રાજકોટ
News of Friday, 16th November 2018

સમાજની આન, બાન અને શાન એટલે સંપન્ન થયેલ લોહાણા મહાજનની ચૂંટણી : હસુભાઇ

વિવિધ ક્ષેત્રોના નામાંકીત લોકોના સમાવેશથી જ્ઞાતિ ઉત્કર્ષના ઘણાં બધાં કાર્યો માટેના દ્વાર ખુલી ગયા* બંધારણના અક્ષરસઃ પાલન મુજબ થયેલ ચૂંટણીને ઉમળકાભેર વધાવતા હસુભાઇ બલદેવ

રાજકોટ તા.૧૬: સમગ્ર વિશ્વમાં જ્ઞાતિની સૌથી વધુ વસ્તી ધરાવતો રાજકોટનો લોહાણા સમાજ તેઓના હકારાત્મક કાર્યોથી સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક સહિતના વિવિધ ક્ષેત્રે આભની ઉંચાઇને આંબી રહ્યો છે ત્યારે રાજકોટ લોહાણા મહાજન સમિતિની સર્વાનુમતે- સફળતાપૂર્વક સંપન્ન થયેલ ચૂંટણીએ સાચા અર્થમાં સમાજની આન, બાન અને શાનમાં વધારો કર્યો હોવાનું રાજકોટ  સ્ટોક એકસચેન્જ (શેરબજાર)ના તથા રઘુવંશી અગ્રણી હસમુખભાઇ બલદેવ (હસુભાઇ) તથા તેના સમર્થકોએ આજરોજ જણાવ્યું હતું. બંધારણ મુજબ સંપૂર્ણ લોકશાહી ઢબે સંપન્ન થયેલ ચૂંટણીને તમામ મહાનુભાવોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

વધુમાં હસુભાઇ બલદેવે જણાવ્યું હતું કે મહાજન સમિતિમાં મેડીકલ, શિક્ષણ, સામાજિક સેવા, પ્રોફેશ્નલ, એન્જીનીયરીંગ જેવા વિવિધ ક્ષેત્રોના નામાંકીત લોકોના સમાવેશથી જ્ઞાતિ હિત તથા જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ કાર્યો માટેના ઘણા બધાં દ્વાર ખુલી ગયા છે. સાથે સાથે જ્ઞાતિ એકતા, ત્યાગની ભાવના, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના વિગેરેના પણ અદ્ભૂત દર્શન થયા હોવાનું જણાવ્યું હતું.

જ્ઞાતિ અગ્રણીઓ તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓની વિનંતી માન્ય રાખીને સૌરાષ્ટ્રના લોકપ્રિય સાંધ્ય દૈનિક 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીમાં મધ્યસ્થી કરી, જેના કારણે સમગ્ર  વિશ્વમાં રાજકોટ લોહાણા મહાજનની શ્રેષ્ઠતાની નોંધ લેવામાં આવી તે બાબત પણ અકલ્પનીય હોવાનું હસુભાઇ બલદેવે જણાવ્યું હતું.

બાહોશતાપૂર્વક ચુંટણી કાર્યવાહીને નિષ્પક્ષ તથા પારદર્શક રીતે પાર પાડનાર આર.સી.સી. બેન્ક રાજકોટના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમભાઇ પીપરીયાએ પણ સોનામાં સુગંધ ભેળવી હોવાનું અંતમાં જણાવ્યું હતું.

(3:13 pm IST)