રાજકોટ
News of Monday, 16th September 2019

ગોમતી ચક્ર શું છે ? તેનો ઉપયોગ અને ફાયદા : પૂ. પારસમુનિ

ગોમતી ચક્ર એક દુર્લભ પ્રાકૃતિક અને આધ્યાત્મિક પત્થર રૂપ છે : ગોમતી ચક્ર ભારતની સુપ્રસિધ્ધ ગોમતી નદીમાં પ્રાપ્ત થાય છે માટે ગોમતી ચક્ર કહેવાય છે : આ નદી ભગવાનશ્રી કૃષ્ણ વાસુદેવની દ્વારકાપુરી નગરીમાં ગુજરાતના હાલાર પ્રદેશમાં આવેલ છે

ગોમતીચક્ર સરળતાથી નથી મળતા દુર્લભવસ્તુ છે. ગોમતી નદીમાં પ્રાપ્ત થતી અલ્પમૂલ્ય કોલ્શિયમ, હાઇડ્રોજન, મિશ્રિત વસ્તુ છે. ગોમતી ચક્ર એક એવો પત્થર છે. જે મનુષ્યના અંતરાયોના જાળામાંથી ઉગારવા સક્ષમ છે.

ગોમતીચક્રની ઉત્પતિ સમુદ્ર મંથન સમયે થઇ હતી તેવી હિન્દુ પરંપરામાં માન્યતા છે. ગોમતી ચક્રને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. ગોમતી ચક્રને દક્ષિણ ભારતમાં ગોમથી ચક્ર કહે છે અને સંસ્કૃતમાં ઘેનુપદી કહેવામાં આવે છે. પૌરાણિક કાળમાં યજ્ઞવેદીની ચારેબાજુ પણ લગાવાવમાં આવતા. રાજતિલક સમયે સિંહાસનના ઉપરના છત્રમાં પણ લગાવાવમાં આવતા હતા.

ગોમતી ચક્ર એક તરફ ગોળ અને ઉંચુ હોય છે. અને બીજી તરફ ચક્રની જેમ જે દેખાય છે તે સર્પની જેમ ગોળાકાર આવૃતની સાથે સીધુ (ફલેટ) હોય છે, આને નાગચક્ર પણ કહે છે.

ગોમતી ચક્રની અંદર બ્યુગલ આકારની બનાવટ કુદરતી છે અને રાહુનો હંમેશાને માટે પ્રભાવ બનેલો રહેવાને કારણે તેનો વિશેષ પ્રયોગ થાય છે.

ગોમતી ચક્ર ને જોવામાં આવે તો તેના ઉપર ના ચિકણા ભાગ પર હિન્દીનો સાત (૭) અંક બનેલો હોય છે. વર્તમાન અંક જયોતિષ પ્રમાણે સાત અંક રાહુનો અંક છે. પાણીમાંથી પ્રાપ્ત થાય છે એટલે ચંદ્રની કારક વસ્તુ છે અને તેની અંદર સાત અંક આવવાથી રાહુ કૃત પ્રભાવોને દુર કરવા માટે સહાયક બને છે.

જયારે અલગ અલગ તત્વ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એકબીજાને મળે છે. ત્યારે રત્ન કે ઉપરત્ન બને છે. રાસાયણિક પ્રક્રિયા બાદ એકબીજા તત્વો સંયોગથી વિશિષ્ટ ચમકદાર આભાયુકત બને છે. અને તેમાં ઘણા અદ્ભૂત ગુણો અને અદ્ભૂત શકિતઓ સમાહિત થાય છે.

પૃથ્વીની અંદર અગ્નિના પ્રભાવથી અલગ -અલગ તત્વોની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેથી રત્ન કે ઉપરત્નોનું સર્જન થાય છે. માત્ર કોઇ એક રાસાયણિક તત્વથી કોઇ રત્ન કે ઉપરત્નનું નિર્માણ થતુ નથી. સ્થાનભેદથી વિવિધ રાસાયણિક તત્વોના સંયોગને કારણે રત્ન, ઉપરત્નના રંગ, રૂપ, કઠોરતા આભામાં અંતર હોય છે. ખનિજ રત્નોમાં લગભગ નીચેના તત્વોનો સંયોગ હોય છે. કેલિશ્યમ, બેરિયમ, એલ્યુમિનિયમ, કાર્બન, બેરોેલિયમ, નાઇટ્રોજન, હિલિયમ, મિથેન, કોપર, હાઇડ્રોજન, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશીયમ, પોટેશિયમ, ઓકિસજન ગંધક, સોડિયમ, જસત, જિકેનિયમ આદિ તત્વો હોય છે.

ગોમતી ચક્રમાં કેલ્શિયમ, જિર્કોનિયમ સિલિકેટ, કાર્બન, હાઇડ્રોજન, હિલિયમ, મિથેન, એમોનિયા, ઓકિસજન, કેલ્શ્યિમ કાર્બોનેટ આદિ તત્વોનું સંયોજન થતા તેનામાં અદ્ભૂત શકિતઓ પ્રગટે છે. પરંતુ તે અશુધ્ધ ગોમતી ચક્રને શુધ્ધ અને અભિમંત્રિત કરવાથી તે શકિતઓ ફળદાયી બને છે. તમામ પ્રકારના અંતરાયો, વિધ્નોને દૂર કરવાની અને ધનસંપદાની વૃધ્ધિની શકિત પ્રગટ થાય છે.

ગોમતીચક્ર તંત્ર, મંત્ર, યંત્રની દુનિયામાં પ્રખ્યાત છે. જોવામાં જેટલો સાધારણ પત્થર દેખાય છે, શુધ્ધિકરણ અને અભિમંત્રિત કર્યા બાદ તેટલો જ અધિક પ્રભાવશાળી છે.

તંત્ર શાસ્ત્રમાં ગોમતીચક્રનું વિશેષ મહત્વ છે. ગોમતીચક્રનો ઉપયોગ તંત્રશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, જયોતિષશાસ્ત્ર, અંક જયોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર આદિમાં વિશેષ ફાયદાકારક બતાવેલ છે.

દુનિયામાં રહેલી બધીજ નાની-મોટી વસ્તુનું ખાસ મહત્વ હોય છે. કોઇપણ વસ્તુ પોતાની સાથે કાંતો સારા પરિણામ લાવે છે. કાંતો દુષ્પરિણામ આજે જે વસ્તુ માટે આપણે વાત કરીએ છીએ તે હિન્દુ તથા જૈન ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. તેમજ જૈનધર્મમાં સ્થાપના ચાર્ય તરીકે ઘણા સંપ્રદાયોમાં સ્થાન પામેલ છે, તે વસ્તુ છે ગોમતીચક્ર.

જૈન સાધુ-સાધ્વીજી પૂજા દરમ્યાન વિશેષયંત્રના રૂપમાં અને સ્થાપનાચાર્યના રૂપમાં ઘણા સંપ્રદાયો શુધ્ધ અભિમંત્રિત ગોમતીચક્રનો ઉપયોગ કરે છે.

ગોમતીચક્રના ઉપયોગથી થતા લાભ

માનસિકશાંતિ પ્રદાન કરે છે. મનોપૂર્ર્તિમાં સહાયકબને છે, રોગ અને ભયથી મુકિત અપાવે ચે. દરિદ્રતાનો નાશ કરે છે, અનેક પ્રકારની સમસ્યાઓમાં સમાધાનનો માર્ગ આપે છે. કોર્ટ કેસ, પ્રેતબાધા, સંતાન અને ધન પ્રાપ્તિમાં આવતી અંતરાયો દુર કરે છે. મારણ, સંમોહન, વશીકરણ, સ્તંભન ઉચ્ચારન, વ્યાપાર વૃધ્ધિ, સ્થિરલક્ષ્મી, શત્રુભય અને રોગનિવારણ તથા દુઃસ્વપ્ન નિવારણ આદિમાં તેના પ્રભાવશાળી પ્રયોગ છે.

સમૃધ્ધિ,સુખ,અનુકુળ સ્વાસ્થ્ય, પર્યાપ્ત ધન, નકારાત્મક શકિતઓથી બચાવ, રોગોથી મુકિત, વ્યવસાયમાં વિકાસ, મનની શાંતિ, બાળકોની સુરક્ષા,વિશેષ પ્રભુભકિત,સમાજમાં પ્રતિષ્ઠા આદિ માટે ગોમતીચક્રનો ઉપયોગ થાય છે.

શુધ્ધ અભિમંત્રિત ગોમતીચક્ર જ લાભદાયક અને ફળદાયક બને છે. માત્ર દુકાનમાંથી લીધેલ ગોમતીચક્ર ફળદાયક કે લાભ કારક બનતા નથી. ગોમતીચક્ર દસથી પંદર રૂપિયાની કિંમતનો પત્થર ગણાય છે.ગોમતી ચક્ર રૂપિયાની દૃષ્ટિએ અલ્પમૂલ્ય છે. પણ લાભની દૃષ્ટિનો બહુમુલ્ય પત્થર છે.

બધા જ ગોમતીચક્ર લાભ દાયક નથી હોતા. ગોમતીચક્રમાં જે જીવંત હોય તે જ લાભ પ્રદાન કરે છે. નિર્જીવ લાભ આપતા નથી જાણકાર વ્યકિતજ જાણી શકે છે કે આ ગોમતીચક્ર જીવંત છે અને આ નિર્જીવ છે. જીવંતને શુધ્ધ અને અભિમંત્રિત કરવાથી તે લાભ આપે છે. નિર્જીવ ગોમતીચક્ર બજારમાં ૨૦૦ રૂપિયાથી ૧૦૦૦ રૂપિયામાં અભિમંત્રિતના નામે ખૂબ વેચાય છે. જે લાભ આપશેકે કેમ તે પ્રશ્ન હોય શકે છે?

બજારમાં બે પ્રકારના ગોમતીચક્ર મળે છે. એક ગોમતી નદીમાંથી મળતા સાચા (ઓરીજનલ) બીજા ચાઇનાના ગોમતીચક્ર જે મશીનની બનાવટ છે અને ખોટા (ડુપ્લીકેટ) છે. સાચા ગોમતીચક્ર પાછળ લાલ,સફેદ કે બ્લેક હોય અને એક સરખા ન હોય ચાઇનાના ગોમતીચક્ર ગ્રીનાલીલા,કેસરી જેવા, બ્લેક (કાળા) હોય છે. એક સરખા હોય છે. જે દેખાવમાં ખૂબ સારા લાગે છે પણ તે કોઇ ફાયદો આપતા નથી કારણ કે તે બનાવેલ છે, કુદરતી નથી માટે બજારમાંથી લેતા પહેલા તપાસીને લેવા નહીંતર કૃત્રિમ ગોમતીચક્ર વર્ષો સુધી પહેરવા છતાં કંઇ લાભ થશે નહિ. જાણકાર પરીક્ષક દ્વારા તેની ચકાસણી કરીને લેવા જોઇએ. અંધશ્રધ્ધામાં દોરાવું જોઇએ નહિ.

વૈદિક જયોતિષ અનુસાર જેની કુંડળીમાં નાગદોષહોય તેને માટે ગોમતીચક્ર ફાયદાકારક છે. રાહુ કે કેતુ કુંડળીમાં પહેલા ઘરમાં ચંદ્ર કે શુક્ર સાથે હોય તો કુંડળીમાં નાગદોષ બને છે રાહુ કે કેતુના ચંદ્ર સાથે હોવાથી માનસિક પરેશાની, વ્યવસાયિક સમસ્યાઓ સતત રહે છે. શુક્ર સાથે  યુતિ હોય તો વૈવાહિક જીવનમાં પરેશાની યા વિવાહ તૂટવા આદિ થાય છે. તેમાં રાહુ અને ચંદ્રની યુતિ હોય તો ગોમતીચક્ર લાભદાયક બને છે. માનસિક શાંતિ અને વ્યવસાયિક પ્રગતિ થાય છે. 

પ્રચલિત માન્યતા પ્રમાણે પહેલા, બીજા, પાંચમા, સાતમા અને આઠમાં ઘરમાં જો રાહુ કે કેતુ હોય તો નાગદોષ બને છે એવું માનવામાં આવે છે.  જે વ્યવહારિક દૃષ્ટિએ પણ યોગ્ય બેસતું નથી કારણ કે આવી સ્થિતિ તો દર બે યા ત્રણ કુંડલીએ દરેકમાં જોવા મળશે.

જેની કુંડળીમાં રાહુ-ચંદ્રની યુતિ હોય તો ગ્રહણ યોગ નિર્માણ પામે છે. જેમાં માનસિક અશાંતિ રહે છે. રાહુ-ભ્રમ ઉત્પન્ન કરે છે. ચંદ્ર મનનો કારક છે. રાહુ મનમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. જો આ સમયે બુધની દુષિત દૃષ્ટિ હોય તો ત્વચા રોગ પણ ઉત્પન્ન થાય છે. આ યોગના પરિણામ લગ્નેશ એટલે કે પહેલા ઘરમાં આ યોગ હોય તો જોવામાં આવ્યા છે. જો આ યુતિ ત્રીજા, સાતમાં કે નવામાં ઘરમાં હોય તો યાત્રા કરવી પડે અને આ યોગમાં જો ગુરૂની શુભદૃષ્ટિ હોય તો જીવન અરીસા જેવું પારદર્શી અને નિષ્પક્ષ હોય. અગિયારમાં ભાવમાં જો આ યુતિ શુભ પ્રભાવ લઇને બેઠી હોય તો અચાનક ધન લાભ થાય છે અને ચંદ્ર જો ચતુર્થેશ થઇને રાહુ સાથે બારમાં ભાવમાં યુતિ કરે તો વિદેશ યાત્રા પણ થઇ શકે છે.

આમ, જેની કુંડળીમાં લગ્નેશમાં રાહુ-ચંદ્રની યુતિ હોય તેણે ચાંદીની વીંટીમાં ગોમતી ચક્ર ધારણ કરવું જોઇએ. ધારણ કરવા પૂર્વે શુદ્ધ અને અભિમંત્રિત હોવું જરૂરી છે. કુંડળીના ઘણા દોષોથી છૂટકારો અપાવે છે, તેના પ્રભાવથી નકારાત્મક શકિતઓનો પ્રભાવ દૂર થાય છે અને ભાગ્યોદય થાય છે.

ગોમતીચક્ર કેવી  રીતે ધારણ કરવો

ગોમતીચક્ર શુદ્ધ અને અભિમંત્રિત કરી વીંટી તૈયાર કરાવીને વીંટીને શુદ્ધ કરી લેવી. વીંટી ચાંદીમાં જ બનાવવી. ચાંદી નવ ગ્રહોમાં શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલ ધાતુ છે. ચાંદી બોકસાઇટ અયસ્ક ધાતુ છે. ચાંદી હોય ત્યાં વૈભવમાં કમી ન હોય વીંટી જમણા હાથની ટચલી (કનિષ્ઠા) આંગળીમાં ધારણ કરવી. વીંટી ગુરૂવારે ધારણ કરવી જોઇએ.હોળી, દિવાળી, નવરાત્રી, સર્વસિદ્ધિયોગ, અમૃતસિદ્ધિયોગ, રવિયુષ્ય, ગુરૂપુષ્યામૃત આદિ મુહુર્તોમાં ગોમતીચક્ર ધારણ કરવો. તેમજ તેની સાધના આ મુહુર્તોમાં વિશેષ ફળદાયી બને છે.

કનિષ્ઠા (ટચલી) આંગળીમાં ચાંદીની વીંટીમાં ગોમતીચક્ર પહેરવાના ફાયદા

- ચાંદીની વીંટીમાં ગોતમીચક્ર પહેરવાથી શુક્ર અને ચંદ્ર શુભ પરિણામ આપે છે. જેનાથી ચહેરા પર નિખાર આવે છે, ચમક વધે છે. દાગ મટે છે.

- માનસિક શાંતિ થાય છે, વાત-વાતમાં ગુસ્સો આવતો હોય તો નિયંત્રિત થાય છે.

- નળળો ચંદ્રમાં વ્યકિતની માનસિક ક્ષમતા ઓછી કરે છે તે વીંટી પહેરવાથી ચંદ્રમાં મજબૂત થાય છે. માનસિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

- કફ, આર્થરાઇટીસ, જોઇન્ટના દુખાવાની સમસ્યામાં ઘણે અંશે ફાયદો થાય છે. વાત, પિત , કફનું સંતુલન રહે છે.

- જેને બોલવામાં તકલીફ થતી હોય અટકી-અટકીને બોલતા હોય, તોતડુ બોલતા હોય તેને સમસ્યામાં રાહત આપે છે.

ગોમતી ચક્ર ધારણ  કરવાની વિધિ

ગોમતીચક્રને શુદ્ધ કર્યા બાદ મંત્રથી અભિમંત્રિત કરવો અને ત્યાર બાદ તેને વીંટી કે પેંડલ બનાવવા, તે વીંટી કે પેંડલ (લોકીટ)ને પણ શુદ્ધ કરી તેના પર મંત્ર જપ કરી પછી ધારણ કરવો.

ગોમતીચદ્ર વીંટી કે પેંડલ (લોકીટ) બનાવતી વખતે ખાસ કાળજી રાખવી કે ગોમતીચક્રમાં રહેલ સાત (૭) નો અંક જે છે તેનો છેડો વીંટીમાં તમારા હૃદય તરફ આવવો જોઇએ અને પેંડલમાં તે છેડો મસ્તક તરફ ઉપરની બાજુ રહેવો જોઇએ.

ગોમતીચક્રની સાધનાના મંત્ર ગુરૂગમથી લેવા ગુરૂઆમનાય પ્રમાણે જપ કરવા જરૂરી છે તો જ તે ફળદાયક બને છે.

ગોમતી ચક્રના તાંત્રિક પ્રયોગો

ગોમતી ચક્રની ભસ્મ મધ સાથે મિલાવીને પગના નખમાં લગાવવાથી વાતા (વાયુ) સંબંધી દર્દમાં ઘણી રાહત થાય છે. અને નેત્ર જયોતિ પણ વધે છે.

અસાધ્ય રોગ દૂર કરવા માટે, માનસિક શાંતિ માટે ૧૧ ગોમતી ચક્ર લઇને રાત્રે પાણીમાં નાખી, સવારે તે ગોમતીચક્ર કાઢી પાણી પી જવું. રોજ આ રીતે પાણી પીવાથી પેટ સંબંધી રોગો દૂર થાય છે. અને વાત સંબંધી રોગોમાં શાંતિ થાય છે, મન શાંત થાય છે.

ગોમતીચક્ર ચાંદીની ડબીમાં હનુમાનજીના જમણા ખંભાનું સિંદુર સાથે રાખવાથી શીઘ્રશુભ ફળદાયક બને છે. ઘરમાં સુખ-શાંતિની વૃધ્ધિ થાય છે.

જો ઘરમાં ભૂત-પ્રેતનો ઉપદ્રવ હોય તો શુધ્ધ અભિ મંત્રિત નવ (૯) ગોમતીચક્ર લઇને ઘરના મુખ્ય વ્યકિતની ઉપરથી નવ વાર ઉલ્ટા ફેરવી વહેતા જળમાં નાખવાથી ભુત-પ્રેત સંબંધી ઉપદ્રવ શાંત થાય છે.

ઘરમાંથી રોગ શાંત ન થતો હોય તો ત્રણ શુધ્ધ ગોમતીચક્ર લઇને શ્વેત વસ્ત્રમાં બાંધીને પલંગના પાયા પર બાંધવાથી રોગીને આરામ થવા લાગે છે.

પ્રમોશન ન થતુ હોય તો ત્રણ ગોમતીચક્ર અન્ય બેરોજગાર ને આપવા અને તેના રોજગાર માટે સાચા હૃદયથી પ્રાર્થના કરવી તો પ્રમોશનનો રસ્તો ખુલી જાય.

પતિ-પત્નિ વચ્ચેના કાયમી કલેશથી મુકત થવા માટે ત્રણ ગોમતી ચક્ર લઇને મસ્તક થી ઉતારી દક્ષિણ દિશામાં 'હલૂ બલજાદ' બોલીને એકાંતમાં નાંખી દેવાથી લાભ થાય.

બિઝનેશમાં ખોટ જ થઇ રહી હોય, અપેક્ષિત લાભ ન મળતો હોય તો, કોઇપણ મહિનાના શુકલ પક્ષમાં પ્રથમ ગુરૂવારે ત્રણ ગોમતીચક્ર, ત્રણ કોડી, અને ત્રણ હળવદના ગાંઠીયા લઇને શુધ્ધ અભિમંત્રીત કરીને પીળા કપડામાં બાંધીને જયાં પૈસા રાખવામાં આવતા હોય ત્યાં રાખી દેવા.

બાળકોને દૃષ્ટિ દોષ (નજર) થી બચાવવા ગળામાં ચાંદીનાં લોકેટમાં ગોમતીચક્ર પહેરાવવું.

અપ્રત્યક્ષ શત્રુ વધુ હોય, વ્યવસાય પર બીજાની ખરાબ નજર હોય, તો ર૧ ગોમતીચક્ર પીળા વસ્ત્રમાં બાંધી દરવાજા પર લટકાવી દો.

અચાનક આર્થિક હાનિથી બચવા માટે કોઇપણ મહિનાના પ્રથમ સોમવારે ર૧ ગોમતીચક્ર પીળા અથવા લાલ રેશમી વસ્ત્રમાં બાંધીને ધનના સ્થાનમાં હળદર લગાવીને રાખવા, પછી બીજા સોમવારે તે ગોમતીચક્ર લઇને આખા ઘરમાં ફરીને કોઇ મંદિર યા પીપળાના વૃક્ષ નીચે મૂકવા.

આશાતીત આર્થિક સફળતા માટે ર૧ ગોમતી ચક્ર અને કાળી હળદરને પીળા વસ્ત્રમાં બાંધી ધનના સ્થાનમાં રાખવી. (નોંધ : કાળી હળદર યોગ્ય તપાસ કરીને લેવી, બજારમાં ઓરીજલના નામે ડુપ્લીકેટ ખૂબ વહેચાય છે.

શત્રુ પરેશાન કરે છે, તેનાથી છૂટકારો જોઇએ છે તો પાંચ ગોમતી ચક્ર લઇને તેના પર તમારા શત્રુનુ નામ જમણા હાથની અનામિકા આંગળીથી, હનુમાનજીના જમણા ખંભાના સિંદુરથી લખો અને પછી તેને રાત્રે ૧૧ વાગ્યા બાદ શૂમશાન જગ્યા પર એકાંતમાં જમીનમાં દાટી દો. અને હનુમાનજીને ત્યાં જ પ્રાર્થના કરો કે હે હનુમાન દેવ ! આપ મારા મનમાંથી શત્રુભાવનો અને મારા સર્વ શત્રુઓના મનમાંથી મારા પ્રત્યેના શત્રુભાવનો નાશ કરો, નાશ કરો, નાશ કરો, આમ, પાંચ શનિવાર સળંગ કરવું. શત્રુ તમને પરેશાન કરવાનું ધીમે ધીમે બંધ કરી દેશે. તેના મનમાંથી શત્રુતાનો ભાવ મરી જશે.

જે સ્ત્રીનો ગર્ભ વારંવાર પડી જતો હોય તેને ત્રણ ગોમતીચક્ર પીળા રેશમી વસ્ત્રમાં લઇને કમર પર બાંધવાથી લાભ થાય છે.

કોર્ટમાં સફળતા મેળવવા માટે ત્રણ ગોમતી ચક્ર સંકલ્પ સાથે ખિસ્સામાં રાખવાથી કોર્ટમાં સફળતા પ્રાપ્ત થાય છે.

રોગ શમન, સ્વાસ્થ્ય પ્રાપ્તી હેતુ, સાત ગોમતી ચક્ર તે વ્યકિત ઉપરથી ઉતારીને પીપળા કે વડલા નીચે મુકી દેવા.

ગોમતીચક્ર લાલ વસ્ત્રમાં બાંધીને ચાવલ (ચોખા) માં અને ઘઉંમાં રાખવામાં આવે તો ઘરમાં અનાજની ખોટ કયારેય પડતી નથી અને કાયમ ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે.

ઘરમાં ઉંબરા નીચે ર૧ ગોમતીચક્ર દબાવવાથી વાસ્તુદોષ દુર થાય છે.

આપની નોકરી નકકી નથી થતી, પ્રમોશન નથી મળતુ તો ત્રણ ગોમતી ચક્ર ખિસ્સામાં રાખી ઇન્ટરવ્યું આપવા જાવ,  આપની નોકરી મળી શકે, રોજ ખિસ્સામાં લઇને ઓફિસ જશો તો તમારી યોગ્યતા પ્રમાણે પ્રમોશન પણ થઇ શકે છે.

જયારે કોઇ બિલ્ડીંગ કે મકાન બને છે, તે રહેવાનું હોય કે વ્યવસાયનું સ્થાન ત્યારે તેમાં શુધ્ધ અભિમંત્રિ ર૧-ર૧ ગોમતી ચક્ર આઠેય દિશામાં પાયામાં મુકવામાં આવે તો તેનાં રહેવાવાળા કે વ્યવસાય કરનારના ભાગ્યનો ઉદય થાય છે.

ગોમતીચક્ર ગળામાં ધારણ કરવાથી કુંડળીમાં રહેલા નાગદોષ કે કાળ સર્પ દોષમાં રાહત થાય છે.

તાંત્રિક પ્રભાવથી નિવૃત્તિ માટે બુધવારે ચાર ગોમતી ચક્ર લઇને માથાપરથી ઉલ્ટા ઉતારીને ચારે દિશામાં ફેંકવાથી તે વ્યકિત તાંત્રિક અસરથી નિવૃત્ત થાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દૂધ આપતા પશુના ગળામાં લાલવસ્ત્રમાં ગોમતીચક્ર બાંધે છે. જેથી તેને કોઇની નજર ન લાગે.

ખેડૂત ખેતરના ચારેય ખૂણામાં જમીનમાં ગોમતી ચક્ર દબાવે છે. જેથી તેના ખેતરમાં ફસલ (પાક) સારી થાય અને કીડા આદિ તથા રોગાદિથી કૃષિપાકનું રક્ષણ થાય.

જયાં જયાં ઉપયોગમાં લેવામાં આવે ત્યાં શુધ્ધ અને અભિમંત્રિત ગોમતીચક્ર જ ઉપયોગમાં લેવો.

ગોમતી ચક્રમાં રાહુ-ચંદ્ર અને શનિની ઉપસ્થિતિ માનવી તે જ ગોમતીચક્રની મહાનતા પુરવાર કરે છે. શનિ-ચંદ્રની યુતિનો પ્લાસ્ટર ઓફ પેરિસ અને કળી ચુના, ભૂખરા ચુનામાં પણ મળે છે અને રાહુને કારણ તેની અંદર જલ્દી જમાવટ થાય છે તે કારણ પણ મળે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કેલ્શિયમ સલ્ફેટ હાફહાકડ્રેટ અને કળીચુનો એટલે કેલ્શિયમ ઓકસાઇડ, ભૂખરો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોસાઇડ, પરંતુ રાહુનો સાક્ષાત પ્રભાવ ફકત પ્લાસ્ટર ઓફ પેરિસ અને ચુનામાં મેળવવામાં આવતા પાણી સુધી જ માની શકાય છે. જેવું પાણી સુકાઇ જાય તેવો રાહુનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે.

ફકત શનિ અને ચંદ્રનું મરેલુ રૂપ જ સામે રહે છે. માટે પ્લાસ્ટર ઓફ પેરિસ અને ચુનાને પાણી તેમાં હોય ત્યાં સુધી જ ઉપયોગમાં લઇ શકાય છે. જેવું પાણી સુકાય અને તેની શકિત ખતમ માનવામાં આવે છે.

ગોમતી ચક્રમાં  રાહુ-ચંદ્ર અને શનિનો પ્રભાવ સદૈવ રહે છે. કુંડળીમાં લગ્નમાં જો શનિ-રાહુની યુતિ હોય તો પ્રેતશ્રાપ યોગ બને છે અને રાહુ જો બીજે કે બારમે હોય અને શનિ અષ્ટ્મ સ્થાનમાં હોય તો તે વ્યકિતની અંદર શૈતાની આંખની શકિત આવે છે. જો આવા વ્યકિત કોઇની સારી વસ્તુને જોઇલે તો તે વસ્તુ કે વ્યકિતના જીવનમાં તકલીફો ઉભી થાય છે. ઘણીવાર આવા પ્રકારના રાહુના પ્રભાવ ને દુર કરવા માટે મોરપીંછ ગાડવામાં આવે છે. મોરપીંછમાં કોપરનું વિશેષ પ્રમાણ હોય છે. તેથી મોરપીંછ રાહુના નકારત્મક પ્રભાવને દુર કરવા માટે વપરાય છે. દૂધ પીતા બાળક, નવું મકાન,અભ્યાસ કરતો વિદ્યાર્થી, સારી રસોઇ બનાવતી સ્ત્રી, આદિ રાહુ-શનિવાળી વ્યકિતની દ્રષ્ટિમાં આવતા જ પોતાની તાકાત સમાપ્તકરી દે છે. બાળક કે વ્યકિતને તો મોર પીંછથી ઝાડુ લગાવીને ઠીક કરી શકાય છે, પરંતુ મકાન પર, દુકાન પર મોર પીંછ કામ નથી આવતુ માટે ગોમતી ચક્રનો પ્રયોગ જ કામ આવે છે.

આમ ગોમતી ચક્ર અનેક રીતે ઉપયોગી પત્થર છે, પરંતુ તેમ શુધ્ધ અને અભિમંત્રિત કરીને જ ઉપયોગમાં લઇ શકાય છે, નહીંતર યોગ્ય ફળ આપતો નથી. સર્વનુંમંગલ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.

(11:59 am IST)