રાજકોટ
News of Thursday, 16th August 2018

પેઢલા મગફળી કૌભાંડમાં મગન ઝાલાવડીયા સહિત ૬ આરોપીઓ વધુ ૪ દિ'ના રીમાન્‍ડ પરઃ ૫ જેલ હવાલે

કુલ ૯ આરોપીઓ પોલીસ રીમાન્‍ડ હેઠળઃ કૌભાંડમાં મગન ઝાલાવડીયા પાછળ કોનો દોરીસંચાર? તે મોટા માથાઓના નામો ખુલશે કે રહસ્‍ય ધરબાઈ જશે ? લોકોમાં પૂછાતો પ્રશ્‍ન

રાજકોટ, તા. ૧૬ :. ગુજરાત સૌરાષ્‍ટ્રમાં ચર્ચાસ્‍પદ બનેલ જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં મુખ્‍ય સૂત્રધાર મગન ઝાલાવડીયા સહિત ૧૧ આરોપીઓના ૧૦ દિવસના રીમાન્‍ડ પૂર્ણ થતા ગઈકાલે તમામને કોર્ટમાં રજુ કરાયા હતા. જે પૈકી મુખ્‍ય સૂત્રધાર મગન ઝાલાવડીયા સહિત ૬ આરોપીઓને કોર્ટે વધુ ૪ દિવસના રિમાન્‍ડ પર સોંપવા હુકમ કર્યો હતો. જ્‍યારે અન્‍ય ૫ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

મગફળી ભેળસેળ કૌભાંડમાં જેતપુર પોલીસે ૧૯ આરોપીઓને ઝડપી લીધા બાદ ૧૧ આરોપીઓને પોલીસે ૧૦ દિવસના રીમાન્‍ડ પર સોંપવા હુકમ કર્યો હતો. આ ૧૧ આરોપીઓના ગઈકાલે રીમાન્‍ડ પૂર્ણ થતા જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડે તમામને વધુ રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે મુખ્‍ય સૂત્રધાર મગન નાનજીભાઈ ઝાલાવડીયા, રોહીત લક્ષ્મણ બોડા, જીતુ બચુભાઈ, વિક્રમ દેવાભાઈ લાખાણી, વિરેન્‍દ્ર કાનાબાર તથા મુળજી ઝુંઝીયા સહિત ૬ આરોપીઓને વધુ ૪ દિ'ના રીમાન્‍ડ પર સોંપવા હુકમ કર્યો હતો. જ્‍યારે અન્‍ય આરોપીઓ કેયુર ચૌહાણ, જીજ્ઞેશ ઉજેટીયા, વિનોદ ટીલવા, કૌશલ જેઠવા તથા કાળુ મલેક સહિત ૫ આરોપીઓને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

મગફળી કૌભાંડમાં મુખ્‍ય સૂત્રધાર મગન ઝાલાવડીયા સહિત ૬ અને અન્‍ય ૩ આરોપીઓ સહિત કુલ ૯ આરોપીઓ હાલ પોલીસ રીમાન્‍ડ હેઠળ છે.

દરમિયાન મગફળી કૌભાંડમાં મુખ્‍ય સૂત્રધાર મગન ઝાલાવડીયા પાછળ કોનો દોરી સંચાર છે ? તે અંગે અન્‍ય કોઈ મોટા માથાઓના નામો ખુલશે કે રહસ્‍ય ધરબાઈ જશે ? તે અંગે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. તેમજ આ કૌભાંડમાં પકડાયેલ ૩૦ આરોપીઓને કેટલો આર્થિક લાભ થયો ? તે વિગતો પોલીસ હજુ જાહેર કરી શકી નથી. મુખ્‍ય સૂત્રધાર મગન ઝાલાવડીયા સહિતકના આરોપીઓના રીમાન્‍ડ દરમિયાન આ હકીકત ખુલશે કે કેમ ? તે તરફ સૌની મીટ મંડાઈ છે.

(5:14 pm IST)