રાજકોટ
News of Monday, 16th September 2019

શહેરમાં પ્રારંભે હેલ્મેટ ચેકીંગને પ્રાધાન્ય : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧.૧૦ લાખનો દંડ

ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહની દેખરેખ હેઠળ ઠેક-ઠેકાણે ટ્રાફિક એસીપીની રાહબરીમાં ટીમોએ ચેકીંગ કર્યુ

રાજકોટ તા. ૧૬: વાહન ચાલકો માટેના નવા કાયદાની અમલવારીનો આજથી ગુજરાત રાજ્યમાં પ્રારંભ થયો છે. તે અંતર્ગત ઠેર-ઠેર વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ રસ્તા પર ઉતરી છે. ફરજીયાત સીટ બેલ્ટ, પીયુસી, આર.સી. બૂક, વીમો, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો સાથે રાખવા ઉપરાંત ટુવ્હીલર ચાલકોએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. અન્યથા મસમોટા દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. રાજકોટ શહેરમાં પણ આજથી વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ થઇ ચુકી છે. પ્રારંભે પોલીસે હેલ્મેટ ચેકીંગને પ્રાધાન્ય આપ્યું છે. સવારે સાડા દસથી શરૂ થયેલા વાહન ચેકીંગમાં જુદા-જુદા સ્થળોએથી પોલીસે બપોરે એક વાગ્યા સુધીમાં ટ્રાફિક નિયમનના ભંગ બદલ રૂ. ૧.૧૦ લાખનો દંડ વસુલ કર્યો છે.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા અને ટ્રાફિક બ્રાંચના તમામ પી.આઇ. તથા પી.એસ.આઇ. અને ટીમોએ તેમજ જુદા-જુદા પોલીસ મથકના પીઆઇ તથા તેમની ટીમોએ આજે પોત પોતાના વિસ્તારોમાં વાહન ચાલકો માટેના નવા નિયમોનું પાલન કરાવવા તજવીજ હાથ ધરી હતી. ઠેકઠેકાણે પોલીસે હલ્મેટ વગર નીકળેલા લોકોને મેમો આપ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ હાલ પોલીસે વાહનના દસ્તાવેજો ચકાસવાની કામગીરીમાં થોડુ કુણુ વલણ રાખ્યું છે. કેમ કે ઘણા ખરા લોકો પીયુસી કરાવી શકયા નથી. વળી તેમાં મુદ્દત પણ અપાઇ છે. એચએસઆરપી નંબર પ્લેટ પણ કરાવવામાં તારીખો અપાઇ છે. તો લાયસન્સ, આરસી બૂક અને પીયુસી ઘણ અસંખ્ય વાહન ચાલકો મેળવી શકયા નથી. આજથી શરૂ થયેલી ઝુંબેશમાં પોલીસે હેલ્મેટ ઝુંબેશને પ્રાધાન્ય આપ્યું છે. આગામી દિવસોમાં બીજા દસ્તાવેજો તપાસવા સહિતની કાર્યવાહી કરી બાદમાં દંડ વસુલવાની શરૂઆત થશે.  એસીપી ટ્રાફિક બી. એ. ચાવડાએ જણાવ્યું હતું કે આજે બપોરે એક વાગ્યા સુધીમાં ટ્રાફિક નિયમન ભંગ બદલ રૂ. ૧ લાખ ૧૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

(3:59 pm IST)