રાજકોટ
News of Monday, 16th December 2019

કુતરૂ આડે આવતાં કાર ડિવાઇડરમાં અથડાઇઃ કેટરર્સનું કામ કરતી છ મહિલા સહિત ૭ ને ઇજા

સામા કાંઠે પાણીના ઘોડા પાસે મોડી રાતે અકસ્માતઃ કાર ચાલક નિકુંજ મારૂ પણ ઘવાયોઃ પ્રસંગ પુરો કરી ઘરે આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૬: સામા કાંઠે પાણીના ઘોડા પાસે મોડી રાતે કાર રોડ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી જતાં કેટરર્સ કર્મચારી છ મહિલાઓ અને કાર ચાલક યુવાનને ઇજા થઇ હતી.ઇજાગ્રસ્તોમાં ગાયત્રીનગરના નયનાબેન કોૈશિકભાઇ મોરબીયા (ઉ.વ.૪૫), ગોપાલનગર-૫ના પુષ્પાબેન ભરતભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.૪૫), વાલકેશ્વર-૪ના લાભુબેન શાંતિભાઇ થોરીયા (ઉ.વ.૭૦), હસનવાડીના કલ્પનાબેન જયંતિભાઇ ટાંક (ઉ.વ.૪૨), આશાપુરનગરના જયશ્રીબેન રાજેશભાઇ (ઉ.વ.૪૫), જ્યોત્સનાબેન કિશોરભાઇ માલકીયા (ઉ.વ.૪૨) તથા કાર ચાલક નિકુંજ ભૂપેશભાઇ મારૂ (ઉ.વ.૨૧)નો સમાવેશ થાય છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

જાણવા મળ્યા મુજબ નિકુંજ મારૂના પિતા કેટરર્સનું કામ કરે છે. રવિવારે સાંજે ગ્રીનલેન્ડ ચોકડીએ પ્રસંગમાં ઓર્ડર હોઇ તે કામ પુરૂ કરી નિકુંજ કેટરર્સ કર્મચારી મહિલાઓને કારમાં બેસાડી ત્યાંથી બધાને ઘરે મુકવા જવા નીકળ્યો હતો એ વખતે પાણીના ઘોડા પાસે કુતરૂ આડે આવતાં તેને બચાવવા જતાં કારને અકસ્માત નડ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને રાતે જ રજા અપાઇ હતી.

(1:04 pm IST)