રાજકોટ
News of Wednesday, 16th October 2019

માસુમ બાળકી પડવાની બીકે બથ ભરીને બેસતાં બાબુની દાનત બગડી'તીઃ તબિબી રિપોર્ટ પોઝિટીવ

ઢગાને ઘટના સ્થળે લઇ જઇ ખોખરો કરાતાં લોકોએ ફિટકાર વરસાવ્યોઃ સાંજે રિમાન્ડ પુરા થયે કોર્ટ હવાલે કરવા તજવીજ

રાજકોટ તા. ૧૯ : આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મનો પ્રયાસ કરનાર હવસખોર બાબુ દેવાભાઇ બાંભવા (ઉ.૩૦-રહે. રૈયાધાર તથા રખડતો ભટકતો)ને ગઇકાલ પોલીસે મામલતદાર સમક્ષ રજૂ કરી ભોગ બનનાર બાળાની હાજરીમાં તથા તેના દાદીમાની હાજરીમાં ઓળખ પરેડ કરાવતાં બંનેએ આ હવસખોર બાબુને ઓળખી બતાવ્યો હતો. એ પછી ઘટના સ્થળે પંચનામુ, વિશેષ તપાસ માટે બાબુને લઇને પોલીસ પહોંચતા લોકોના ટોળા ઉમટ્યા હતાં અને હવસખોર પર ફિટકાર વરસાવ્યો હતો. બાબુએ પોલીસ સમક્ષ એવું રટણ કર્યુ હતું કે પોતે બનાવની રાતે નશો કરેલી હાલતમાં હતો. બાળકીના દાદીએ મદદ માંગતા બાઇકમાં પહેલા જ બાળકીને બેસાડી હતી. તેણીએ પડી જવાની બીકે બથ ભરી લેતાં પોતાની દાનત બગડી ગઇ હતી અને માજીને બેસાડ્યા વગર બાળકીને લઇ ભાગી નીકળ્યો હતો!

બાળા પર દૂષ્કર્મનો પ્રયાસ થયો હોઇ તબિબી પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ પોલીસને મળી ગયો છે અને તે પોઝિટીવ આવ્યો છે. આજે બાબુ બાંભવાના એક દિવસના રિમાન્ડ પુરા થયે સાંજે તેને કોર્ટ હવાલે કરવામાં આવશે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરાની રાહબરીમાં પી.આઇ. મેડમ એસ.આર. પટેલ, સુધાબેન, હાજીભાઇ, ગઢવીભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(4:09 pm IST)