રાજકોટ
News of Tuesday, 16th October 2018

વિજયભાઇને સંઘના રંગે રંગનાર ધીરૂભાઇ ધામેલિયાની વિદાય

સંઘના ૬૦ વર્ષ જુના સ્વયં સેવક ધીરૂભાઇ મીસા દરમિયાન જેલમાં ગયા હતાઃ યુવાવર્ગને રાષ્ટ્રનો રંગ ચઢાવતા હતાઃ અનેક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતાઃ વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ અંજલી આપી

સ્વ.પ્રો.(ડો.) ધીરૂભાઇ ધામેલિયા નામ યાદ કરતા જ એક અડિખમ, સરળ અને આનંદી વ્યકિતત્વ નજર સમક્ષ ઉભરી આવે છે. પોલિયોના કારણે જીવનમાં ૧૩-૧૩ ઓપરેશનો વેઠેલા હોવા છતા એ પ્રતિકૂળ પરિસ્થિતિને પોતાના કાર્ય તથા વિચાર અને જીવન પર હાવી નહિ થવા દેનાર સ્વ. ધીરૂભાઇ જીવનની પ્રતિક્ષણ આનંદ, ઉલ્લાસ, જોમ-જુસ્સાથી જીવી રહયા હતા. ૭૮ વર્ષની વયે કાખઘોડીથી અમરનાથ અને અયોધ્યામાં રામલ્લા પ્રાગટય સ્થળે કઠીન યાત્રા કરનાર સ્વ. શ્રી ધીરૂભાઇ પ્રવાસ ઉપરાંત ગીત, સંગીત, કલા, સંસ્કૃતિ, વાંચન પ્રત્યે પણ અપાર રુચિ ધરાવતા હતા.

વિદ્યાવ્યાસંગી સ્વ.ધીરૂભાઇએ એલએલ.એમ, પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરી, સૌેરાષ્ટ્રની કોલેજો તથા યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યુ હતું. તે દરમિયાન સેંકડો વિદ્યાર્થીઓના પ્રિય ગુરૂ તથા માર્ગદર્શકનું માનભર્યુ સ્થાન મેળવ્યું હતું. જે તેમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખ્યું હતું.

કલા અને સંગીતમાં તેમને એવી રુચી હતી કે વરસો સુધી 'સ્પીકમેકે' તથા 'સંગીત સોૈરભ' જેવી સંસ્થાઓના સંયોજકો તરીકેની જવાબદારી વહન કરી હતી. બાલ્યકાળથી આર.આર. એસના રંગે રંગાયેલા સ્વ. શ્રી ધીરૂભાઇ એક નિષ્ઠાવાન સ્વયંસેવક હતા અને જીવનના છેલ્લા બે દિવસને બાદ કરતા રોજ તેઓ પ્રાતઃકાળે પોતાની શાખાએ પહોંચી જતા હતા, એટલુ જ નહિ પરંતુ તેમણે પોતાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તથા યુવાનોને રાષ્ટ્રસેવા, દેશભકિતના રંગે રંગી નિષ્ઠાવાન યુવાનોની ફોજ તૈયાર કરી હતી.

દેશમાં ૧૯૭૫ની સાલમાં જયારે કટોકટી લાદવામાં આવી ત્યારે ૧૯૭૬-૭૭ સુધીમાં ૧૧ માસ તેમણે મીસા હેઠળ કારાવાસ વેઠયો હતો આ જેલવાસ દરમિયાન જેલને તેમણે ધમધમતુ સ્વાધ્યાય કેન્દ્ર બનાવી દીધું હતું. સ્વ.ધીરૂભાઇના એ દિવસોના સંસ્મરણોને યાદ કરીએ તો એક ગ્રંથ ભરાય તેમ છે. સ્વ.શ્રી ધીરૂભાઇએ વરસો સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયોજક, માર્ગદર્શક તથા પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમણે તેૈયાર કરેલા યુવાનો આજે સમાજના અનેક ક્ષેત્રે ટોચની કક્ષાએ પહોંચી દેશ તથા સમાજ પ્રત્યે ધીરૂભાઇએ સીંચેલા સંસ્કારો, કર્તવ્ય તથા ફરજને પોતાના જીવનમાં ઉતારી સેવા બજાવી રહેલા છે.

તેમણે સોૈરાષ્ટ્ર યુનિ.ના કાયદા ભવનના વડા પદે તથા યુનિ. સિન્ડીકેટ અને સેનેટના સભ્ય તરીકે વરસો સુધી ફરજ બજાવી શિક્ષણ પ્રત્યેની પોતાની સેવા ભાવના અદા કરી હતી.

સ્પષ્ટવકતાપણુ એ સ્વ. શ્રી ધીરૂભાઇની આગવી ખાસિયત હતી એમની પાસે સમાજના કોઇપણ વ્યકિત પછી તે કુટુંબની હોય કે સગા સંબંધી, મિત્ર વર્તુળની હોય તે આવીને પોતાની કોઇપણ સમસ્યા જણાવી તેનું માર્ગદર્શન કે ઉકેલ મેળવી શકતા હતા. સ્વ. શ્રી ધીરૂભાઇ પોતાના સ્વભાવ પ્રમાણેે તેમને સ્પષ્ટ ભાષામાં યોગ્ય માર્ગદર્શન આપતા હતા કઇ રીતે તે પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ આવે તેનો રસ્તો બતાવતા હતા અને કોઇપણ સંજોગોમાં જો તે કાર્ય થઇ ન શકે તેમ હોય તો સ્પષ્ટ ભાષામાં તે જણાવી દેતા હતા.

સ્વ.શ્રી ધીરૂભાઇ પાસે ભણીને તૈયાર થયેલા અનેક યુવાનો આજે વકીલ તરીકે ધીકતી પ્રેકટીશ કરે છે અને અનેક અદાલતોમાં મેજીસ્ટ્રેટ, જજ તેમજ હાઇકોર્ટ જજની કક્ષા સુધી પહોંચેલા છે.

સ્વ.શ્રી ધીરૂભાઇએ તૈયાર કરેલા યુવાનોમાં હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આજસુધી કોર્પો. થી માંડી ધારાસભા સુધી ચૂંટણીઓ જીતી છે તે તમામ ચૂૂંટણીમાં સફળતા બાદ શ્રી ધીરૂભાઇના નિવાસ સ્થાને રૂબરૂ જઇ આશીર્વાદ મેળવેલા હતા. શ્રી ધીરૂભાઇના અવસાન બાદ શ્રી વિજયભાઇ રૂપાણી પણ તેમના નિવાસે ગયા હતા. ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, ભાજપના આગેવાનો સર્વ શ્રી ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી વગેરે સાથે હતા તે સોૈએ શ્રી ધીરૂભાઇના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. એટલું જ નહિ પણ જોગાનુજોગ તે દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ રાજકોટમાં હોવાથી વડાપ્રધાને પણ મુખ્યમંત્રી મારફત શ્રી ધીરૂભાઇના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તે સંદેશો ખુદ મુખ્યમંત્રીએ પણ રૂબરૂ ધામેલિયા પરિવારને કહી સંભળાવ્યો હતો.

અત્રે એ યાદ રહે કે શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટમાં સંઘના પ્રચારક તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે રજપુતપરામાં તેઓ ભટ્ટ કુટુંબને ત્યાં રહેતા હતા અને સ્વ. શ્રી ધીરૂભાઇના એ સમયે રાષ્ટ્રીય શાળા સામે આવેલ 'કિશોરકુંજ' નામના મકાને અવાર-નવાર શ્રી મોદી આવતા હતા આજે સંઘના સ્વયં સેવકોને યાદ હશે કે 'કિશોરકુંજ' બહાર રોડ પર એક લાંબો જાળીવાળો ઓટલો હતો. આ ઓટલે બેસી શ્રી નરેન્દ્રભાઇ મોદી, સ્વ.શ્રી ધીરૂભાઇ તથા અન્ય વડીલો સ્વયં સેવકોની ટોળી જમાવતા અને સોૈરાષ્ટ્રમાં સંઘ કાર્યને કઇ રીતે આગળ વધારવું અને જમાવવું તેની ચર્ચા કરતા હતા.

આવા તો અનેક સંસ્મરણો સાથે રાજકોટમાં વસતા સંખ્યાબંધ સ્વયં સેવકોના હદયમાં અંકાયેલા છે. તેને એકઠા કરવામાં આવે તો એક ગ્રંથની શ્રેણી ભરાય તેમ છે.

આમ, શ્રી ધીરૂભાઇ અનુકરણીય અને સ્મરણીય જીવન જીવી ગયા.

સ્વ.શ્રી ધીરૂભાઇ ઝિંદાદિલના વ્યકિતત્વના સ્વામી હતા. તેમની બે કાખઘોડી સકારાત્મક અને સંઘર્ષના પ્રતિક સમાન હતી.

એમના મિત્ર વાસુદેવભાઇ ત્રિપાઠીના શબ્દોમાં કહીએ તો 'જીવન જીવી ગયાની છે વાત આ તો કદી ન ભુલાય તેવી છે વિરાસત'

આલેખનઃ

નારાયણભાઇ પરમાર

(વરિષ્ઠ પત્રકાર)

(મો. ૯૮૨૫૨ ૨૭૦૨૨)

(3:45 pm IST)