રાજકોટ
News of Monday, 16th September 2019

નશાખોર રિક્ષાચાલકે એક નાગરિકને ભયભીત કરી મુકયાઃ બીજી રિક્ષામાં બેઠા તો પીછો કર્યો...છેક પોલીસ મથક સુધી પાછળ ગયો!

અમદાવાદથી રાતે બે વાગ્યે શાસ્ત્રી મેદાન બસ સ્ટેશને ઉતરેલા ૫૦ વર્ષિય નાગરિક કાલાવડ રોડ કટારીયા ચોકડી જવા ૧૦૦ના ભાડાથી જેમાં બેઠા તેમાં નંબર પ્લેટ ન હોઇ અને બીજો દારૂડીયો સાથે બેસી જતાં એ રિક્ષામાંથી ઉતરીને બીજી રિક્ષામાં બેસતાં ગૂંડાગીરી પર ઉતરી આવ્યો : પોલીસે કાયદાનું ભાન કરાવી ખોખરો કર્યોઃ પોલીસ બસ સ્ટેશન-રેલ્વે સ્ટેશન બહાર રાત્રે ખાસ ચેકીંગ કરે તેવી જાગૃત નાગરિકની માંગણી : શનિવારે રાત્રે દસેક વાગ્યે જંકશનથી રિક્ષામાં બેઠેલા એક યુવાનને લૂંટના ઇરાદે ચાલક સહિત ત્રણ શખ્સે છરીના ઘા ઝીંકયા એ પછી મોડી રાતે બે વાગ્યે બીજી ચોંકાવનારી ઘટના

રાજકોટ તા. ૧૬: શહેરમાં શનિવારે રાત્રે દસેક વાગ્યે જંકશન રેલ્વે સ્ટેશને ઉતરેલા માધાપર ચોકડી પાસે રહેતાં એમ.આર. પ્રજાપતિ યુવાનને રિક્ષા ચાલક અને તેના બે સાગ્રીતોએ લૂંટના ઇરાદે છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ યુવાને જીવ બચાવવા ચાલુ રિક્ષામાંથી છલાંગ મારી દીધી હતી. આ ઘટનામાં પોલીસ આરોપીઓને શોધતી હતી ત્યાં એ જ રાતે આશરે બે વાગ્યા આસપાસ રિક્ષાચાલકની દાદાગીરી-ગૂંડાગીરીની બીજી એક ઘટના શાસ્ત્રીમેદાનના કામ ચલાઉ બસ સ્ટેશનેથી શરૂ થઇ મોટા મવા તાલુકા પોલીસ મથક સુધી પહોંચી હતી. ૫૦ વર્ષિય નાગરિકને દારૂડીયા અને નંબર વગરની રિક્ષાના ચાલકે ધરાર પોતાની રિક્ષામાં બેસવાનું કહેતાં આ નાગરિકને શંકા ઉપજતાં તેમાંથી ઉતરી ગઇ બીજી રિક્ષામાં બેસી જતાં નશાખોર ચાલક ગૂંડાગીરી પર ઉતરી આવ્યો હતો અને પીછો કર્યો હતો. ગભરાયેલા નાગરિકે રિક્ષા મોટા મવા પાસેના પોલીસ મથકમાં જવા દેતાં નશાખોર ત્યાં પણ ઘુસી ગયો હતો!...જો કે પછી પોલીસે બરાબરનો પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ સમગ્ર ઘટનાથી ભારે ભયભીત બની ગયેલા જાગૃત નાગરિકે વિતક વર્ણવતા કહ્યું હતું કે હું સેલ્સ મેનેજર તરીકે કામ કરુ છું. કામ સબબ અમદાવાદ ગયો હોઇ ત્યાંથી શનિવારે રાત્રે એસટીની વોલ્વોમાં રાજકોટ આવ્યો હતો. લગભગ રાત્રીના બે વાગ્યે હું શાસ્ત્રી મેદાન બસ સ્ટેશને ઉતર્યો હતો. એ સાથે જ કેટલાક રિક્ષા ચાલકો ભાડુ મેળવવા દોડી આવ્યા હતાં. જેમાંથી એક ચાલકે કટારીયા ચોકડીનું ભાડુ રૂ. ૧૦૦ કહેતાં હું તેમાં બેઠો હતો. રિક્ષા ચાલતી થાય એ પહેલા બીજો એક જણો બેસી ગયો હતો, તેણે ચિક્કાર દારૂ પીધો હોય તેવું જણાતાં મને શંકા ઉપજતાં મેં રિક્ષા અંદર જોતાં નંબર જોવા મળ્યા નહોતાં. નીચે ઉતરીને જોતાં આગળ પાછળ પણ નંબર પ્લેટ ન હોઇ મને શંકા ઉપજતાં મેં એ રિક્ષા છોડી દીધી હતી અને બીજી રિક્ષામાં બેસી ગયો હતો.

આ બાબતે નશાખોર રિક્ષાચાલકને ન ગમતાં તે ખુબ રોષે ભરાયો હતો અને બેફામ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. મેં બીજી રિક્ષામાં બેસી આગળ વધ્યા પછી પરિચીત મિત્રના પુત્રને ફોન કરી મોટા મવા ચોકડીએ મને તેડવા આવવા જણાવી દીધું હતું. બીજી તરફ હું જે રિક્ષામાં બેઠો હતો એ રિક્ષાનો નશાખોર રિક્ષા ચાલકે રિતસર પીછો કર્યો હતો. આથી હું ખુબ ભયભીત થઇ ગયો હતો. આથી મેં રિક્ષાચાલકને સીધા પોલીસ મથકે લઇ લેવા કહ્યું હતું અને મારા મિત્રના પુત્રને પણ મોટા મવા પાસેના પોલીસ મથકે આવી જવા કહ્યું હતું. અમારી રિક્ષા સીધી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. આથી અમને એમ હતું કે નશાખોર ચાલક હવે પોલીસ સ્ટેશનમાં તો પાછળ નહિ જ આવે...પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે એ નશાખોર ચાલક તેની રિક્ષા સાથે પોલીસ સ્ટેશનના ગેઇટમાં પણ ઘુસી આવ્યો હતો અને મારી સાથે છાતી કાઢીને ઉભો રહી જોઇ ડોળા કાઢવા માંડ્યો હતો.

મેં તુરત જ પોલીસ મથકમાં બૂમો પાડતાં સ્ટાફ દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં નશાખોર રિક્ષાચાલકને બરાબરનો પદાર્થપાઠ પોલીસે ભણાવ્યો હતો. મેં મારા નામથી અરજી આપતાં પોલીસે તેની સામે અટકાયતની કાર્યવાહી પણ કરી હતી.

જાગૃત નાગરિકે વધુમાં કહ્યું હતું કે આ ઘટના જાહેર કરવાનું મને એ માટે જરૂરી લાગે છે કે રાત્રીના સમયે કોઇ મારી જેમ મોડેથી રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશને આવે તો ઘરેથી કોઇ સ્વજન કે મિત્રને બોલાવી રાખે અથવા તો રિક્ષા ભાડે કરે તો તેના નંબર પહેલા નોંધી રાખે અને પોતે જે રિક્ષામાં બેઠા છે તેના નંબરની ઘરે સ્વજન કે મિત્રને જાણ કરી દે. બધા રિક્ષાચાલકો મુસાફરોને હેરાન કરે તેવા નથી હોતાં. પરંતુ અમુક નશાખોર રિક્ષાચાલકોથી બચવું જરૂરી છે. પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે કે દિવસે અને સમયાંતરે રિક્ષા ચેકીંગ થાય છે. રિક્ષાઓમાં સલામત સવારીના બોર્ડ પણ લગાવેલા હોય છે. પરંતુ ખાસ કરીને રાત્રીના સમયે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશને પડ્યા પાથર્યા રહેતાં નંબર પ્લેટ વગરની રિક્ષા લઇને ઉભા રહેતાં નશાખોર ચાલકોની ખાસ તપાસ કરવી જરૂરી છે. જેથી કરીને મારી સાથે બન્યું એવું બીજા સાથે ન બને. મારી જગ્યાએ કોઇ ગૃહિણી, વૃધ્ધા કે બહેન દિકરી સંજોગોવસાત એકલા આવ્યા હોય અને તેને આવા રિક્ષાચાલકો ભેટી જાય તો શું હાલત થાય? એ વિચાર જ થથરાવી મુકે તેવો છે. પોલીસની સાથે નાગરિકો પણ જાગૃત બને તે જરૂરી છે.

(3:53 pm IST)