પગ લપસતાં એસિડનો કેરબો ઢોળાયોઃ સંદિપ પ્રજાપતિ અને તેના કાકા બિપીનભાઇ દાઝયા
ભગવતીપરામાં બનાવઃ બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી
રાજકોટ તા. ૧૬: ભગવતીપરામાં પોલીસ ચોકી સામેના ભાગે રહેતાં પ્રજાપતિ સંદિપ અનિલભાઇ ટાંક (ઉ.વ.૨૭) અને તેના કાકા બિપીનભાઇ રામજીભાઇ ટાંક (ઉ.વ.૫૦) એસિડથી દાઝી જતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
સંદિપ અને તેના કાકા ઘરમાં જ ઇમિટેશનનું કામ કરે છે. આ કામ માટે ઘરમાં એસિડ રાખવામાં આવે છે. સંદિપ રૂમમાં ચાલીને જતો હતો ત્યારે પગ લપસતાં તે એસિડ ભરેલા કેરબા પર પડતાં કેરબો ઢોળાતાં તે વાંસાના ભાગે એસિડ ઉડતાં દાઝી ગયો હતો. એ વખતે તેના કાકા બિપીનભાઇ મોબાઇલ ફોન લેવા ઉભા થયા હોઇ તે પણ લપસી જતાં તેને પણ છાંટા ઉડતાં તે પણ દાઝી ગયા હતાં. સારવાર બાદ બંનેને રજા અપાઇ હતી. બી-ડિવીઝન પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.