રાજકોટ
News of Friday, 16th November 2018

મગફળી ખરીદીઃ સરકાર ઉતારાની અંદર ફેરફાર કરેઃ ખેડુતોનો માલ પાછો જાય છેઃ કિસાન સંઘ

કલેકટરને આવેદનઃ યોગ્ય નહિ થાય તો ર૦ મીથી હડતાલ-આશ્ચર્યજનક કાર્યક્રમો

ભારતીય કિસાન સંઘે મગફળી ખરીદીમાં ઉતારા અને અન્ય પ્રશ્ને કલેકટર તંત્રને આવેદનપત્ર આપ્યું તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૬: ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લાના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી ઉમેર્યુ હતું કે ચાલુ વર્ષે સરકારશ્રી તરફથી ટેકાના ભાવની માર્કેટીંગ યાર્ડમાં ખરીદી ચાલુ થયેલ છે તે ટેકાના ભાવની ખરીદીમાં અમે સરકારને વારંવાર રજુઆત કરવા છતાં સરકારે ઉતારાની અંદર કોઇ પણ જાતનો ફેરફાર કરેલ ન હોવાથી ઘણા બધા ખેડુતોનો માલ પાછો જાય છે તેથી ખેડુતોને વાહન ભાડાની નુકશાની તેમજ તેનો સમય અને મજુરીનો ખર્ચો થાય છે. સરકારના જુના માન્ય ઉતારાની અંદર જો ઘટાડો કરવામાં ન આવે તો ઘણા બધા ખેડુતો આ રીતે હેરાન થશે.મુખ્યમંત્રીશ્રીએ મીડીયામાં બે વખત મગફળીની ગુણીની ભરતી ઘટાડવાની જાહેરાત કરેલી હતી પણ અધિકારીઓને લેખીત કોઇ પણ પ્રકારની માહીતી આપેલી ન હોવાના કારણે ભરતીના પ્રશ્ને મગફળી માટે હજારો ખેડુતો અને અધિકારીઓ વચ્ચે બીન જરૂરી સંઘર્ષો થયેલા છે સરકારે આવી બાબતને ગંભીરતાથી ન લીધી તે એની મોટામાં મોટી ભુલ છે.

મગફળીનો ઉતારો તેમજ અન્ય મુદાઓનું ખેડુતોને સંતોષકારક પરીણામ નહિ મળે તો ભારતીય કિસાન સંઘ દરેક ખેડુત તેમજ સંગઠનોને સાથે લઇ હડતાલ તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમો આંદોલનના સ્વરૂપમાં તા.ર૦-૧૧-ર૦૧૮ થી શરૂ કરશે. આની સરકારે નોંધ લેવી આવેદનપત્ર દિલીપભાઇ સખીયાની આગેવાની હેઠળ પાઠવાયું હતું.

(3:55 pm IST)