રાજકોટ
News of Tuesday, 16th October 2018

પ્રેમ સંબંધમાં યુવાનની હત્યાના ગુનામાં આરોપીઓને કસુરવાન ઠરાવતી કોર્ટ

પાલવ સ્કૂલ પાસેના ચકચારી બનાવમાં એડી. સેસન્સ જજ ડી.વી. ઠક્કરનો ચુકાદોઃ આરોપીની સજા અંગે બપોર બાદ નિર્ણયઃ આરોપીની બહેન સાથેના પ્રેમ સંબંધના કારણે આરોપીઓએ છરીના ઘા મારીને નિખિલ વાડોલીયાની હત્યા કરી હતી

રાજકોટ, તા. ૧૬ :. અત્રે માલવીયાનગર પોલીસ હકુમતવાળા વિસ્તારમાં પાલવ સ્કૂલ નજીક રાત્રીના સમયે નિખિલ બટુકભાઈ પીપળીયાની છરીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ જયદીપ ઉર્ફે લાંબો હરીભાઈ પીપળીયા તથા અમીત પ્રદિપભાઈ અકબરીને આજે અધિક સેસન્સ જજ શ્રી ડી.વી. ઠક્કરે બન્ને આરોપીઓને ખૂનના ગુનામાં સજા માટે કસુરવાર ઠરાવેલ છે.

અદાલતે બન્ને આરોપીઓ સામે કલમ ૩૦૨ હેઠળ સજાનો કેસ માનીને આરોપીઓને કસુરવાર ઠરાવીને આરોપીઓની સજા અંગેનો ચુકાદો બપોર બાદ મુલત્વી રાખેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે, આરોપીઓ પૈકીના અમિત અકબરીની બહેન સાથે મરનાર નિખિલ વાડોલીયાને પ્રેમ સંબંધ હોય આરોપીઓ તા. ૨૪-૫-૧૬ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ પાલવ સ્કૂલ નજીક નિખિલની છરીના ઘા મારીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે મરનાર યુવાનના રાણીપાર્ક ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રહેતા પિતા બટુકભાઈ વિરજીભાઈ વાડોલીયાની ફરીયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.

બનાવની વિગત મુજબ આરોપી અમિતની બહેન સાથે મરનારને પ્રેમ સંબંધ હોવાની આરોપીને જાણ થતા બન્ને આરોપીએ એક સંપ કરીને રાત્રીના સમયે નિખિલ ઉપર છરી વડે હુમલો કરીને હત્યા નિપજાવી હતી.

આ કેસમાં ફરીયાદ પક્ષે કુલ ૨૧ સાહેદોને તપાસીને દસ્તાવેજી પુરાવા રજુ કરીને સરકારી વકીલ શ્રી પ્રશાંતભાઈ વકીલે સાંયોગીક પુરાવાની કડીઓ મેળવીને કેસમાં પોતાની દલીલો રજુ કરીને ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો હતો.

આ કામમાં સરકારી વકીલ શ્રી પ્રશાંતભાઈ પટેલે રજૂઆત કરેલ કે, છરી ઉપર મળી આવેલ લોહી, મરનારના શરીર ઉપર મળી આવેલ લોહીનો નમૂનો તેમજ આરોપીના કપડા ઉપરથી મળી આવેલ લોહી પૃથ્થકરણ દરમ્યાન એક જ હોવાનું પુરવાર થાય છે.

વધુમાં સરકારી વકીલ શ્રી પ્રશાંતભાઈ પટેલે રજુઆત કરેલ કે ફરીયાદ પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવો જોતા આરોપીઓ વિરૂદ્ધનો કેસ પુરવાર થતો હોય આરોપીઓ સીધા ખૂનના ગુનામાં સંડોવાયાનું પુરવાર થાય છે. તેથી ખૂનના ગુનામાં આરોપીઓને મહત્તમ સજા કરવી જોઈએ.

એડી. સેસન્સ જજ શ્રી ઠક્કરે સરકારી વકીલની દલીલો સાથે સહમત થઈને આરોપીઓને કસુરવાર ઠરાવીને ઉપર મુજબનો ચુકાદો આપેલ હતો. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.(૨-૧૭)

(3:46 pm IST)