રાજકોટ
News of Wednesday, 16th October 2019

રવિવારે મહિલાઓ પરિવારજનો સાથે દોડશે

પોન્ડ્સસ્કીન ફીટ દ્વારા ત્રણ કિ.મી.ની 'પીન્કથોન' દોડનું આયોજન : સ્ત્રીસશકિતકરણના ઝુંબેશ સાથે ૨૦૦થી વધુ મહિલાઓ પોતાના પરિવારો સાથે આ દોડમાં ભાગ લેશે : દેશના અનેક શહેરોમાં યોજાશે આ ઈવેન્ટ : નેહાબેન શાહ

રાજકોટ, તા. ૧૬ : આગામી ૨૦મી ઓકટોબરના રવિવારે ભારતના ૭૫થી વધુ શહેરોમાં અને અન્ય ૧૦ દેશોમાં ૨૫ હજારથી વધુ મહિલાઓ અને તેમના પરીવારો સાથે સવારે ૬:૩૦ વાગ્યે ૩ કિ.મી.ની 'પીન્કથોન' નામની દોડમાં ભાગ લેશે. પોન્ડ્સ સ્કીન ફીટ દ્વારા પ્રાયોજીત આ દોડ વર્ષમાં ફકત એકવાર થતી કોઈ એક ઈવેન્ટ નથી પણ સ્ત્રી સશકિતકરણ માટેની એક વૈશ્વિક ચળવળ હોવાનું મહિલા અગ્રણીઓએ યાદીમાં જણાવાયુ છે.

'પિન્કથોન'ની ચળવળની સ્થાપના મોડલ મિલિંદ સોમને કરી છે. આ વિચાર છેલ્લા સાતેક વર્ષથી અમલમાં છે અને પીન્કથોનના એમ્બેસેડર્સ દેશભરમાં મહિલાઓના હિતો માટે કાર્યરત છે. ગયા વર્ષે પ્રથમવાર ઓકટોબર માસમાં પિન્કથોન દોડનું આયોજન થયુ જે અત્યંત સફળ રહેતા ચાલુ વર્ષે પણ પીન્કથોન તા.૨૦મી ઓકટોબરના રોજ યોજાશે.

પીન્કથોનના રાજકોટના એમ્બેસેડર નેહા શાહે જણાવ્યુ હતું કે રાજકોટમાં ૨૦૦ ઉપરાંત મહિલાઓ પોતાના પરીવાર સાથે આ દોડમાં ભાગ લેશે. રોટરી કલબ ઓફ રાજકોટ ન્યુટ્રીશન પાર્ટનર તરીકે સેવા આપશે. ભારત જેવા દેશમાં રમત ગમતની કોઈ ખાસ પરંપરા નથી. કસરત કરવી અથવા તંદુરસ્ત જીવનશૈલી માટે સમાજમાં પરિવર્તન જરૂરી છે અને મહિલાઓ તે પરિવર્તનની ચાવી છે. એક મહિલાને બદલીશુ તો આખો પરિવાર બદલાઈ જશે. કોમ્યુનીટી રનીંગને ટૂલ તરીકે ઉપયોગ કરીને પીન્કથોન અને તેના એમ્બેસેડર્સે ભારતભરની હજારો મહિલાઓને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ બનાવી છે. પીન્કથોનનો જન્મ એક ઈવેન્ટ તરીકે થયો હતો, પરંતુ હવે તે એક પાયાની ચળવળ છે. દેશભરના લોકોએ તેની નોંધ લીધી છે કારણ કે તેણે આરોગ્ય અને તંદુરસ્તીનો મહત્વપૂર્ણ સંદેશ ફેલાવ્યો હોવાનું જણાવાયુ હતું.

પીન્કથોનના રાજકોટના એમ્બેસેડર નેહા શાહ કહે છે આ કોઈ એક દિવસ પુરતી પ્રવૃતિ નથી. પીન્કથોનના પ્રત્યેક એમ્બેસેડર પોતાના રહેઠાણની આસપાસ સમાન વિચારસરણી ધરાવતી મહિલાઓના એક જૂથની શરૂઆત કરવાનું અને અઠવાડીયામાં ઓછામાં ઓછો એક કલાક એક મીટીંગ અને દોડ સત્ર ગોઠવવાનું કાર્ય સોંપવામાં આવે છે. અત્યારે ભારતના અનેક શહેરોમાં આ પ્રકારે નિયમીત આખુ વર્ષ કામગીરી ચાલી રહી છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને અન્ય આરોગ્યના પ્રશ્નો બાબતે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ આ સંગઠન દ્વારા કરવામાં આવે છે. આપણા સમાજમાં સ્ત્રી પરિવાર માટે પોતાનું આયખુ ખર્ચી નાખે છે ત્યારે અમે સ્ત્રીઓને એ સમજાવવા પ્રયત્ન કરીએ છીએ કે રોજ થોડો સમય પોતાની જાતને પણ આપવો જોઈએ. આમ કરવાથી સ્ત્રી પોતાના પરીવાર અને સમાજની જવાબદારીઓ ઉપાડવા વધુ સમર્થ બનશે.

પીન્કથોન દોડ માટે રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયુ છે. આમ છતા કોઈપણ વ્યકિત આ દોડમાં સામેલ થઈ શકે છે. તા.૨૦ના સવારે ૬:૩૦ વાગ્યે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, (કલ્પના ચાવલા ગાર્ડન પાસેથી) આ દોડનો પ્રારંભ થશે અને રીંગ રોડ થઈ ફરી આર્ટ ગેલેરીમાં પૂર્ણ થશે.

તસ્વીરમાં મહિલા આગેવાનો સર્વશ્રી નેહાબેન શાહ (એમ્બેસેડર રાજકોટ), માધવીબેન બોરીયા, દિપ્તીબેન રામરખીયા અને હીરલબેન જોષી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)