રાજકોટ
News of Tuesday, 16th October 2018

એસન્સ અને કલરની ભેળસેળ

૪ સ્થળોએથી અધધ... ૧૬૫૫ કિલો વાસી મીઠાઇ-માવાનો નાશ

નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમના દરોડાઃ શુધ્ધ 'ઘી'ના નામે ભેળસેળવાળી સસ્તી મીઠાઇ વેચનાર વિમલ નમકીનમાંથી વત્સલ બ્રાન્ડની ૬૦૦ કિલો મીઠાઇનો નાશ : રણછોડનગરની ખોડિયાર ડેરીમાંથી ૯૦૦ કિલો અખાદ્ય મીઠાઇનો નાશ : જનતા ડેરી, રામ વિજય ડેરીને નોટીસ ફટકારાઇ : સમૃધ્ધ ડેરીમાંથી ચટણીનો નાશ : રાધે ડેરીમાંથી ૩૬ કિલો અખાદ્ય નાસ્તાનો નાશ

રાજકોટ તા., ૧૬: આગામી દશેરા તહેવારમાં શહેરીજનોને આરોગ્યપ્રદ ખાદ્યચીજો મળે તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ડેરી, ફરસાણના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન મીઠાઇમાં એસંસ, કલરની ભેળસેળ, વેજીટેબલ ફેટની મીઠાઇ, વાસી માવો, વાસી મીઠાઇ મળી આવતા ૪ સ્થળોએ  કુલ ૧૬પપ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તથા ૪ વેપારીને મીઠાઇ, ફરસાણ શેમાંથી બનાવે તે અંગેનું બોર્ડ લગાવવા નોટીસ આપવામાં આવી હતી.

 

આ અંગે મ્યુનિસીપલ કોર્પોરેશનના નાયબ આરોગ્ય ડો.પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગના ફુડ વિભાગની પાંચ ટીમ દ્વારા મીઠાઇ ઉત્પાદકો તથા વેચાણ કેન્દ્રોની ચકાસણી હાથ ધરેલ છે.જેમાં વિમલ નમકીન અશોક ગાર્ડન પાસે, મવડી પ્લોટ, મવડી રોડ ખાતે મીઠાઇ તથા ફરસાણ બનાવવાનું ઉત્પાદન કેન્દ્ર છે. જયાં સસ્તી મીઠાઇ બનાવવામાં આવે છે. વિમલ નમકીનના માલિક ભીખાભાઇ ટાંક દ્વારા જુનાગઢની 'વત્સલ' બ્રાન્ડની એવન બરફી સ્વીટના પેકિંગમાંથી માવાની તથા દૂધની મીઠાઇના નામે સસ્તી મીઠાઇ વેચવામાં આવે છે.

આ જુનાગઢની 'વત્સલ' બ્રાન્ડની એવન સ્વીટ બરફીમાં ૩૦ કિ.ગ્રા. ના પેકિંગની બેમાં દર્શાવેલ ઇન્ગ્રેટાઅન્ટ અન્વયે તેમા દૂધનો પાવડર, ખાંડ તથા વેજીટેબલ ફેટ (વનસ્પતિ ઘી) નું મિશ્રણ વેચવામાં આવે છે. જે ૯૦ થી ૧૦૦ રૂ. કિલો વેચવામાં આવે છે. આ પ્રોડકટમાંથી વિમલ નમકીન ઉત્પાદન કેન્દ્રમાં જરૂરી એસંસ તથા કલર ભેળવી મેંગો બરફી, પાઇનેપલ બરફી, બટરસ્કોચ બરફી, ચોકલેટ બરફી જેવી દૂધ અથવા માવાની મીઠાઇના નામે ૧૨૦ થી ૧૫૦ રૂ.ના ભાવે વેચવામાં આવે છે. આ મીઠાઇમાં મીલ્ક ફેટ કે માવો હોતો નથી. વેપારીઓ દ્વારા મીઠા લાટા તરીકે ખરીદવામાં આવે છે.

હોલસેલ મીઠાઇના વેપારીઓ દ્વારા આ રીતે વેજીટેબલ ફેટની મીઠાઇ દૂધ અને માવાની મીઠાઇ તરીકે વેચવામાં આવે છે. જે આરોગ્ય માટે ગંભીર છે. તેઓેએ જણાવ્યું હતું કે સ્થળ ઉપર જ ૩૬૦ કિ.ગ્રા. મીઠાઇ બનાવવા માટેનો માવો તથા ૨૪૦ કિ.ગ્રા. કલર એશસવાળા વેજીટેબલ ફેટની મીઠાઇનો નાશ કરેલ છે.

જ્યારે રણછોડનગર શેરી નં. ૪ ખાતે આવેલ નીતિનભાઈ પરસાણાની ખોડીયાર ડેરી ફાર્મમાં ચકાસણી કરતા બિન આરોગ્યપ્રદ અને વાસી મીઠાઈનો નાશ કરેલ છે. ઘણા સમય પહેલા બનાવાયેલ મીઠાઈ છે. જે આરોગ્ય માટે હાનીકારક છે. જેમાં અંજીર પાક, રાસબિહારી, મિર્શલ બરફી, ચોકલેટ બરફી, મેંગો બરફી, થાબડી, ચાંદની કે કીવી બરફી, જેમનટ બરફી, ચાંદની કેક બાસુંદી, માવાના પેંડા વિગેરે અંદાજીત ૯૪૫ કિ.ગ્રા. મીઠાઈનો નાશ કરેલ છે.

આ ઉપરાંત જનતા ડેરી ફાર્મ, રૈયા રોડ પરથી મીઠાઈ, ફરસાણ શેમાંથી બનાવે તે અંગેનું બોર્ડ લગાવેલ ન હતુ. વેપારીને નોટીસ આપવામાં આવી છે. રાધે ડેરી ફાર્મમાંથી મીઠાઈમાં વધુ કલર, લેવલીંગ વગરની લીલી, ખજુરની ચટણી, એકસપાયરી સિન્થેટીક સીરમ સહિત ૩૬ કિલોનો નાશ કરાયેલ. રામ વિજય ડેરી ફાર્મને મીઠાઈ, ફરસાણ શેમાંથી બનાવે તે બોર્ડ મારવા, ફુડ રજી. જમા કરાવી ફુડ લાયસન્સ મેળવવા અરજી કરવા સૂચના આપવામાં આવી છે તથા સમૃદ્ધ ડેરી ફાર્મ ૧૫૦ ફુટ રીંગ રોડમાંથી ૧ કિલો લીલી ચટણીનો નાશ કરાયો હતો અને મીઠાઈ, ફરસાણ શેમાંથી બનાવેલ તે અંગેનું બોર્ડ લગાવવા સૂચના આપી હતી. તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે. (૪.૧૨)

(3:20 pm IST)