રાજકોટ
News of Monday, 16th December 2019

જ્ઞાની પુરૂષ અકર્તા ભાવમાં જ વર્તતા હોય છે : પૂ. દિપકભાઇ દેસાઇ

દાદા ભગવાન પરિવાર દ્વારા પારીજાત પાર્ટી પ્લોટમાં બીજા દિવસના સત્સંગમાં ભાવિકજનો ઉમટી પડયા

રાજકોટ તા. ૧૬ : જ્ઞાની પુરૂષ કેવા હોય તેની ઓળખાણ થવી અતિ કઠીન છે. આત્માના જ્ઞાની કેવા હોય તેની ખબર સામાન્ય વ્યકિતઓને હોતી નથી. બાવા, સાધુ, સંત, ભકિતવાળા વગેરેની પ્રાથમિક ઓળખાણ થાય છે, પરંતુ અસલ જ્ઞાનીઓને તો જ્ઞાન પારખુ ઝવેરીઓ જ જાણી શકે.

 

શ્રીમદ્ રાજચંદ્રએ જ્ઞાનની ઓળખાણ પડે તે માટે ઘણા ફોડ પાડ્યા હતાં. સાચા મુમુક્ષોઓ જ્ઞાનીની આંખો જોઈને જ તેમને ઓળખી જાય છે. સાચા જ્ઞાનીઓને ધર્મ સબંધી, આધ્યાત્મ સબંધીે પુછવાથી જ તેમની ઓળખાણ પડી જાય છે. જ્ઞાનીઓની વિતરાગતા કંઈક જુદી જ હોય છે, સાંસારિક પ્રશ્નોના ઉકેલ પણ અત્યંત સચોટ આપે તે જ જ્ઞાની કહેવાય. આધ્યાત્મિક વિષયો વિશે અને સાંસારિક ગુંચવડો બાબતે પણ તેમના જ્ઞાનથી અદ્ભુત ઉકેલ મળતા હોય છે.

તેમના સમગ્ર જીવન કાળ દરમ્યાન વણ ઉકેલ્યા સામાજીક ગૂંચવડાઓને એડજેસ્ટમેન્ટ લઈને પુરા કરતા હોય છે. સાચા જ્ઞાનીની ઓળખાણ થઈ કે કેમ તેની ખબર કેમ પડે ? તેમના સંપર્કમાં આવતા તેમના વ્યવહાર અને માન્યતાઓનો પરિચય થાય પછી જ અનુભવે ખબર પડે, તેમનો અંતર આશય ઓળખી શકાય, તેમના વાણી વર્તનથી આછેરો ખ્યાલ આવે કે જગતમાંથી તેમને કંઈ જ જોઈતુ હોતુ નથી. પૂ.દાદા ભગવાનના ધર્મપત્નિ હીરાબાને પણ ૬૫ વર્ષે જ્ઞાની તરીકેની ઓળખાણ મળી. દાદા ભગવાનની દશાનો પરિચય જ્યારે પૂ. નિરૂમાને થયો ત્યારે તેમની સાચી ઓળખ આપણા જેવા મુમુક્ષોને તેમની ઓળખ પડી. આધ્યાત્મના વિષય અંગે હજારો પ્રશ્નો પૂછાતા ગયા અને તેના સચોટ જવાબો પૂ. દાદા ભગવાન પાસેથી મુમુક્ષોઓને મળતા ગયા અને ઉઘાડ થતાં જ્ઞાન માર્ગે મુમુક્ષુઓ આગળ વધતા ગયા.પૂ. દાદા કાયમ કહેતા કે અમે ભગવાન નથી પણ જ્ઞાની પુરૂષ અવશ્ય છીએ. અજ્ઞાનતાની અસમજણો છોડાવીને લોકોને જ્ઞાનની સાચી દશાનો અનુભવ ઠરાવ્યો અને દાદાશ્રીએ આપેલી પાંચ આજ્ઞા પાડવાથી સાંસારિક વ્યવહારમાં દરેક સમસ્યાઓનું સમભાવે સમાધા કરાવી મોક્ષ માર્ગમાં આગળ પહોચી શકાય છે એવું અદ્ભુત અક્રમ વિજ્ઞાન જગતને આપી શકયા. જ્ઞાની પુરૂષ હંમેશા અકર્તા ભાવમાં જ વર્તતા હોય છે. તેઓ સંપુર્ણ નિરઇચ્છીત દશામાં હતાં. સો પ્રથમ ૧૯૪૩માં જ્યારે અક્રમ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક આપ્તવાણી નિરૂમા દ્વારા પ્રકાશિત થયું ત્યારે તેમની વાણીની વિતરાગતા, સ્યાદવાદપણું ઉજાગર થતાં જગતના જીવોનો અહો..અહો.. થયું.

આત્મ વિજ્ઞાની પૂ. દાદા ભગવાન પ્રશ્નકર્તાને તેમની કક્ષા પ્રમાણે તેમના દ્વારા પુછાયેલ દરેક પ્રશ્નોના જવાબ એવી કુનેહથી જવાબ આપતા કે પ્રશ્નકર્તાને પોતાની સમજણનો ઉઘાડ થાય અને તેમની અજ્ઞાનતાના આવરણો ખસી જાય એવા સમર્થ જ્ઞાની હતા. દરેક જીવનું છેલ્લું અવલંબન જ્ઞાનીની વાણી જ છે તેના અવલંબનથી જ મોક્ષ સંભવે છે. જ્યારે દરેક જીવને પોતાના દોષ દેખાવા શરૂ થાય તે જ ઘડીથી જ્ઞાનનો પ્રકાશ થયો કહેવાય, 'સ્વ'ની જાગૃતિ આવી કહેવાય. જ્ઞાનવિધિ પછી પોતાના સ્થૂળ દોષો સુક્ષ્મ દોષો દેખાવાના શરૂ થાય છે.

જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનીના સંપર્કમાં રહેતા રહેતા સુક્ષ્મત્તર અને સુક્ષ્મતમ દોષો પણ દેવાના શરૂ થાય છે.

રાજકોટમાં દાદા ભગવાન પરિવાર દ્વારા યોજાયેલ સત્સંગ જ્ઞાનિવિધિનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

(3:46 pm IST)