રાજકોટ
News of Monday, 16th September 2019

'હાલ બેસી જા તળાવે લઇ જાવ'... આશિષ ભરવાડે યુવતિની છેડતી કરી તેના પિતાને પાઇપથી ફટકાર્યા

માંડા ડુંગર પાસે બનાવઃ છેડતી કરનાર શખ્સને માત્રાભાઇ રબારી સમજાવવા જતાં હુમલો થયો

રાજકોટ તા. ૧૬: માંડા ડુંગર પાસે રહેતાં ભરવાડ શખ્સે યુવરાજનગરની યુવતિને 'હાલ બેસી જા બાઇકમાં, તળાવે લઇ જાવ' કહી છેડતી કરતાં તેણીના પિતા ઠપકો આપવા આવતાં તેના પર પાઇપથી હુમલો કરતાં સારવાર માટે દાખલ થયા છે.

માર્કેટ યાર્ડ નજીક ગમારા પંપ સામે યુવરાજનગર મફતીયાપરામાં રહેતાં છકડો ચાલક માત્રાભાઇ લઘરાભાઇ પરમાર (ઉ.૪૦) નામના રબારી ઇજા સાથે સિવિલ હોસ્પિટલે આવતાં અને પોતાના પર માંડા ડુંગરથી આગળ ઢાળ ઉતરતા રોડ પર આશિષ પોપટભાઇ ભરવાડે પાઇપથી હુમલો કર્યાનું કહેતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. આ અંગે આજીડેમ પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.

 માત્રાભાઇના કહેવા મુજબ તે છકડો હંકારી ગુજરાન ચલાવે છે. તેની સતર વર્ષની દિકરી કરિયાણુ લેવા નીકળી ત્યારે આશિષ ભરવાડે છેડતી કરી બાવડુ પકડતાં દિકરીએ વાત કરતાં આશિષને આ બાબતે ઠપકો આપવા જતાં તેણે લાજવાને બદલે ગાજતો હોય તેમ હુમલો કર્યો હતો.

(4:02 pm IST)