રાજકોટ
News of Tuesday, 16th October 2018

આર.કે.યુનિવર્સિટીમાં આયોજિત ૬ઠું કોન્વોકેશન વિદ્યાર્થીઓના આનંદના આંસુ અને સ્મિતનું સાક્ષી બન્યું

હસતા સંતાનના માતા પિતા હોવાની ગૌરવપૂર્ણ ક્ષણો

રાજકોટ,તા.૧૬: રવિવારની સાંજે આનંદ અને સફળતાના કિરણો સાથે ભવ્ય સમારંભ આયોજિત થયો. આર.કે. યુનિવસિૈટીએ તેના છઠા પદવીદાન (કોન્વોકેશન) સમારંભનું આયોજન કર્યુ. ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા યુનિવર્સિટી કેમ્પસમાં તેમના ડિગ્રી પ્રમાણપત્રો મેળવવા એકત્ર થયા.

સમારંભ અન્ય સંસ્થાઓમાં જોવા મળતી પશ્ચિમી પરંપરાથી નહીં પણ ભારતીય પરંપરાના ગૌરવ વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો. રેડ કુર્તા અને ગોલ્ડન સેશમાં રહેલાં ગ્રેજયુએટસે તેમના માતા-પિતા પાસેથી તેમની ડિગ્રી મેળવી. કાળા રંગની ઊડતી ટોપીઓની જગ્યાએ સમગ્ર સમારંભમાં આનંદના આંસુ અને સ્મિત, આત્મસાતની લાગણી હતી, જે સામાન્ય રીતે આધુનિક રીતે ઉજવાતા પદવીદાન સમારોહથી મળતા નથી. ૨૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જે મેળવવા તેઓ તેમના માતાપિતા સાથે સ્ટેજ પર આવ્યા હતા અને આ સમારંભમાં હાજર ખોડિદાસ પટેલ (પ્રેસિર્ડેટ, આર.કે.યુનિવર્સિટી), ડેનિશ પટેલ (એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ, ડો.તુષાર દેસાઇ (વીસી, દર્શન શાહ) (હિટાચી હાઇ-રિલ પાવર ઇલેકટ્રોનિકસ) કમલનયન સોજીત્રા (ફાલ્કન પંપ્સ), ઉમેશ માલાની (માલાની કન્સ્ટ્રકશન), ભરત હાપાની (ફીચ આર્કિટેકચલ પ્રોડકટસ) એ ઉત્સાહ વધારી આશીર્વાદ પાઠવ્યા હતા, જયારે અન્ય તમામ વિદ્યાર્થીઓને તેમના માતાપિતા દ્વારા સ્ટેજ પર જ ડિગ્રી આપવામાં આવી હતી.

કોન્વોકેશનમાં હાજર એક માતા પિતાએ જણાવ્યું હતું કે, 'અમે માતાપિતા તરીકે અમારા સંતાનના જન્મથી જ આ ક્ષણને જોવાની રાહ જોતા હોઇએ છીએ અને આ આયોજન અમારા હ્રદયને સ્પર્શી ગયું. અમે સ્ટેજ પરથી ઉતર્યા ત્યારે અમારી આંખોમાં હર્ષનાં આંસુ હતા.' એક વિદ્યાર્થીએ તેના માતાપિતા પાસેથી ડિગ્રી મેળવ્યા બાદ કહ્યું, 'મને મારા માતા-પિતાને ગૌરવાન્વિત કરીને એમના હસ્તે ડિગ્રી પ્રાપ્ત કરીને ખૂબ આનંદ થયો. આ દિવસને યાદગાર બનાવવા માટે હું આર.કે.યુનિવર્સિટીનો આભાર માનુ છું.' સમગ્ર કાર્યક્રમસોશ્યલ મીડિયા પર લાઇવ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની સાથે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા દ્વારા હજારો ફોટા અને સેલ્ફી વ્યકિતગત રીતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. લાઇવ વિડીયો પ્રસારિત થવાને કારણે વિદ્યાર્થીઓને ઘરે રહેલા સભ્યોએ પણ આ આયોજનનો હિસ્સો બનીને ગૌરવનો અનુભવ કર્યો હતો.(૨૩.૧૨)

(3:43 pm IST)