રાજકોટ
News of Monday, 16th September 2019

ટ્રાફીક નિયમોના વિરોધમાં કોંગ્રેસ યોજશે ધરણા

તા. ૧૮ થી ૨૦ જીલ્લા પંચાયત ચોકમાં સાઉન્ડ સીસ્ટમ સાથે પ્રદર્શન યોજવા મંગાઈ મંજુરી : અશોક ડાંગર, ડો. વસાવડા, ભટ્ટી, રાજપૂત તથા પ્રદિપ ત્રિવેદી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરને મળ્યા

રાજકોટ, તા. ૧૬ :. નવા ટ્રાફીક નિયમોનો લોકોમાં સ્વયંભૂ વિરોધ પ્રગટયો છે ત્યારે હેલ્મેટ વિરોધ અને આકરા દંડના વિરોધમાં કોંગ્રેસે પણ ખાંડા ખખડાવ્યા છે. આજે બપોરના શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા સહિતના આગેવાનો ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદિપસિંઘને મળ્યા હતા અને તા. ૧૮ થી ૨૦ અડધો દિવસ જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજના મંજુરી માંગી હતી.

રાજકોટ શહેર સહિત રાજ્યભરમા નવા આકરા ટ્રાફીક નિયમ અને કમ્મરતોડ દંડ સામે ભારે વિરોધ વંટોળ ઉઠયો છે. આજે સોનીબજાર, પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ ધંધા બંધ રાખી વિરોધ પ્રદર્શન પણ કર્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના જૂના જોગીઓ પણ મેદાનમાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા, પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત તથા પ્રદેશ અગ્રણી પ્રદિપ ત્રિવેદી સહિતના આગેવાનો ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદિપસિંહને રૂબરૂ મળ્યા હતા અને ટ્રાફીક દંડ કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો.

કોંગ્રેસ અગ્રણીઓએ એક લેખિત અરજી પણ ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરને આપી હતી અને આગામી તા. ૧૮, ૧૯ અને ૨૦ના રોજ સવારના ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી જીલ્લા પંચાયત ચોક ખાતે સાઉન્ડ સીસ્ટમ સહિત ધરણા અને વિરોધ પ્રદર્શન માટેની મંજુરી માંગી હતી.

જો કે સંદિપસિંઘે આ મંજુરી અંગે બાદમાં નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરશે તેવો પ્રતિભાવ આપ્યાનું મનાય છે.

રાજકોટવાસીઓ ટ્રાફીક સહિતના અનેકવિધ પ્રશ્નોની હાડમારી અનુભવી રહી છે ત્યારે વિરોધપક્ષ સક્રિય ન હોવાની લાગણી જન્મી હતી પરંતુ હવે શહેર કોંગ્રેસ મેદાને આવી છે અને ટ્રાફીક સહિતના પ્રશ્નોએ લડી લેવાનો નિર્ધાર કર્યો છે.

એક તરફ તંત્ર નવા ટ્રાફીક નિયમો અને દંડ માટે કડક હાથે કામગીરી કરવા મક્કમ નજરે પડે છે ત્યારે વિરોધ પક્ષ પણ લોકપ્રશ્ને કેટલી જાગૃતિ દર્શાવી શકે છે ? તે ૧૮, ૧૯ અને ૨૦ દરમિયાન જાણી શકાશે.

(4:07 pm IST)