રાજકોટ
News of Tuesday, 16th October 2018

સ્વ. મનોહરસિંહજીએ કરાવેલ ઠરાવને કારણે કોર્પોરેશનનાં કર્મચારીઓને આજે પેન્શન-પગાર પંચનો લાભ મળે છે

'દાદા' ૧૯૭૬ થી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ યુનિયનનાં પ્રમુખ હતા તેઓની નિવૃત્તિ બાદ આજ સુધી પ્રમુખપદ ખાલી રખાયું : હંમેશા કર્મચારી હીત માટે લડનારા યુનિયન નેતાને મ્યુ. કોર્પોેરેશન સ્ટાફ દ્વારા શ્રધ્ધાંજલી પાઠવાઇ

રાજકોટ, તા. ૧પ :  ગુજરાતનાં પૂર્વ નાણાંમંત્રી અને રાજકોટનાં રાજવી એવા સ્વ. મનોહરસિંહજી જાડેજાનાં હૈયે મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓનું હીત હરહંમેશ રહ્યું હતું. પૂ. દાદાએ ૧૯૭૬ થી રાજકોટ મ્યુનિસીપલ કોર્પોેરશન સ્ટાફ યુનિયનનાં પ્રમુખપદની જવાબદારી સંભાળી યુનિયન નેતા તરીકે કર્મચારીઓનાં પ્રશ્ને લડત આપી. પેન્શન પગાર સહિતનાં પ્રશ્નો ઉકેલ્યા હતા.

ઙ્ગત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશન સ્ટાફ યુનિયન દ્વારા સ્વ. મનોહરસિંહ જાડેજાના અવસાનથી શોકની લાગણી વ્યકત કરી અને સ્વ. મનોહરસિંહજીને હૃદય પૂર્વક શ્રધ્ધાંજલી પાઠવી હતી.

આ અંગે યુનિયનનાં મહામંત્રી વેલજીભાઇ મકવાણાની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ યુનિયનની સ્થાપના સને ૧૯૭પ થી થયેલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ યુનિયનનાં પ્રમુખ તરીકે સને ૧૯૭૬ ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ યુનિયનની જનરલ બોર્ડમાં  અને મ્યુનિસિપલ કોર્પોરેશન સભાગૃહમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે પસંદ કરેલ ત્યાર બાદ તેઓની નાદુરસ્ત તબીયતને લીધે લાંબા સમયથી, તેઓએ ફરજમાંથી મુકિત લીધેલ, પરંતુ સ્ટાફ યુનિયને પ્રમુખની પોસ્ટ ખાલી જ રાખેલ.

રાજકોટ મ્યુનિસિપલ  કોર્પોરેશન સ્ટાફ યુનિયન  પ્રમુખ તરીકે મનોહરસિંહજી જાડેજા (દાદા) ૧૯૭૬ થી સક્રિય હતા. કર્મચારીઓના નાના પ્રશ્નો હોય કે મોટા પ્રશ્નો હોય વ્યકિતગત હોય કે સામુહિક પ્રશ્નો હોય, નિર્દોષ કર્મચારી સસ્પેન્ડ થયેલ હોય કે કિન્નારોથી બદલી પામેલ કર્મચારી હોય, કર્મચારીઓના ન્યાય અને વ્યાજબી માંગણીને, દાદાએ ખુબ જ સારી રીતે ઉંડાણપૂર્વક વિચારીને, સાંભળીને કર્મચારીને દાદા મદદરૂપ થતા હતા.

જયારે ઘણા પ્રશ્નો રાજકીય લેવલનાં બની જતા ત્યારે દાદા નાછુટકે પૂ. ગાંધી ચિન્ધયા માર્ગે આંદોલન કરાયા એ સમયે પ્રમુખ મનોહરસિંહજી જાડેજા (દાદા)ની આગેવાની નીચે સને ૧૯૮૦ અને ૧૯૮રમાં બે આંદોલન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બંને દરવાજા આગળ બાવીસ-બાવીસ દિવસના પ્રતિક અપવાસ અને અમરણાંત અપવાસ કરીને ખુબજ મહત્વના એવા પ્રશ્નો, પેન્શન સ્ક્રીમ લાગુ પડાવેલ. પગાર ગ્રેડેશન માટે દેસાઇ પંચ એવોર્ડ અપાવેલ છે. ખુબ જ અગત્યની અને આજે પણ અમલમાં છે કે જયારે કેન્દ્ર સરકારના પગાર સુધારો, મોંઘવારી વધારો થાય ત્યારે આપોઆપ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓને લાગુ પાડવાનો તેવો ઠરાવ મ્યુનિ. કોર્પોરેશનની જનરલ બોર્ડમાં કરાવેલ છે. જે જીવનભરની યાદગીરી માટેનો છે તેમજ હાઉસીંગ લોન, મેડીકલ લોન, અસાધ્ય રોગો માટેની સહાય આવાસ યોજના માટે કર્મચારીઓને જમીન ફાળવવી, અસંખ્ય પ્રશ્નો દાદાના સાનિધ્યમાં પૂર્ણ થયેલા. ત્યારે હંમેશા યુનિયનના હોદ્દેદારો સાથે કૌટુંબીક ભાવથી જોડાયેલા એવા પુજનીય દાદા મનોહરસિંહજીને સૌ કર્મચારીઓ વતી હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી છે.

(4:51 pm IST)