રાજકોટ
News of Monday, 16th September 2019

કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ શિલા સ્મારકના ૫૦ માં વર્ષની ઉજવણી : 'એક ભારત વિજય ભારત' મહાસંપર્ક અભિયાન

રાજકોટ તા. ૧૬ : કન્યાકુમારી ખાતે સમુદ્ર વચ્ચેની જે શિલા પર બેસીને સ્વામિ વિવેકાનંદે ધ્યાન ધર્યુ હતુ તે સ્થળે નિર્માણ કરાયેલ 'વિવેકાનંદ શિલા સ્મારક' ના ૫૦ માં વર્ષની ઉજવણી અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા 'એક ભારત વિજય ભારત' શીર્ષકતળે રાષ્ટ્રવ્યાપી મહાસંપર્ક અભિયાન હાથ ધરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત પ્રાંતના આગેવાનોએ જણાવેલ કે ભારતના લોકોએ એકમન બનીને આ સ્મારકનું નિર્માણ કર્યુ છે ત્યારે તેના ૫૦ માં વર્ષ નિમિતે 'એક ભારત વિજય ભારત' શીર્ષક હેઠળ સંપર્ક અભિયાન શરૂ કરેલ છે.

આ સંપર્ક કાર્યનો શુભારંત વિવેકાનંદ કેન્દ્રના રાષ્ટ્રીય પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનો સંપર્ક કરીને કરાયો હતો. સપ્ટેમ્બરની શરૂઆત સાથે શરૂ કરાયેલ આ યોજના તળે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુનો પણ સંપર્ક કરવામાં આવ્યો. આ રીતે પ્રત્યેક રાજયના રાજયપાલ, મુખ્યમંત્રીઓનો પણ સંપર્ક કરવામાં આવશે.

સમાજના વિભિન્ન ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોનો પણ સંપર્ક કરી સ્વામી વિવેકાનંદના સંદેશ, વિવેકાનંદ શિલા સ્મારક નિર્માણની સફળ ગાથા અને વિવેકાનંદ કેન્દ્રની પ્રવૃત્તિઓથી સૌને માહીતગાર કરાશે.

આગામી દિવસોમાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલનો સંપર્ક કરી ગુજરાત પ્રાંતમાં સંપર્ક કાર્યનો આરંભ કરાશે.

રાજકોટમાં કે.કે.વી. હોલ પછી રામધામ-ર, કાલાવડ રોડ ખાતે વિવેકાનંદ કેન્દ્રનું કાર્યાલય શરૂ કરાયુ છે. તેમા યુવા વર્ગને જોડાઇ જવા અપીલ કરાઇ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલા ગુજરાત પ્રાંત વ્યવસ્થા પ્રમુખ દિવ્યેશભાઇ મહેતા (મો.૯૮૨૪૨ ૨૪૮૫૧), કુ. હર્ષાબેન કારીયા, અમિત મેર (મો.૭૬૯૮૨ ૫૫૫૬૬), ભરત વિવેક સોમવાતી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:59 pm IST)