રાજકોટ
News of Friday, 16th November 2018

ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કરતાં કલ્યાણ પાર્કનો પ્રતિક વાગડીયા ઝડપાયો

એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝ રાઠોડની બાતમી પરથી દરોડોઃ એમસીએકસ હેઠળ ગુનો નોંધ્યોઃ કોમ્પ્યુટર, સોદા લખેલા કાગળો કબ્જે

રાજકોટ તા. ૧૬: રેસકોર્ષ રીંગ રોડ પર બિગબાઇટવાળી શેરીમાં કલ્યાણ પાર્ક-૧માં 'વર્ધમાન' ખાતે રહેતો પ્રતિક ગુલાબભાઇ વાગડીયા (ઉ.૩૨) ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગ કરતો હોવાની બાતમી પરથી એસઓજીએ દરોડો પાડી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કોમ્પ્યુટર, સીપીયુ, ત્રણ મોબાઇલ ફોન, સોદા લખેલા ૯ કાગળો કબ્જે લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ અંગે ફરોવર્ડ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ ૧૯૫૨ની કલમ ૨૦ (સી), ૨૧ (સી) (એફ) મુજબ એમસીએકસ એકસચેન્જની માન્યતા વગર ડબ્બા ટ્રેડિંગ કરવા સબબ ગુનો નોંધ્યો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પેટ્રોલીંગમાં રહેલા વિજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝભાઇ રાઠોડને મળેલી બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલો પ્રતિક ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટરમાં નેટ કનેકટ કરી કોમોડીટી માર્કેટના ઓનલાઇન આવતાં સોના ચાંદી કોપરની ધાતુના ભાવ તફવાત જોઇ ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન પર સોદાઓ લઇ તેની નોંધ કરી આર્થિક લાભ મેળવી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કરતો હતો. આ દરોડો પાડતાં પહેલા નિયમ મુજબ કોર્ટમાંથી વોરન્ટ મેળવી પંચોની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:01 pm IST)