રાજકોટ
News of Tuesday, 16th October 2018

કુવાડવા પાસે 'હિટ એન્ડ રન': બેડલાના કોળી યુવાન રામજી મકવાણાનું મોત

૨૫ વર્ષનો રામજી પોતાના મિત્ર નિલેષને બાઇકમાં બેસાડી રાજકોટ કામ પુરી કરી બેડલા જતો'તો ત્યારે અજાણ્યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયોઃ મિત્રને ઇજા

રાજકોટ તા. ૧૬: કુવાડવા નજીક સાંજે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં બેડલા ગામના પચ્ચીસ વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે અને તેના મિત્રને ઇજા થઇ છે. બેડલાનો કોળી યુવાન રાજકોટ તેના મિત્ર સાથે કામ કરવા આવ્યો હતો. બંને બાઇક પર પરત ઘરે જતા હતાં ત્યારે અજાણ્યો વાહન ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ બેડલા રહેતો રામજી કુરજીભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૫) રાજકોટ મેંગો માર્કેટ પાસે ભઠ્ઠીમાં કામ કરવા આવતો હતો. તેની સાથે તેનો મિત્ર નિલેષ કુમારખાણીયા પણ કામે આવતો હતો. સાંજે પોણા આઠેક વાગ્યે બંને પરત બેડલા બાઇક નં. જીજે૩સીએમ-૪૨૩૩માં બેસીને જતાં હતાં ત્યારે બળદેવ પેટ્રોલ પંપ નજીક પહોંચતા કોઇ ફોરવ્હીલરનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં બંને મિત્રોને ગંભીર ઇજા થઇ હતી. જેમાં રામજીનું મોત નિપજ્યું હતું. જ્યારે નિલેષને સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં કુવાડવાના પીએસઆઇ પી. સી. મોલીયા, હમીરભાઇ આહિર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ મૃતકના ભાઇ મગનભાઇ કુરજીભાઇ મકવાણા (ઉ.૨૭)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. મૃત્યુ પામનાર યુવાન ત્રણ ભાઇમાં નાનો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૬)

(11:47 am IST)