઇ નેચડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કલ્પેશભાઇ ચાવડાએ બંનેને દબોચ્યા હતાં. રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ થઇ રહી છે.

નોંધનીય છે કે જેતપુર પોલીસે પણ થોડા દિવસ પહેલા ટોળકીને જાલીનોટો સાથે દબોચી હતી. એ નોટો પણ ૧૦૦ના દરની જ હતી. રાજકોટમાં ઝડપાયેલી નોટો  પણ ૧૦૦વાળી જ છે. વળી આ નોટો જેતપુર-ધોરાજીના કપિલે જ છાપીને આપ્યાનું ઝડપાયેલા બંને શખ્સો કહે છે. આ જોતાં જેતપુર-ધોરાજી પંથકમાં લાંબા સમયથી માત્ર સોના દરની જ જાલીનોટો છાપી આસપાસના ગામડાઓમાં વટાવવાનું જબ્બર કોૈભાંડ ચાલતું હોવાની દ્રઢ શંકા છે. કપિલ ઉર્ફ ટીનો બાવાજી ઝડપાયા બાદ મોટા ધડાકા થવાની શકયતા છે. ઝડપાયેલા બંને ઘણું છુપાવતા હોવાની શંકાએ વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરવામાં આવી છે.

એક સરખી સિરીઝની અલગ-અલગ સંખ્યામાં નોટો મળી

આજીડેમ પોલીસે અજયસિંહ પાસેથી ૨૫૧ નોટો પકડી હતી. જેમાં એક સરખી સિરીઝની ૧૦૦ નોટો, બીજી ૧૦૦ નોટો તથા બીજી ૫૧ નોટો કબ્જે કરી હતી. જ્યારે રાજ પાસેથી ૨૮૯ નોટો કબ્જે કરી હતી. જેમાં એક સરખી સિરીઝની  ૯૫, અન્ય એક સરખી સિરીઝની ૮૦, ૯૪ અને ૨૦ નોટો હતી.

(3:47 pm IST)