રાજકોટ
News of Monday, 16th September 2019

પોલીસે 'મેમો' માટે ફોટો પાડતા ગૃહિણી રડી પડ્યા

હવે જરાપણ બહાના નહિ ચાલે, હેલ્મેટ પહેરવી જ પડશે...

. વાહન ચાલકો માટેના નવા નિયમો અમલી થતાની સાથે જ ઠેર-ઠેર વાહન ચાલકોમાં રોષ ફેલાઇ ગયો છે. પોલીસ પોતાની ફરજ બજાવવા મેદાને ઉતરી ગઇ છે અને વાહન ચાલકો સાથે ઘર્ષણ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખી રહી છે. ડરી ગયેલા મોટા ભાગના વાહન ચાલકો આજે હેલ્મેટ પહેરીને અને વાહનને લગતા જરૂરી દસ્તાવેજો સાથે રાખીને નીકળ્યા હતાં. આમ છતાં કોઇને કોઇ કારણોસર ઘણા વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર અથવા તો લાયસન્સ, પીયુસી, વીમો, આરસી બૂક વગર નીકળતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વાહનોની નંબર પ્લેટના ફોટા પાડી મેમો તૈયાર કર્યા હતાં. મવડી રોડ આનંદ બંગલા ચોકમાં એક ગૃહિણી સંતાને પાછળ બેસાડી ટુવ્હીલર પર કામ સબબ નીકળ્યા હતાં ત્યારે હેલ્મેટ પહેરી ન હોઇ પોલીસે 'મેમો' માટે ફોટો પાડી લેતાં આ ગૃહિણી રિતસર રડી પડ્યા હતાં. તેમણે પોતે ઘરે ફોન કરીને હેલ્મેટ, કાગળો મંગાવી લે છે...તેવી વાત કરી હતી. પરંતુ પોલીસે નિયમોનું પાલન કરવું જ પડશે તેમ જણાવી દંડની કાર્યવાહી કરી હતી. શહેરમાં અનેક ઠેકાણે વાહન ચાલકોને દંડ ભરવા મજબૂર થવું પડ્યું હતું. નોંધનીય છે કે પોલીસ કોઇને કારણ વગર હેરાન કરવા ઇચ્છતી ન હોય પરંતુ આદેશ મુજબ કાર્યવાહી કરાવવા પોલીસને પણ પોતાની ફરજ બજાવવી પડતી હોય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:11 pm IST)