રાજકોટ
News of Monday, 16th September 2019

કોડીનારના માલ ગામના હાર્દિક સોસાએ રાજકોટમાં પત્નિની બહેનપણીને બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજાર્યો

નગ્ન ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી એકાદ વર્ષ પહેલા તેમજ આજથી ત્રણ મહિના પહેલા ગુનો આચર્યાની ફરિયાદઃ આરોપી ઉપર ૪/૯ના રોજ ભોગ બનનાર યુવતિના સ્વજનોએ હુમલો કરતાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતોઃ આરોપી હાલ કોડીનાર સારવાર હેઠળઃ અગાઉ રાજકોટ ગ્રીનલીફમાં નોકરી કરતો'તોઃ પોતાના મિત્રના ફલેટે બોલાવી દૂષ્કર્મ આચર્યા બાદ ગોવા, મેંગ્લોર લઇ જઇ ત્યાં પણ ધમકી દઇ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૪: શહેરના ઘંટેશ્વર પાસે અગાઉ એક કલબમાં રહેતાં અને નોકરી કરતાં મુળ કોડીનારના માલ ગામના યુવાન વિરૂધ્ધ તેણે પોતાની જ પત્નિની એક બહેનપણીને ઘરે બોલાવી બ્લેકમેઇલ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી નગ્ન ફોટા પાડી લઇ વાયરલ કરી દેવાની ધમકી આપતાં અને ગોવા તેમજ મેંગ્લોર મુકામે ફરવા લઇ જઇ ત્યાં પણ અવાર-નવાર મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે જેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે એ યુવાન પર ગત તા. ૪/૯ના રોજ ભોગ બનનાર યુવતિના સગાએ માલ ગામ જઇ હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચાડતાં તે ત્યાંની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હુમલા અંગે કોડીનાર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે પુખ્ત વયની યુવતિની ફરિયાદ પરથી કોડીનારના માલ ગામના હાર્દિક સોસા વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ધમકી આપી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં આરોપ મુકાયો છે કે આજથી એકાદ વર્ષ પહેલા તેમજ તા. ૧૧/૬ના સવારના દસથી ૨૫/૬ના સમયગાળા દરમિયાન હાર્દિક સોસાએ ભોગ બનનાર યુવતિને એસઆરપી કેમ્પ રોડ આસ્થા સોસાયટીના બાજુમાં વર્ધમાન વિલામાં પોતાના ફ્રેન્ડના ઘરે બોલાવી ધમકી આપી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લઇ નગન ફોટા પાડી લઇ તે વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ મારી નાંખવાની ધમકી આપી ગોવા તથા મેંગ્લોર મુકામે લઇ જઇ ત્યાં પણ અવાર-નવાર બળજબરીથી દૂષ્કર્મ આચર્યુ હતું.

હાર્દિકના પત્નિ અને ભોગ બનનાર યુવતિ સાથે જ નોકરી કરતાં હોઇ જેથી હાર્દિકની ભોગ બનનાર યુવતિ સાથે ઓળખાણ થઇ હતી. આ ઘટનામાં હવે ગુનો નોંધાતા યુનિવર્સિટી પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. બરવાડીયા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત તા. ૪/૯ના રોજ હાર્દિક ટાભાભાઇ સોસા (ઉ.૩૦) તેના ગામ કોડીનારના માલ ગામમાં બપોરે ત્રણેક વાગ્યે હતો ત્યારે તેના પર ત્રણેક શખ્સોએ ધોધકા-પાઇપ-તલવારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં તે ત્યાંની હોસ્પિટલમાં દાખલ થયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ પણ ખસેડાયો હતો. તે વખતે કોડીનાર પોલીસે હાર્દિકની ફરિયાદ પરથી રાજકોટના હુમલાખોરો વિરૂધ્ધ હત્યાની કોશિષની કલમ ૩૦૭ સહિત હેઠળ ગુનો નોંધ્યો હતો. આ હુમલો ભોગ બનેલી યુવતિના સગાએ કર્યાનું હાર્દિકે જણાવ્યું હતું. તે અગાઉ રાજકોટ ગ્રીનલીફ કલબમાં નોકરી કરતો હોવાનું અને પોતાની પત્નિ સાથે નોકરી કરતી તેની બહેનપણી સાથે પોતાને ઓળખાણ થયાનું કહ્યું હતું. ખોટી રીતે પોતાના પર આરોપ મુકાયાનું પણ તેણે રટણ કર્યુ હતું. હાલ તે કોડીનાર સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

(11:57 am IST)