રાજકોટ
News of Tuesday, 16th October 2018

રેસ્ટોરન્ટ સંચાલક નરેન્દ્રસિંહ ગોહેલને કોશિક ડોડીયા અને પિયુષ વીરડીયાના ત્રાસથી ગામ છોડવું પડ્યું'તું

રેસકોર્ષ રીંગ રોડના વેરોના ઇટાલિકાના કારડીયા રાજપૂત સંચાલક બે વ્યાજખોરોથી કંટાળીને ગૂમ થયા'તા : આબુ મિત્રની હોટલે રોકાયા બાદ અજમેર શરીફ દરગાહે રોકાયેલ ત્યાં પિતાના મિત્ર સલામ ભરવા માટે આવતાં પત્તો મળ્યોઃ બી-ડિવીઝન પોલીસે બે શખ્સ સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો : કોૈશિક ડોડીયાને ૫ લાખ ચુકવી દીધા છતાં ૨૦ લાખ માંગી મકાન પચાવવાની ધમકી આપતો'તોઃ પિયુષ વીરડીયાને ૩ લાખ સામે ૨ લાખ અને વ્યાજ આપ્યું છતાં વધુ માંગી હેરાન કરવાની ધમકી આપતો'તો

રાજકોટ તા. ૧૫: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે. કુવાડવા રોડ પર ડી માર્ટ સામે વલ્લભનગર મેઇન રોડ પર ડિલકસ પાનવાળી શેરીમાં રહેતાં અને રેસકોર્ષ રીંગ રોડ પર વેરોના ઇટાલિકા નામે રેસ્ટોરન્ટ ધરાવતાં નરેન્દ્રસિંહ દિલીપસિંહ ગોહેલ (ઉ.૩૦) નામના કારડીયા રાજપૂત યુવાનને વ્યાજની ઉઘરાણી માટે રજપૂત અને પટેલ શખ્સે ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. ત્રાસથી કંટાળી આ યુવાન ફોન બંધ કરી માઉન્ટ આબુ મિત્ર પાસે રહેવા જતો રહ્યો હતો. પાછળથી પિતાએ ગૂમ થયાની પોલીસને જાણ કરી હતી. અજમેરમાં આ યુવાનને પિતાના મિત્ર જોઇ જતાં તે રાજકોટ આવ્યો હતો અને ફરિયાદ કરી હતી.

બી-ડિવીઝન પોલીસે નરેન્દ્રસિંહ ગોહેલની ફરિયાદ પરથી રણછોડનગર શ્રધ્ધા હોસ્પિટલ પાછળ રહેતાં કોૈશિક મનોજભાઇ ડોડીયા તથા કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટી-૧માં રહેતાં પિયુષ ચંદુભાઇ વીરડીયા સામે આઇપીસી ૫૦૬ (૨), ૧૧૪, મનીલોન્ડરીંગ એકટની કલમ ૫-૪૦-૪૨ મુજબ ગુનો નોંધ્યો છે. નરેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને વેપાર ધંધા માટે પૈસાની જરૂરી પડતાં પોણા બે વર્ષ પહેલા મિત્ર સંબંધી એવા કોૈશિક ડોડીયા પાસેથી રૂ. પાંચ લાખ ૮ ટકા વ્યાજેથી લીધા હતાં. જેની સામે દર મહિને રૂ. ૪૦ હજાર વ્યાજ ચુકવ્યું હતું. એક વર્ષ અને બે મહિના સુધી આ વ્યાજ ચુકવ્યું છે અને વ્યાજ સહિત મુદ્દલ રકમ પણ ચુકવી દીધી છે. આમ છતાં તે હજુ ૨૦ લાખની માંગણી કરી ધમકી આપે છે.

કોૈશિક ડોડીયા 'જો તું વીસ લાખ નહિ આપે તો તારું મકાન પચાવી પાડીશ' તેમ કહી મારી નાંખવાની ધમકી આપી વારંવાર ઘરે આવીને માથાકુટ કરે છે તેમ પણ ફરિયાદમાં જણાવાયું છે. નરેન્દ્રસિંહે આગળ જણાવ્યું છે કે ધંધા માટે અન્ય એક વ્યકિત પિયુષ વીરડીયા પાસેથી પણ ૩લાખ રૂપિયા છ મહિના પહેલા ૩ાા ટકા વ્યાજેથી લીધા હતાં. તેની સામે તેને પત્નિનું પાંચ તોલા સોનાનું મંગલ સુત્ર તથા ચાર તોલા સોનાનો હાર ગીરવે આપ્યો હતો. ત્રણ મહિના સુધી તેને ૧૦-૧૦ હજાર લેખે વ્યાજ ચુકવ્યું છે. ત્રણ લાખમાંથી બે લાખ ચુકવી દીધા છે.  તેને આરડીસી બેંકનો સહીવાળો કોરો ચેક પણ આપ્યો હતો. ૨૨/૯ના પિયુષે રેસ્ટોરન્ટ ખાતે આવી ગાળો દઇ જો પૈસા અને વ્યાજ નહિ આપ તો તને હેરાન કરી મુકીશ કહી ધમકી દઇ તેમજ વારંવાર ફોન કરી વ્હોટ્સએપથી મેસેજ કરીને પણ ધમકી આપી હતી.

નરેન્દ્રસિંહે આગળ જણાવ્યું છે કે કોૈશિક ડોડીયા અને પિયુષ વીરડીયાના ત્રાસથી કંટાળી પોતે ૨૯/૯ના રોજ ફોન બંધ કરી ઘરે મુકી માઉન્ટ આબુ ખાતે રહેતાં મિત્ર યુસુફભાઇની હોટેલ ગૂડલક ખાતે રહેવા જતો રહ્યોહ તો. એ પછી ત્યાંથી પોતે અજમેર ખ્વાજા ગરીબે નવાઝની દરગાહે રહેવા જતો રહ્યો હતો. ઘરે કોઇને જાણ ન હોઇ પિતા દિલીપસિંહ ભીમભા ગોહિલે ગૂમ થયાની બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન પોતે અજમેર હતો ત્યારે પિતાના મિત્ર રફિકભાઇ નુરમહમદ ગરાણા દરગાહે સલામ ભરવા આવતાં તે જોઇ જતાં તેણે રાજકોટ દિલીપસિંહને જાણ કરી હતી. બાદમાં પોતે તેની સાથે રાજકોટ તા. ૧૦/૧૦ના આવ્યો હતો. પોલીસે ગૂમ થવાના કારણ બાબતે નિવેદન નોંધાવવા બોલાવતાં ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:23 pm IST)