રાજકોટ
News of Friday, 16th November 2018

અંતે ખાડા-ખબડા માંથી મુકિત

રેલનગર આવાસ યોજના વિસ્તારના રસ્તાઓ ટનાટન બનશે

રૂ.૬.૨૭ કરોડના ખર્ચે ટી.પી. રોડ ડામરથી મઢાશેઃ સ્ટેન્ડીંગમાં લીલીઝંડીઃ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના પ્રયાસોથી નવા વર્ષમાં આવાસ યોજનાનો પ્રાણ પ્રશ્ન ઉકેલાયો

રાજકોટ તા.૧૬: રેલનગર વિસ્તારમાં આવેલ જુદી જુદી ૧૧ ટાઉનશીપ(આવાસ યોજના) માં છેલ્લાં ૩ વર્ષથી લોકોને મ.ન.પા. દ્વારા આવાસો સોંપી દેવામાં આવ્યા હતાં. પરંતુ આ ૫૫૦૦ આવાસો માટે જે ઇન્ફ્રાસ્ટ્રકચર (રોડ-રસ્તા-લાઇટ)ની સુવિધા હોવી જોઇએ તે સુવિધાઓનો સદંતર અભાવ હતો. એ બાબતે આ વિસ્તારનાં જાગૃત કોર્પો.ગાયત્રીબા વાઘેલા દ્વારા મ.ન.પા.ના કમિશ્નરથી લઇ રાજયનાં મુખ્યમંત્રી સુધી સતત રજૂઆતો કરવામાં આવતા આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ વિસ્તારમાં રૂ. ૬.૨૭ કરોડના ખર્ચે ડામર કામ કરવા મંજુર કરવામાં આવતા ગાયત્રીબાના પ્રયત્નો સફળ થયા છે.આ અંગે વોર્ડ નં.૩ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચોમાસાના સમય દરમિયાન આવાસ યોજનામાં વસતા લોકો માટે રસ્તા ઉપર નિકળવું ઘણું મુશ્કેલ બની જતું હતું ત્યારે આ વિસ્તારની ખેતરાવ જમીનનાં કારણે રોડ રસ્તાનો પ્રશ્ન ઘણો વિકટ બન્યો હતો. ત્યારે બે વર્ષ દરમ્યાન આ વિસ્તારની આવાસ યોજનાને જોડતા ટી.પી.નાં મુખ્ય રોડો ઉપર પ્રથમ મેટલીંગ કામ કરાવ્યા બાદ નવા વર્ષની શરૂઆતમાં આ તમામ મેટલીંગ થયેલા રોડો ઉપર રૂ. ૬.૨૭ કરોડના ખર્ચે પેવર કામ કરવામાં આવશે જેનાં કારણે મહારાણા પ્રતાપ ટાઉનશીપ, વીર સાવરકર, લોકમાન્ય તીલક, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી, શ્યામજી કૃષ્ણ વર્મા, છત્રપતિ શિવાજી, મહર્ષિ અરવિંદ અને અમૃત રેસીડેન્સી ર અને ૩ને જોડતાં મુખ્ય રોડ ડામરથી મઢાશે. આમ જાગૃત કોર્પોરેટર દ્વારા નવા વર્ષમાં લોકોને વિકાસની ભેટ આપવામાં આવી હોવાનું તેઓની યાદીમાં જણાવાયું છે.

(3:10 pm IST)