રાજકોટ
News of Tuesday, 16th October 2018

સ્ટેન્ડીંગ કમીટીનાં સભ્યપદેથી રાજીનામું આપી દેવા કોંગ્રેસનાં નીતિન રામાણીને આદેશ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી શહેર પ્રમુખ મહેશ રાજપૂતે આપ્યો આદેશઃ રાજીનામુ નહી આપે તો કાયદાકિય પગલા લેવાશે

રાજકોટ તા. ૧૬ :.. કોંગ્રેસનાં વિવાદાસ્પદ કોર્પોરેટર નીતિન રામાણીને શિસ્ત ભંગ સબબ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની નોટીસ અપાયા બાદ પ્રદેશ પ્રમુખે તેઓને સ્ટેન્ડીંગ કમીટીમાંથી રાજીનામુ આપી દેવાનું કહી વધુ એક ઝટકો આપ્યો છે.

આ અંગે શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખે કોંગ્રેસનાં કોર્પોરેટર નીતિનભાઇ રામાણીને આપેલા આદેશ પત્રમાં જણાવ્યું છે કે  કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર હોવાથી આપશ્રીને તા.૧પ/૬/ર૦૧૮ ના જનરલ બોર્ડમાં સ્થાયી સમિતિના સભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીના બે સભ્યોની નિમણુંક અંગ મેં કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચના મુજબ સ્થાયી સમિતીના સભ્ય તરીકે આપની તેમજ ઘનશ્યામસિંહ એ.જાડેજાની નિમણુંક કરવા સુચના આપેલ હોય તેથી અમોએ તા.૧પ/૬/ર૦૧૮ના રોજ મેયરને મે રાજકોટ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીનામંત્રી તરીકે પત્ર લખી અને સ્થાયી સમીતીના સભ્યના નામ સુચવેલ હતા જેથી તમો સ્થાયી સમિતીના સભ્ય બને છો તા.૧૪/૧૦/ર૦૧૮ ના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા રાજકોટ ખાતે આવેલ અને તેઓની સાથે રૂબરૂ ચર્ચા થયા મુજબ તેઓએ આદેશ આપેલ છે કે આપની પાસેથી સ્થાયી સમિતીસભ્ય પદેથી રાજીનામું આપવા આદેશ આપવો તેથી આપને આજરોજ આદેશ આપું છું કે આ પત્ર મળ્યાને બે દિવસની અંદર સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપવા રાજકોટ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ પ્રદેશ મંત્રી તરીકે આદેશ આપું છું.

આપ ઉપરોકત આદેશનું તાત્કાલીક પાલન કરશો અન્યથા જો તમો રાજીનામું નહી આપો તો તમે પાર્ટી આદેશની અવગણના કરી રહ્યા છો અને આપશ્રીએ ભુતકાળમાં પણ વ્હીપનો અનાદર કરેલ હોય છતા આપશ્રીને આદેશ કરીએ છીએ કે આપ હવે ફરીથી કોઇ ભુલ કરશો નહી અને આપ પાર્ટીના આદેશનું પાલન કરશો અને જો નહી કરો તો આપનીસામે કાયદાકીય પગલા ભરવાની પાર્ટીને ફરજ પડશે.

આમ મુળ ભાજપનાં અને હાલ કોંગ્રેસમાંથી વોર્ડ નં. ૧૩ માં ચૂંટાયેલા કોર્પોરેટર નીતિનભાઇ રામાણી સામે અગાઉ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની નોટીસ બાદ હવે તેઓને સ્ટેન્ડીંગ કમીટીનાં સભ્યપદેથી રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવતાં તેઓને વધુ એક ઝટકો લાગ્યો છે. (૬.ર૬)

(3:18 pm IST)