રાજકોટ
News of Friday, 16th November 2018

સરપ્રાઇઝ ચેકીંગ...

રેસકોર્ષ સંકુલની મુલાકાત લેતા પદાધિકારીઓ

એથ્લેટિક ટ્રેકમાં રોડ બનાવવા, જીમમાં વધુ સાધનો મુકવા સહિતની સુવિધાઓ આપવા સભ્યો દ્વારા રજૂઆતઃ આ અંગે યોગ્ય કરવા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાની ખાત્રી

રાજકોટ તા.૧૬: રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડિયા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત એવા રેસકોર્ષ સ્વીમીંગ પુલ, જીમ, એથ્લેટિક ટ્રેક તેમજ ઇન્ડોર સ્ટેડીયમની મુલાકાત લઇ ''સરપ્રાઇઝ ચેકિંગ'' કરવામાં આવ્યું છે.

આ મુલાકાતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડિયા સાથે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી તેમજ (ઓ.એસ.ડી.) ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી -રેસકોર્ષ સંકુલના ડી.એન.ડોડીયા, ગ્રાઉન્ડ કો-ઓર્ડીનેટર મનોજભાઇ દવે, ઉપરાંત નીમીષભાઇ ભારદ્વાજ, બંકિમભાઇ જોષી વગેરે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષ સંકુલ ખાતે ચાલતી અલગ અલગ રમત-ગમત ફિટનેસ-હેલ્થની એકિટવિટીઝને વધુ સારી અને ઇફેકટીવ બનાવવાના ધ્યેય સાથે સમાજ કલ્યાણ ચેરમેન આશિષભાઇ વાગડિયા દ્વારા રેસકોર્ષ સ્વિમીંગ પુલ, રેસકોર્ષ જીમ, એથ્લેટિક ટ્રેક, રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડીયમ વગેરે સ્થળોની મુલાકાત લઇ ''સરપ્રાઇઝ વિઝીટ'' કરેલી જેમાં અલગ અલગ વયજુથના લોકો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી એમના પ્રશ્નો જાણી તત્કાલમાં તેમના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરાય તેવા સુચનો આપવામાં આવ્યા હતા.

વધુ વિગતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડિયાએ જણાવેલ હતુંકે, તેઓ ત્યાં વિઝીટ ઉપર જઇ હાજર રહેલ દરેક વયજુથના લોકો જેમ કે બાળકો, યુથ સિનિયર સિટીઝન્સ, સંકુલના મેમ્બરો વગેરેની સાથે પ્રયત્ક્ષ વાતચીત કરી તેમના પ્રશ્નો ધ્યાનથી સાંભળ્યા અને તેઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરી પડાયેલી આ બધી વ્યવસ્થાથી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા પ્રયત્નો કર્યા હતા. જેમાં જે-તે સ્થળની કોઇ સમસ્યા પણ જો હોઇ તો તે જણાવવા નિર્દેશ કર્યો હતો. જેમાં અમુક રજુઆતો ત્યાંના મેમ્બરો દ્વારા કરવામાં આવી જેમ કે એથ્લેટિક ટ્રેક ખાતે રેગ્યુલર વોકિંગ અને રનીંગ કરતા લોકો વચ્ચે ડિફરન્સીએટ કરવા પ્લાસ્ટિક કોણ મુકાવવા, ગોળા ફેંક રમત માટે કેજ બનાવવું જેથી લોકો કોઇ ભય વિના ગોળો ફેંકી શકે અને સલામતીથી અન્ય રમતો પણ રમી શકે તેમજ વોકિંગ અને રનીંગ કરતા લોકો માટે વોકિંગ-રનીંગ દરમ્યાન વચ્ચે બેસવા માટે શેડ બનાવવા જેથી વરસાદ કે અન્ય કોઇ કારણોસર ત્યાં બેસનારને રક્ષણ મળી રહે. ઉપરાંત રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે અલગ અલગ રમતો રમવાની સુવિધાઓ પણ છે જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ વગેરે.... તેમજ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે પણ એક જીમ આવેલું છે, તો ઇન્ડોર સ્ટેડીયમમાં હજુ વધુ સાધનો મુકવાની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી જેથી હજી વધુ લોકો રાજકોટ મહાનગરપાલિકાની આ સેવાનો લાભ લઇ શકે.

તો આ રીતે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડિયા તેમજ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ''સરપ્રાઇઝ ચેકિંગ''માં આશિષભાઇ વાગડિયા દ્વારા ત્યાં હાજર રહેલા લોકો તેમજ રેગ્યુલર મેમ્બરની રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા. ત્યારબાદ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેને જે-તે પ્રશ્નના નિરાકરણ માટે સંબંધિત ખાતાકીય અધિકારીઓને જાણ કરી સુચના આપી અને વહેલામાં વહેલી તકે બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા અધિકારીઓને કાર્યવાહી હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું એવું આશિષભાઇ વાગડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

(3:52 pm IST)