રાજકોટ
News of Monday, 16th December 2019

દેવભૂમિ દ્વારકાના ૨૩ વર્ષના યુવાનનું રાજકોટમાં પિતાની નજર સામે જ 'હિટ એન્ડ રન'માં મોત

હીરાભાઇ જડીયા (ઉ.૫૦) ના નાના દિકરાને તાવ આવતો હોઇ દાખલ કરાયો હતોઃ તેના માટે મોટા પુત્ર હિતેષ (ઉ.૨૩) સાથે ફ્રુટ લેવા નીકળ્યા ત્યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ૧૫૦ રીંગ રોડ ઇમ્પિરિયલ હાઇટ્સ સામે બનાવ

રાજકોટ તા. ૧૬: દેવભુમિ દ્વારકાના પોચીત્રા ગામે રહેતાં ૨૩ વર્ષના યુવાનનું રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર પિતાની નજર સામે જ હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે. તાવની સારવાર માટે દાખલ નાના ભાઇ માટે ફ્રુટ લેવા જવા આ યુવાન પિતા સાથે નીકળ્યો ત્યારે કારની ઠોકરે ચડતાં પ્રાણ નીકળી ગયા હતાં.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે દેવભૂમિ દ્વારકાના પોચીત્રા ગામના વતની હીરાભાઇ ઘોઘાભાઇ જડીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી કાર નં. જીજે૦૩એફડી-૫૦૭૬ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હીરાભાઇના નાના દિકરાને ડેંગ્યુની અસર હોઇ તાવ આવતો હોઇ તેને સારવાર માટે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પરની ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યો હતો.

રવિવારે સાંજે હીરાભાઇ જડીયા દાખલ કરાયેલા દિકરા માટે ફ્રુટ લેવા જવા હોસ્પિટલેથી નીકળ્યા હતાં. સાથે મોટો પુત્ર હિતેષ જડીયા (ઉ.૨૩) પણ હતો. પિતા-પુત્ર રોડ ઇમ્પિરિયલ હાઇટ્સ બિલ્ડીંગ સામે આઇએફબી પોઇન્ટ નામની દૂકાન પાસે પહોંચ્યા ત્યારે હીરાભાઇની નજર સામે જ તેના દિકરા હિતેષને કાર ચાલકે ઉલાળી દેતાં માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી. માલવીયાનગરના હેડકોન્સ. એસ. ડી. પરમાર અને ઘનશ્યામસિંહે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર કારચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. મૃત્યુ પામનાર હિતેષ બે ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે.

(11:51 am IST)