રાજકોટ
News of Friday, 16th November 2018

હનુમાન મઢી નજીકથી એમઆર સાગર જળુને એસઓજીએ કારમાં ગાંજા સાથે દબોચી લીધો

મુંજકાના આહિર શખ્સને એસઓજીના આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ અને નરેન્દ્ર ગઢવીની બાતમી પરથી પકડી લેવાયોઃ નશીલો પદાર્થ કયાંથી લાવતો? કોને-કોને આપતો? તે સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની તજવીજ

એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એસ. એન. ગડ્ડુ અને ટીમ તથા પકડાયેલો શખ્સ, જપ્ત થયેલી કાર અને ગાંજો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૬: અગાઉ શહેર એસઓજીએ લાખોનો ગાંજો ઝડપી લઇ આ નશીલા પદાર્થના મુખ્ય સપ્લાયરોને પણ ઝડપી લીધા હતાં. દરમિયાન આજે ફરીથી એસઓજીએ રૈયા રોડ હનુમાન મઢી ચોકથી કનૈયા ચોક વચ્ચેના રસ્તા પરથી કારમાં ૩.૭૩૧૬ કિ.ગ્રા. ગાંજો રાખીને નીકળેલા એમ.આર. (મેડિકલ રિપ્રેઝન્ટેટીવ) આહિર શખ્સને પકડી લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે હરિવંદના કોલેજ રોડ પર મુંજકા ગામમાં રહેતો અને એમ.આર. તરીકે નોકરી કરતો સાગર વજુભાઇ જળુ (આહિર) (ઉ.૨૮) ગાંજાની હેરફેર કરતો હોવાની અને તે ફોકસવેગન જેટા કાર જીજે૧કેઇ-૯૭૮૭માં ગાંજો રાખી રૈયા રોડ પરથી નીકળવાનો હોવાની ચોક્કસ બાતમી એસઓજીના હેડકોન્સ. આર. કે. જાડેજા, કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીને મળતાં વોચ રાખીને આ શખ્સને બાતમી મુજબની કાર સાથે અટકાવી તલાશી  લેતાં કારમાંથી રૂ. ૨૨૭૭૬નો ૩.૭૧૧૬ કિલોગ્રામ ગાંજો મળી આવતાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાર, મોબાઇલ ફોન, ગાંજો મળી કુલ રૂ. ૫,૨૭,૩૮૬નો મુદ્દામાલ કબ્જે કરી સાગર જળુની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુની સુચના અને રાહબરી હેઠળ પીેએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, નરેન્દ્રભાઇ ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

ઝડપાયેલો સાગર અગાઉ સ્ક્રાઇટ કોલેજમાં ભણતો હતો. હાલમાં એમ.આર. તરીકે નોકરી કરે છે. તે આ ગાંજો છુટક છુટક વેંચવા માટે લાવ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ગાંજો કોની પાસેથી લાવતો? કોને કોને આપતો? તે સહિતના મુદ્દ વિશેષ તપાસ કરવાની રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:53 pm IST)