રાજકોટ
News of Monday, 16th December 2019

સદર બજારના ધવલ વાઘેલા સાથે ઓનલાઇન સ્માર્ટ વોચની ખરીદીમાં ઠગાઇઃ પોલીસ ફરિયાદ

ઇન્ફ્રીલ કંપનીએ ડુપ્લીકેટ વોચ મોકલીઃ ૨૬/૧૧ના નકલી વોચ પરત કરવા રિટર્ન રિકવેસ્ટ જનરેટ કરી પરંતુ આજ સુધી કોઇ પ્રતિક્રિયા ન મળીઃ બ્લુ ડાર્ટ કુરિયર મારફત જીએસટી બીલ વગર માલની ડિલીવરીનો પણ આક્ષેપ : ધવલે તપાસ કરતાં પોતાની જેમ અનેક લોકો સાથે છેતરપીંડી થયાની ખબર પડીઃ પોલીસ કમિશનર તાકીદે તપાસ કરાવે તેવી માંગણી

રાજકોટ તા. ૧૬: ઓનલાઇન શોપીંગના યુગમાં જાણીતી અને ઇમાનદારીથી કામ કરતી કંપનીઓ ઉપરાંત અમુક એવી કંપનીઓ પણ ફુટી નીકળી છે જે ગ્રાહકોને છેતરવાના ધંધા કરતી હોય છે. દરમિયાન સદર બજારમાં ઓફિસ ધરાવતાં યુવાન સાથે આવી જ એક ઓનલાઇન કંપનીએ સ્માર્ટ વોચની ખરીદીમાં ડુપ્લીકેટ વોચ મોકલી ઠગાઇ કરતાં તેણે પોલીસ ફરિયાદ કરી છે. આ ઉપરાંત આ કંપનીનું કુરિયરનું કામ કરનાર કંપનીએ જીએસટી બીલ વગર માલ પહોંચાડવાનું કામ કર્યુ હોઇ તેના વિરૂધ્ધ પણ લેખિત ફરિયાદ થઇ છે.

આ બારામાં સદર બજાર રમેશભાઇ છાંયા સ્કૂલ પાસે સંગાથ કોમ્પલેક્ષમાં બેસતા ધવલ મનસુખભાઇ વાઘેલાએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી ઓનલાઇન કંપની www.INFRILL.COM બીલ વગર ઓરિજનલ પ્રોડકટને બદલે ડુપ્લીકેટ પ્રોડકટ પધરાવી દઇ લોકો સાથે છેતરપીંડી કરતી હોવાની અને તેમાં બ્લુ ડાર્ટ કુરિયર કંપની જીએસટી બીલ વગર માલની ડિલીવરી કરી આ સાઇટની મદદ કરતી હોવાનો આક્ષેપ કરી તપાસ કરાવવા માંગણી કરી છે.

લેખિત ફરિયાદમાં ધવલ વાઘેલાએ આગળ જણાવ્યું છે કે હું ઉપરોકત સરનામે ઓફિસ ધરાવું છું. મારા ધર્મપત્નિએ તા. ૨૬/૧૧/૧૯ના રોજ ઇન્ફ્રીલ.કોમ વેબસાઇટ પરથી સ્માર્ટ વોચનો ઓર્ડર કર્યો હતો. તેનો ઓર્ડર નં. આઇડી ૧૯૩૮૨૫ હતો. ઓનલાઇન પેમેન્ટ એ જ તારીખે કર્યુ હતું. આ ઓર્ડર બાદ ડિલીવરી તા. ૩/૧૨/૧૯ના રોજ મળી હતી.

પરંતુ જે સ્માર્ટ વોચનો ઓર્ડર કર્યો હતો તેની જગ્યાએ ડુપ્લીકેટ હલકી કવોલીટીની વોચ આવી હતી. આથી અમોએ એ જ દિવસે ઓનલાઇન સાઇટમાં રિટર્ન રિકવેસ્ટ જનરેટ કરાવી હતી અને કંપનીના ઇ-મેઇલ આઇડી પર પણ મેલ કર્યો હતો. પરંતુ કંપની તરફથી અમને આ મામલે આજ સુધી કોઇ જવાબ મળ્યો નથી. વોચ બદલી આપવા માટે કોઇ પ્રતિક્રિયા કંપની તરફથી મળી નથી. બીલ પણ અમને મળ્યું ન હોઇ જે કારણે અમે ગ્રાહક સુરક્ષામાં પણ જઇ શકયા નથી.

ધવલ વાઘેલાએ આગળ જણાવ્યું છે કે અમે ઓનલાઇન તપાસ કરતાં જાણવા મળ્યું છે કે મારી જેમ અનેક લોકો સાથે આ રીતે છેતરપીંડી થઇ છે. લોકો પોતાની મહેનતના રૂપિયા આ રીતે છેતરપીંડી થતાં ગુમાવી રહ્યા છે. અમે એ પછી બીજો ઓર્ડર આ જ વેબસાઇટ પર ૧૧/૧૨/૧૯ના ઓર્ડર નં. ૧૮૫૦૨૬થી કર્યો હતો. જે ઓર્ડર સીઓડી (કેશ ઓન ડિલીવરી) મોડમાં કર્યો હતો.

આ પછી બ્લુકાર્ટ કુરિયર કંપની મારફત ૧૩/૧૨/૧૯ના રોજ સાંજે સાત વાગ્યે અમારો ઓર્ડર લઇને ડિલીવરીમેન આવ્યા હતાં. તેની પાસે અમોએ જીએસટી સાથેનું બીલ માંગતાં તેણે કહેલું કે બીલ અંદર હશે.  પરંતુ પહેલા પણ અનુભવ થયો હોઇ અમને ખબર હતી કે દિલ અંદર નહિ હોય. આથી અમે તેને પાર્સલ ખોલીને બીલ બતાવવાનું કહેતાં તેણે ના પાડી દીધી હતી અને પોતે પાર્સલ પાછુ લઇ જશે તેવી આજીજી કરી હતી.

એક જાગૃત નાગરિક તરીકે મારે જીએસટીની ચોરી રોકવી જોઇએ જેથી આવું કરનારને શિક્ષા મળે અને લોકોને લૂંટતી છેતરતી ઓનલાઇન વેબસાઇટનું કારસ્તાન ઉઘાડુ પડે એ માટે મેં પોલીસ ફરિયાદ કરી છે. હું કોઇ વસ્તુ ખરીદ કરું તો તેનું જીએસટી બીલ માંગવાનો અધિકાર ધરાવું છું તેવું માનવા બ્લુ ડાર્ટ કંપનીના અધિકારી ચેતન ચાવડા માનવા જ તૈ્યાર નહોતાં. અમે પ્ર.નગર પોલીસ મથકે જઇ એએસઆઇ કનુભાઇને મળી રજૂઆત સંભળાવતાં તેમણે સાઇબર ક્રાઇમનો ગુનો બનતો હોઇ પોલીસ કમિશનર કચેરીમાં બેસતા સાયબર સેલમાં અરજી આપવાનું કહેતાં અમે ત્યાં અરજી આપી છે. અમે મંગાવેલું પાર્સલ ખોલ્યા વગર અમારી પાસે અકબંધ રાખ્યું છે.

પોલીસ અમારી અરજ-ફરિયાદ પરથી આ રીતે ઓનલાઇન છેતરપીંડી થતી અટકાવે અને આવું કરનારા સામે અને તેને મદદ કરનારા સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. તેમ અંતમાં ધવલ વાઘેલાએ જણાવ્યું છે.

(3:41 pm IST)