રાજકોટ
News of Wednesday, 16th September 2020

વ્હાલી મમ્મી... રાજકોટની ઇશાએ પોતાની મમ્મીને જન્મદિવસે આપી અનોખી શુભેચ્છા

પુત્રીને ગર્વ છે પોતાની માતા ઉપર : પત્ર દ્વારા વરસાવી લાગણી

રાજકોટ તા. ૧૬ : રાજકોટની ઇશા તન્ના નામની એક પુત્રીએ પોતાની મમ્મીના જન્મ દિવસ નિમિત્તે એક પત્ર દ્વારા પોતાની લાગણી વરસાવી છે તેણી એ લખ્યું છે કે, એ નારીને જેના લીધે આજે મારૂ અસ્તિત્વ છે. એ નારીને જેને પોતાના અસ્તિત્વને ઘસીને મારૂ અસ્તિત્વ નિખાર્યું છે. મીણબત્તીની જેમ પીગળી, પોતાની જાતને સળગાવીને મારૂ જીવન પ્રકાશિત કર્યું છે. જેનું ઋણ હું જીવ આપીને પણ ચૂકવી શકવા સમર્થ નથી અને મારે જીવ આપવો પણ નથી. કારણ કે મારે એના માટે કંઇક કરવા માટે જીવવું છે. એને મારા પર ગર્વ થાય એવું કંઇક કરી બતાવવું છે. એને મને એટલું આપ્યું છે અને એટલી કાબિલ બનાવી છે કે જેથી આજે હું શિક્ષક તરીકે, આજના વિદ્યાર્થીઓ સામે ઉભી રહેવા અને એ લોકોને કશીક આપવા સમર્થ બની છું. બસ, એને મને એના વગર જીવી શકું એટલી સમર્થ નથી બનાવી અને એ સામર્થ્ય મારે શીખવું પણ નથી.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મમ્મી. હું ખૂબ જ નસીબદાર છું કે મને તારા જેવી મમ્મી મળી અને ભગવાનને એ જ પ્રાર્થના છે કે દરેક જન્મમાં હું તારી જ દિકરી થઇને જન્મ લઉ. આ એક નાનકડો પ્રયત્ન, તને એ કેવા માટે કે તું તારી દુનિયાની બેસ્ટ મમ્મી છો અને હું તને ખૂબ જ પ્રેમ કરૃં છું.

અમે આજ કાલના યુવાનો બોયફ્રેન્ડ - ગર્લ્સફ્રેન્ડ કે હસબન્ડ - વાઇફ ને સ્પેશ્યલ ફિલ કરાવવા ઘણું બધું કરી છૂટતા હોઇએ છીએ. કેમ ભૂલી જઇએ છીએ કે જેણે આપણા જીવને સ્પેશ્યલ બનાવવા જાતનો પણ કોઇ દિવસ વિચાર નથી કર્યો. સંતાનોનો બર્થ ડે સ્પેશ્યલ બની શકે એના માટે ખબર નહી એને એના કેટલા બર્થ ડે કુરબાન કર્યા છે. મને તો સમજાઇ ગયું છે કે મમ્મી, તું મારા માટે ખૂબ ખૂબ ખૂબ સ્પેશ્યલ છે. એટલે આ એક નાનકડો પ્રયાસ કરેલો છે, તને સ્પેશ્યલ ફીલ કરાવવા અને એ કહેવા કે હું તને મારી જાતથી પણ વધુ પ્રેમ કરૃં છું.

(10:21 am IST)